કાસાની, મીર સૈયદઅલી : ગુજરાતનો સલ્તનતકાલનો ઇતિહાસલેખક અને કવિ. એણે ‘તારીખે મુઝફ્ફરશાહી’ નામનું પુસ્તક લખ્યું છે, જેમાં ગુજરાતના સુલતાન મુઝફ્ફરશાહ બીજાના શાસન(1511-1526)નો ઇતિહાસ આલેખ્યો છે. સુલતાન મુઝફ્ફરશાહ બીજાએ 1517માં માળવાનું રાજ્ય માંડુ જીતી લઈને એના સુલતાન મહમૂદ ખલજી બીજાને પાછું સોંપ્યું હતું તેનું વિસ્તૃત વર્ણન એમાં છે. એ આક્રમણમાં એ સુલતાન સાથે માળવા ગયો હતો અને એના ફરમાન મુજબ તેણે ચોકસાઈપૂર્વક સ્થળો, બનાવો તથા તારીખોની નોંધો રાખી હતી. એ નોંધોને આધારે તેણે આ પુસ્તક તૈયાર કર્યું હતું. આ પુસ્તકમાં તેણે સુલતાનની પ્રશસ્તિમાં ઘણો અતિરેક કર્યો છે.
મુગટલાલ પોપટલાલ બાવીસી