કાસમભાઈ (જ. 10 માર્ચ 1906, ઊંબરી, જિ. મહેસાણા; અ. 1969) : ગુજરાતની જૂની રંગભૂમિના નટ અને દિગ્દર્શક. પિતા નથ્થુભાઈ અને માતા રાજબાઈ. ભણતર કેવળ ત્રીજા ધોરણ સુધીનું. 1915માં છ મહિના પગાર વિના નકુભાઈ શાહની ‘શ્રી આર્યનૈતિક નાટક સમાજ’ કંપનીના બાલવૃન્દમાં ગીત ગાવાનું કામ કર્યું; પછી માસિક ત્રણ રૂપિયા પગાર થયો. સંગીતજ્ઞ પંડિત લક્ષ્મણપ્રસાદ પાસે ગીત-સંગીત શીખ્યા. ‘વિદ્યાવિનોદ નાટક સમાજ’માં 1915માં કવિ-ચિત્રકાર ફૂલચંદ માસ્તરના નાટક ‘શુકદેવ’માં નવ વર્ષની ઉંમરે નારદની ભૂમિકા ભજવી. પગાર નવ રૂપિયા થયો. 1919માં મુંબઈમાં ‘શ્રીદેશી નાટક સમાજ’માં પચીસ રૂપિયાના પગારે જોડાયા. 1920માં અમદાવાદમાં રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે કાસમભાઈને ગાતાં સાંભળ્યા અને રૂપિયા 100ના પગારે મુંબઈ આવવા આમંત્રણ આપ્યું. યશસ્વી નીવડેલ ‘વડીલોના વાંકે’માં તેમણે યાદગાર બનેલી પુષ્કરની ભૂમિકા ભજવી. તેમણે 1950માં ‘વિજય નાટક સમાજ’ સ્થાપી. પરંતુ તે એક વર્ષ બાદ બંધ થવાથી 1952માં ફરી તે ‘દેશી નાટક સમાજ’માં દિગ્દર્શક તરીકે જોડાયા. એમની યાદગાર ભૂમિકાઓ હતી ‘વીણાવેલી’માં કઠિયારો, ‘ઉમાદેવડી’માં હમીર કુમાર, ‘સૂરમોહિની’માં ઓઢો જામ. જે નાટકે એમને ખૂબ યશ અપાવ્યો તે નંદલાલ શાહકૃત ‘પૈસો બોલે છે’. આ નાટકના એકધારા 514 પ્રયોગોએ ગુજરાતી રંગભૂમિ પર નવો વિક્રમ સર્જ્યો, જૂની રંગભૂમિના કેટલાક દિગ્દર્શકોમાં એમનું મહત્વનું સ્થાન છે. ફિલ્મના કહેવાતા આક્રમણ છતાં જૂની રંગભૂમિનાં નાટકો છેક 1970 સુધી લોકપ્રિય હતાં. ‘પૈસો બોલે છે’ એનો પુરાવો હતો.
કૃષ્ણવદન જેટલી