કાહી, સૈયદ નજમુદ્દીન મુહમ્મદ અબુલ કાસમ (જ. 1462; અ. 1582) : કાસીદા અને મુઅમ્માના મશહૂર સર્જક. સમરકંદના વતની. આશરે 45 વર્ષ કાબુલમાં રહીને 1529માં સિંધના ભક્કર નગરમાં આવ્યા હતા. અહીંયાં તેમને શાહ જહાંગીર હાશમી નામના સૂફીનો સત્સંગ થયો હતો. 1534માં ગુજરાતમાં તેમણે સોમનાથની મુલાકાત લીધી હતી. કોઈ હિન્દુ સંત પાસેથી બોધવચન સાંભળીને તેમણે એક ફારસી મુક્તક રચ્યું હતું જેનો ગુજરાતી અનુવાદ આ પ્રમાણે છે : ‘એક હિન્દુ સંતે સોમનાથદ્વારે એક શ્લોક વાંચ્યો જે મેં ગ્રહણ કરી લીધો : મારા જીવનનો સાર ત્રણ શબ્દોથી વધુ નથી – હું અપરિપક્વ હતો, પરિપક્વ થયો અને (અંતે) બળી ગયો.’ તે ગુજરાતમાં આશરે 16 વર્ષ રહ્યા હતા અને ગુજરાતના તે સમયના સુલતાન બહાદુરશાહ (મૃત્યુ 1537) અને સુલતાન મેહમૂદ બીજા(મૃત્યુ 1555)ની પ્રશંસામાં તેમણે કસીદા કાવ્યો રચ્યાં હતાં. આશરે 1550માં કાબુલ પાછા ફરીને 1555થી અકબરની સેવામાં દાખલ થયા હતા. તે મુઘલ સૈન્ય સાથે પાછા હિન્દ આવ્યા અને જોનપુર તથા બનારસમાં રહીને છેવટે આગ્રામાં વસવાટ કર્યો, જ્યાં આશરે 1582માં 120 વર્ષની વયે મૃત્યુ પામ્યા હતા. આગ્રામાં તેમનો મજાર મદાર દરવાજા પાસે હતો.
કાહી સ્વતંત્ર સ્વભાવના, ધર્મનિરપેક્ષ વૃત્તિના તથા વિશાળ ર્દષ્ટિવાળા માનવી હતા. તેમને સંગીતનો અને ફારસી કવિતામાં મુઅમ્મા (riddles) કહેવાનો ઘણો શોખ હતો.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી