કિચલુ, ડૉ. સૈફુદ્દીન (જ. 15 જાન્યુઆરી 1888; અમૃતસર, પંજાબ; અ. 9 ઑક્ટોબર 1963, ન્યૂ દિલ્હી) : ભારતના સ્વાતંત્ર્યસેનાની તથા રાષ્ટ્રવાદી મુસ્લિમ રાજનીતિજ્ઞ. કાશ્મીરી મુસ્લિમ કુટુંબમાં જન્મ. માધ્યમિક શિક્ષણ અમૃતસરમાં, કૉલેજશિક્ષણ આગ્રા તથા અલીગઢમાં લીધુ. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી બી.એ., લંડન યુનિવર્સિટીમાંથી બાર-ઍટ-લૉ તથા જર્મનીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. 1915માં અમૃતસરમાં વકીલાત સાથે સામાજિક કાર્યમાં ઝંપલાવ્યું. અમૃતસરના મ્યુનિસિપલ કમિશનર બન્યા. 1919માં રૉલેટ ઍક્ટના વિરોધમાં પંજાબમાં આંદોલનનું નેતૃત્વ કર્યું. ખિલાફત ચળવળમાં પણ ભાગ લીધો. 1921માં ભારતના સૈનિકોને સરકાર વિરુદ્ધ ઉશ્કેરવાના આરોપસર કરાંચી ખાતેના ન્યાયાલયમાં સજા થઈ. અ. ભા. ખિલાફત કમિટીના પ્રમુખ ચૂંટાયા. 1924માં રાષ્ટ્રીય કૉંગ્રેસના મહામંત્રી બન્યા. સાથોસાથ થોડાક સમય માટે દિલ્હી તથા પંજાબ પ્રાંતીય કૉંગ્રેસ કમિટીના પ્રમુખ રહ્યા. 1929માં લાહોર ખાતે આયોજિત અ. ભા. કૉંગ્રેસના ચુમ્માલીસમા ઐતિહાસિક અધિવેશનની સ્વાગત સમિતિના પ્રમુખ ચૂંટાયા તથા ખુલ્લા અધિવેશનમાં પંડિત જવાહરલાલ નેહરુએ રજૂ કરેલ પૂર્ણ સ્વરાજના ઠરાવને ટેકો આપ્યો. ભારતના વિભાજન ટાણે તેઓ રાષ્ટ્રવાદી નેતા તરીકે અખંડ ભારતની તરફેણમાં છેક સુધી અડગ રહેલા. અલબત્ત, વચ્ચેના ગાળાનાં 1925માં તેમણે ભારતના મુસલમાનોનાં ધાર્મિક અને સામાજિક હિતોના રક્ષણ માટે ‘તહરિક-એ-તન્ઝિમ’ નામનું એક સંગઠન ઊભું કર્યું હતું અને ‘તન્ઝિમ’ નામનું મુખપત્ર પણ શરૂ કર્યું હતું, પણ આ સંગઠન બિન-રાજકીય હતું. સ્વાધીનતાની ચળવળમાં કારાવાસ ભોગવ્યો હતો.

ડૉ. સૈફુદ્દીન કિચલુ
ડૉ. સૈફુદ્દીન કિચલુ
તે અસરકારક અને પ્રભાવશાળી વક્તા હતા. 1915 તથા 1919માં બે વાર તેમનાં ભાષણો પર સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. સ્વાધીનતાની ચળવળ માટે વિદેશી મદદ મેળવવાના તે સખત વિરોધી હતા.
સ્વાધીનતા પછી કૉંગ્રેસની નીતિ સાથે તે સંમત નહિ થઈ શકતાં ભારતીય સામ્યવાદી પક્ષમાં દાખલ થયા. અવસાનના થોડાક સમય પહેલાં સોવિયેત સંઘ તરફથી તેમને લેનિન શાન્તિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે