કાસ્તેલો બાંક્રો કામીલો (જ. 16 માર્ચ 1825, લિસ્બન; અ. 1 જૂન 1890, સીદ, પોર્ટુગલ) : પોર્ટુગીઝ નવલકથાકાર. રંગદર્શીથી માંડીને વાસ્તવદર્શી વિષય તથા શૈલીની 58 નવલકથાઓના આ લેખક પોર્ટુગલના બાલ્ઝાકનું બિરુદ પામ્યા છે. માનસિક ઉન્માદનાં વારસાગત લક્ષણો ધરાવતા કુટુંબમાં અનૌરસ સંતાન તરીકે જન્મ થયો અને હાડમારીભર્યા તથા સંસ્કારવંચિત પ્રદેશમાં અનાથ બાળક તરીકે કશી રોકટોક વગર તે મોટા થયા. પહેલાં ઔષધવિજ્ઞાનનો અને તે પછી પાદરી થવા માટેનો અભ્યાસ કર્યો, પણ છેવટે અપનાવી તો સાહિત્યિક કારકિર્દી જ. ‘મિસ્ટરિઝ ઑવ્ લિસ્બન’ (1854) જેવી ગૉથિક વાર્તાઓથી તેમણે પ્રારંભ કર્યો. 1856માં ‘વ્હેર ઇઝ હૅપિનેસ’ પ્રગટ થવાની સાથે જ તેમની શૈલીની પ્રૌઢિની પ્રતીતિ થઈ. પોતે જેવી તીવ્રતાથી લખતા એવી જ તીવ્રતાથી જીવતા. અનેક પ્રણયપ્રકરણોમાં અટવાયા પછી છેવટે એક ધનિક વેપારીની પત્ની સાથે ભાગી જવા માટે વ્યભિચારના ગુના બદલ જેલવાસ પણ વેઠ્યો (1861). એ જેલવાસ દરમિયાન જ તેમની સૌથી જાણીતી કૃતિ ‘ફેટલ લવ’(1862)નું સર્જન થયું.
જેલમાંથી છૂટ્યા પછી અને પોતાની પ્રેયસી અનાના પતિનું અવસાન થયા પછી 1864માં અના સાથે સીદ ગામમાં વસવાટ કર્યો. જીવનનિર્વાહ માટે લગાતાર લખતા રહેવાનું સ્વીકાર્યું. એમાં સારીનરસી કવિતા, નાટકો, વિદ્વત્તાપૂર્ણ કૃતિઓ તેમજ ઉગ્ર અને વિવાદાસ્પદ લખાણોનો સમાવેશ થાય છે. ઉપરાઉપરી તેમણે જે સારીનરસી ગુણવત્તાવાળી નવલકથાઓ લખવા માંડી તેમાંની કેટલીક તો પ્રકાશકની ફરમાશથી લખાયેલી જણાય છે. લેખનકાર્ય બદલ 1885માં તેમને વાઇકાઉન્ટનો ખિતાબ અપાયો. પોતાના પુત્રના ગાંડપણની ચિંતા તેમજ ખુદ પોતાની બીમારી અને આવી રહેલા અંધાપાથી હતાશાના માર્યા તેમણે આત્મહત્યા કરીને જિંદગી ટૂંકાવી.
તેમની મોટાભાગની કૃતિઓ લોકરંજની કથાશ્રેણી જેવી સ્તરની છે પરંતુ ‘ધ લવસ્ટોરી ઑવ્ એ રિચ મૅન’ (1861) તથા ‘પૉર્ટ્રેટ ઑવ્ રિકાર્ડિના’(1868)ના વિષયની માવજતમાં કરુણતા વણાયેલી છે તથા તેના નિરૂપણમાં લાઘવ અને સ્ફૂર્તિલાપણું જોવા મળે છે. સ્વભાવ તથા વિચારસરણીની બાબતમાં તે રોમાન્ટિક લેખાય છે. તે સમયે આવિષ્કાર પામી રહેલી પ્રકૃતિવાદી વિચારસરણી સામે તેમણે ઉગ્ર સાહિત્યિક વિવાદ જગાવ્યો હતો અને પોતાની બે-એક નવલકથાઓમાં તેની ઠેકડી ઉડાવી હતી.
મહેશ ચોકસી