કાહનેમન, ડૅનિયલ (જ. 5 માર્ચ 1934, તેલ અવીવ; અ. 27 માર્ચ 2024) : અર્થશાસ્ત્રનું નોબેલ પારિતોષિક મેળવનાર પ્રથમ મનોવૈજ્ઞાનિક. વતન ઇઝરાયલ, પરંતુ અમેરિકન નાગરિકત્વ ધરાવનાર પ્રિન્સ્ટન યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર.
પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના બધા જ સિદ્ધાંતો એવા મૂળભૂત અનુમાન પર રચાયેલા હોય છે કે દરેક અર્થપરાયણ માનવી (economic man) મહત્તમ લાભ મેળવવા માગે છે અને તેને અનુષંગે બુદ્ધિગમ્ય વર્તન કરવા પ્રેરાયેલા હોય છે. ડૅનિયલ કાહનેમને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓનું આ અનુમાન કેટલે અંશે સચોટ અને યથાર્થ છે તે અંગે સંશોધન હાથ ધર્યું હતું અને તેઓ એવા નિષ્કર્ષ પર આવ્યા હતા કે એવાં અનેક કારણો હોય છે જેને લીધે અર્થપરાયણ માનવીનું વર્તન બુદ્ધિગમ્ય હોતું નથી. કોઈ પણ સિદ્ધાંત પછી તે અર્થશાસ્ત્રનો હોય કે અન્ય કોઈ શાસ્ત્રનો, તે સચોટ અને અણિશુદ્ધ ત્યારે જ ગણાય જ્યારે તે જે દેખીતું કે સ્પષ્ટ છે માત્ર તે જ સાબિત કરતો નથી, પરંતુ તે ઉપરાંત તે અણધાર્યાં પરિણામોની પણ આગાહી કરવા સમર્થ હોય અને જે સિદ્ધાંત ધાર્યા અને અણધાર્યા બંને પ્રકારની બાબતોનું તર્કશુદ્ધ વિશ્લેષણ કરવા સમર્થ હોય તે જ સિદ્ધાંત નીતિ-ઘડતર માટે ઉપયોગી નીવડી શકે છે. કાહનેમને તેના વર્તનલક્ષી વિશ્લેષણ દ્વારા એ સાબિત કરી બતાવ્યું છે કે ઘણા એવા સંજોગો હોય છે, જેમાં અર્થપરાયણ માનવી પણ સભાન રીતે તર્કહીન કે વિવેકહીન વર્તન કરવા પ્રેરાતો હોય છે. આવું વર્તન કરવા પાછળનાં કારણોનું કાહનેમને વિશ્લેષણ કરી તેના પર પ્રકાશ પાડ્યો છે; દા.ત., ઘણી વાર તે ભવિષ્યમાં આવી શકે તેવાં જોખમો અગાઉથી પારખી શકતો નથી. તેના ઘણા નિર્ણયો ભય અથવા તો હર્ષ-ઉલ્લાસોન્માદના વાતાવરણમાં તેને લેવા પડતા હોય છે. જોખમો ટાળવાની સહજવૃત્તિમાંથી પણ તેના હાથે અમુક સંજોગોમાં સભાન રીતે અવિવેકપૂર્ણ વર્તન પરિણમે છે કે કેટલીક વાર વધુ પડતો આત્મવિશ્વાસ પણ તેના માટે કારણભૂત બની જાય છે. આવા બધા જ નિર્ણયોમાંથી ઊપજતું તેનું વર્તન પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ નિર્ધારિત કરેલા આર્થિક વર્તનનાં ધોરણોથી ભિન્ન હોય છે અને તેથી અર્થપરાયણ માનવી હરહંમેશ વિવેકપૂર્ણ વર્તન કરવા જ પ્રેરાતો હોય છે એમ કહી શકાય નહિ.
કાહનેમન એમ પણ સૂચવે છે કે અર્થપરાયણ માનવીના ઘણા નિર્ણયો પરસ્પરવિરોધી હોવાથી સાચા અને ખોટા નિર્ણયો, એટલે કે તર્કશુદ્ધ અને અવિવેકપૂર્ણ નિર્ણયો, પરસ્પર એકબીજાનો છેદ ઉડાડતા હોય છે, જેને લીધે સમગ્ર બજારની સમતુલા એકંદરે જળવાતી હોય છે.
આમ, અર્થપરાયણ માનવી વાસ્તવિક પરિસ્થિતિમાં વાસ્તવિક પસંદગી કઈ રીતે કરે છે અને તેનું વર્તન કેટલે અંશે તર્કશુદ્ધ કે તર્કરહિત હોય છે તેનું વિશ્લેષણ કરવા માટે કાહનેમનને વર્ષ 2002નું અર્થશાસ્ત્ર માટેનું પારિતોષિક અમેરિકાની જૉન મૅસન યુનિવર્સિટીના પ્રોફેસર વર્મન સ્મિથની સાથે સંયુક્ત રીતે એનાયત કરવામાં આવ્યું છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે