કિંગ્સલી, બેન

January, 2025

કિંગ્સલી, બેન (જ. 31 ડિસેમ્બર 1943, યોર્કશાયર, ઇગ્લૅન્ડ-) : ઍંગ્લો-બ્રિટિશ ચલચિત્ર-અભિનેતા. મૂળ નામ ક્રિશ્ના બાનજી. માતા ભારતીય મૂળનાં તો પિતા ઇંગ્લૅન્ડના મૂળ વતની. 1972માં નિર્મિત ‘ફિયર ઇઝ ધ કી’ ફિલ્મથી અભિનય-કારકિર્દીની શરૂઆત કરી અને ત્યારથી 1990 સુધીમાં કુલ દસ ફિલ્મોમાં ભૂમિકા ભજવી. પસંદગીની ભૂમિકાઓ જ સ્વીકારવાના આગ્રહી હોવાથી અત્યાર સુધી જૂજ ફિલ્મોમાં અભિનય કર્યો છે.

બેન કિંગ્સલી

1981માં નિર્મિત અને 1982માં રૂપેરી પડદા પર પ્રદર્શિત થયેલ ‘ગાંધી’ ફિલ્મે તેમને વિશ્વભરમાં અસાધારણ ખ્યાતિ અપાવી. મહાત્મા ગાંધીના જીવન અને કાર્ય પર આધારિત અને તેમની 79 વર્ષની ઉંમરમાંથી 56 વર્ષની જાહેર જીવનની કારકિર્દીને આવરી લેતી આ ફિલ્મમાં બેન કિંગ્સલીએ ગાંધીજીની પ્રમુખ ભૂમિકા આબેહૂબ ભજવી હતી અને તેની પૂર્વતૈયારી માટે કિંગ્સલીએ લાંબી સાધના કરી હતી. મહાત્મા ગાંધીની વિચારસરણી અને તેમના દૈનંદિન કાર્યક્રમો ઉપરાંત તેમની ઊઠવા-બેસવાની, બોલવાની, ચાલવાની, હસવાની, વાર્તાલાપ કરવાની, ચરખા ચલાવવાની ઢબ જેવી અનેક નાનીમોટી બાબતોનો કિંગ્સલીએ ઊંડો અભ્યાસ તો કર્યો હતો જ પરંતુ ફિલ્મનું ચિત્રાંકન શરૂ થયું તે પહેલાં લાંબા અરસા સુધી તે બધાનો પોતાના વ્યવહારમાં તેમણે મહાવરો પાડ્યો હતો. ફિલ્મ પ્રદર્શિત થયા પછી પત્રકારો સમક્ષ કિંગ્સલીએ કબૂલ્યું હતું કે ફિલ્મનું ચિત્રાંકન પૂરું થયા પછી કેટલાયે મહિનાઓ સુધી ગાંધીની ભૂમિકાની અસરમાંથી માનસિક રીતે તેઓ મુક્ત થઈ શક્યા ન હતા.

બેન કિંગ્સલી અને માર્ટિન સીન ‘ગાંધી’ ફિલ્મમાં

વિખ્યાત બ્રિટિશ ચલચિત્ર દિગ્દર્શક રિચાર્ડ અટેન્બરો-દિગ્દર્શિત આ ફિલ્મને કુલ આઠ ઑસ્કર ઍવૉર્ડ પ્રાપ્ત થયા હતા, જેમાંનો એક ઍવૉર્ડ બેન કિંગ્સલીને તેની આ શ્રેષ્ઠ ઐતિહાસિક ભૂમિકા માટે એનાયત થયો હતો. આ ભૂમિકાને લીધે હવે કિંગ્સલીની ગણના ઇંગ્લૅન્ડના વિખ્યાત ચલચિત્ર અભિનેતા અલેક ગિનેસની હરોળમાં થાય છે. ‘ગાંધી’ ફિલ્મને મળેલા આઠ ઑસ્કરમાંથી એક ભારતીય નારી ભાનુ અઠૈયાને વેશભૂષા-રચના (costume designing) માટે એનાયત થયો હતો. તેમણે આ ઉપરાંત 1990 સુધીમાં નીચેનાં ચલચિત્રોમાં અભિનય કર્યો છે : ‘ફિયર ઇઝ ધ કી’ (1972), ‘બિટ્રેયલ’ (1983), ‘કેમિલે’ (TV) (1984), ‘સિલાસ માર્નર’ (TV) (1985), ‘પાસ્કલીઝ આઇલૅન્ડ’ અને ‘વિધાઉટ એ ક્લૂ’ (1988), ‘સ્લિપસ્ટ્રીમ’ અને ‘મર્ડરર્સ અમન્ગ અસ’ (1989) તથા ‘ધ ફિફ્થ મંકી’ (1990).

બેન કિંગ્સલીએ 52 જેટલી ફિલ્મોમાં અભિનય કરેલો છે. એમનો ‘ગાંધી’ ુપરાંત ‘સીન્ડલર્સ લિસ્ટ’ (દિગ્દર્શક : સ્ટીવન સ્પીલબર્ગ)નો અભિનય ખૂબ પ્રશંસા પામેલ છે. એમને એક વખત ઍકૅડેમી ઍવૉર્ડ મળ્યા ઉપરાંત ત્રણ વખત ઓસ્કારનું સહાયક અભિનેતાનું નોમીનેશન મળેલું છે. આ ઉપરાંત એમને ગોલ્ડનગ્લોબ ઍવૉર્ડ, બાફ્ટા ઍવૉર્ડ સ્ક્રીન એક્ટર્સ પણ મળેલાં છે.

1984માં ગ્રેમી ઍવૉર્ડ અને પદ્મશ્રીથી સન્માનિત થયા છે.

પીયૂષ વ્યાસ

બાળકૃષ્ણ માધવરાવ મૂળે