કાશ્મીરી ભાષા અને સાહિત્ય
ભારતને ઉત્તર છેડે બોલાતી ઇન્ડો-યુરોપિયન ભાષા. એ મોટે ભાગે તળેટીના વિસ્તારમાં બોલાય છે. કાશ્મીરના પૂર્વ ભાગમાં તિબેટી કે પશ્ચિમ પહાડી, દક્ષિણમાં પંજાબી, પશ્ચિમમાં લહંદા અને ઉત્તરમાં શિના કે તિબેટી એ મહત્વની ભાષાઓ છે. કાશ્મીરી બોલનારાઓની સંખ્યા 59,87,389 છે. પરંતુ કાશ્મીરનો જે ભાગ પાકિસ્તાનના કબજામાં છે તે તથા ભારતની બહાર જે કાશ્મીરીભાષીઓ છે તેમની સંખ્યા ઉમેરીએ તો એમાં ત્રણેક લાખનો વધારો થાય.
કાશ્મીરી ઇન્ડો-ઈરાનિયનની દાર્દિક શાખાની ભાષા છે. ‘કશ્મીર’ એ નામ સંસ્કૃત હોવાથી એના પરથી કાશ્મીર, કાશ્મીરિક, કાશ્મીરિકા વગેરે વિશેષણો બને છે. એમાંથી કાશ્મીરિકા વિશેષણ પરથી કાશ્મીર નામ આવ્યું છે. દાર્દિક અથવા પૈશાચી ભાષામાં સંસ્કૃત અને ઈરાની એ બન્ને ભાષાઓની વિશેષતા મળે છે. આ ઉપરાંત એ ભાષાની પોતાની પણ વિશેષતા છે, જે સંસ્કૃત કરતાં ઈરાનીની વધારે નજીક છે.
દાર્દિકની ઉલ્લેખપાત્ર વિશેષતા એ છે કે તેમાં સંસ્કૃત સઘોષ (મહાપ્રાણ અથવા અલ્પપ્રાણ) વ્યંજનને સ્થાને અઘોષ વ્યંજન હોય છે. ઘણી જગ્યાએ દંત્ય અને મૂર્ધન્યનો ભેદ નથી. પૂર્વે આવતા સ્વર અથવા અર્ધસ્વરની પછીના વ્યંજન પર અસર પડે છે. શબ્દને અન્તે આવતા અલ્પપ્રાણ અઘોષ વ્યંજનો કાશ્મીરીમાં મહાપ્રાણ હોય છે. તેથી જ દાર્દિકમાં થતાં કેટલાંક મહત્વનાં પરિવર્તનો સંસ્કૃતમાંથી ઉદભવેલી ભાષાઓ કરતાં તદ્દન ભિન્ન પ્રકારનાં છે. સંયુક્ત વ્યંજનોના ઉત્ક્રાન્તિના નિયમો પણ ભારતીય આર્યભાષાના કરતાં ભિન્ન છે. અનેક સદીઓ સુધી કાશ્મીર સંસ્કૃત વિદ્વાનોનું એક મહત્વનું કેન્દ્ર હોવાથી એની ભાષાની ભિન્નતા જાણવામાં આવી નહોતી.
ધ્વનિવિચાર : કાશ્મીરીની ધ્વનિરચના નીચે પ્રમાણે છે :
સ્વર1 : ઈ, અિ2, ઉ, એ, અ, ઓ, આ.
વ્યંજન : સ્ફોટક : ક, ખ, ગ, ટ, ઠ, ડ, ત, થ, દ, પ, ફ, બ.
અર્ધસ્ફોટક : ચ, છ, જ, ચ3, છ3.
અનુનાસિકો : ન, મ.
ઘર્ષક : સ, ઝ4, શ, હ.
પાર્શ્વિક : લ.
કંપક : ર.
અર્ધસ્વર : ય, વ.
1. બધા સ્વરો હ્રસ્વ અથવા દીર્ઘ હોઈ શકે. અ, એ, ઓ અનુનાસિક પણ હોઈ શકે. હ્રસ્વ, દીર્ઘ કે અનુનાસિક દ્વારા અર્થનો નિર્ણય થાય છે. દીર્ઘત્વ વિસર્ગચિહ્નથી દર્શાવ્યું છે; જેમકે, બાર (બારણું) બા:ર; ગોદ (કાણું); ગો:દ (ગુચ્છ) વગેરે.
2. અિ એ ઈની પછી ઉચ્ચારાતો મધ્યસ્વર છે.
3. ચ અને છ ગુજરાતી દંત્ય વ્યંજન પ્રમાણે.
4. ઝ એ સનો ઘર્ષક છે.
લિપિ : કાશ્મીરીમાં શારદા અને અરબી એ બન્ને લિપિઓ પ્રચલિત છે. શારદા એ બ્રાહ્મીમાંથી ઉદભવેલી હોવાથી તેનો ઉપયોગ ખાસ કરીને હિન્દુઓ કરે છે. કાશ્મીરમાં બહુમતી લોકો મુસલમાન હોવાથી તેઓ અરબીનો ઉપયોગ કરે છે.
વ્યાકરણ : કાશ્મીરી વ્યાકરણની વિશેષતા નીચે પ્રમાણે છે :
રૂપવિચાર : એમાં નામ, સર્વનામ, વિશેષણ, ક્રિયાપદ તથા અવ્યયની વિચારણા થઈ છે.
નામ : નામ સ્ત્રીલિંગ કે પુલ્લિગં અથવા એકવચન કે બહુવચન હોય છે. કેટલાંક રૂપો વિભક્તિદર્શક છે, જ્યારે કેટલાંક રૂપોમાં વિભક્તિનું કામ નામને શબ્દયોગી અવ્યય લગાડીને કરવામાં આવે છે. તે જ પ્રમાણે બહુવચન માટે કેટલાંક પુલ્લિગંનાં રૂપોને સ્ત્રીલિંગ પ્રત્યય લગાડવામાં આવે છે, જેમ કે :
એકવચન | બહુવચન |
ગર (ઘડિયાળ) | ગારિ |
લર (ઘર) | લારિ |
દ:ર (દાઢી) | દા:રિ |
મ:જ (મા) | મા:જિ |
ખંડ (ટુકડો) | ખાંડિ |
પુલ્લિગં | સ્ત્રીલિંગ |
દુકા:નદા:ર | દુકા:નદા:રેન |
કા:વ (કાગડો) | કા:વિન વગેરે |
પ્રથમામાં વિભક્તિ પ્રત્યય નથી. ચોથીના સ. વ. ભૂતકાળમાં કર્તૃવાચક અન, ઇ પ્રત્યયો છે. ઉદા., ક્રિશ્ન છિ ચાવા:ન દોદ (કૃષ્ણ દૂધ પીએ છે.), મોહનસ દિ થા:લ (મોહનને થાળી આપો), રા:માન ખાવ બાત (રામે ભાત ખાધો) વગેરે.
સર્વનામ : કાશ્મીરીમાં સર્વનામના નવ પ્રકારો મળે છે : પુરુષવાચક, દર્શક, પ્રશ્નવાચક, સંબંધવાચક, સ્વામિત્વવાચક, સ્વવાચક, પરસ્પરવાચક, અનિશ્ચિત અને વ્યક્તિત્વવાચક. પુરુષવાચક સર્વનામો નીચે પ્રમાણે છે :
એકવચન | બહુવચન | |
પ્રથમ પુરુષ | બિ | અસ |
બીજો પુરુષ | ચિ | તોહ |
ત્રીજો પુરુષ | સ, હુ, તિ | હુમ, તિમ |
સ્ત્રીલિંગ | સો, હો | તિમિ |
ત્રીજા પુરુષમાં નિર્જીવ નામ દર્શાવનારું ‘તિ’ રૂપ હોવાથી એનું બહુવચન તિમ છે. ‘તિ’ એ અપરોક્ષવાચક હોવાથી પરોક્ષવાચક રૂપ ‘બિ’ છે. સર્વનામની પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી એ વિભક્તિનાં રૂપો છે.
વિશેષણ : વિશેષણના બે પ્રકાર છે : વિકારી અને અવિકારી. વિકારી વિશેષણ નામની વિભક્તિ, લિંગ અને વચન પ્રમાણે બદલાય છે. જેમકે –
અવિકારી : ચા:લા:ખ્ (હોશિયાર), જા:ન (સરસ); સોન્દાર (સુંદર) વગેરે.
ક્રિયાપદ : ક્રિયાપદનાં રૂપો પરથી કાળ, લિંગ, વચન, પુરુષ અને દરજ્જા વિશે માહિતી મળે છે. કાળ ત્રણ છે : વર્તમાન, ભૂત અને ભવિષ્ય. એના પેટા ભેદો છે. ‘છે’ અર્થવાળા ક્રિયાપદનાં રૂપો નીચે પ્રમાણે છે :
એકવચન | બહુવચન | |
પ્રથમ પુરુષ | બિ, છુસ, છાસ | અસ, છિ, છિ |
બીજો પુરુષ | ચિ, ચુખ, છાખ | તોહ, છિબિ, છાબિ |
ત્રીજો પુરુષ | સુ, છુ, સો, છિ | તિમિછિ, તિમિછા |
પહેલું રૂપ પુલ્લિગંનું છે, જ્યારે બીજું રૂપ સ્ત્રીલિંગનું. ચાલુ વર્તમાનકાળ આ રૂપોમાં ધાતુસાધિત જોડવાથી બને છે. બિ છુસ ખાબા:ન (હું ખાઉં છું) વગેરે. કેટલાક પ્રયોગો નીચે પ્રમાણે છે :
મેં ખાવ બાતિ (મેં ભાત ખાધો); મેં ખેયે: યો:વ (મેં ખાધું હતું); બિ ઓ:સુસ ખાવા:ન (હું ખાતો હતો); બિ પાકિ (હું ચાલીશ); બિ છુસ છાલા:ન (હું ધોઉં છું); વગેરે.
અવ્યય : અવ્યયો બે પ્રકારના છે – સ્વત:સિદ્ધ અને કાર્યસિદ્ધ. સ્વત:સિદ્ધ અવ્યયો બધે જ અવ્યયો તરીકે વપરાય છે, જ્યારે કાર્યસિદ્ધ અવ્યયો બીજા વર્ગના પણ હોઈ શકે. જેમકે, બેતિ (અહીં), તાતિ (ત્યાં) વગેરે. આ અવ્યયો સ્વત:સિદ્ધ છે, તો સુ છુ પાકા:ન હો:શિસા:ન (એ સંભાળીને ચાલે છે) આમાં હો:શિસા:ન (સંભાળીને) એ કાર્યસિદ્ધ અવ્યય છે. આ ઉપરાંત ગુજરાતી પ્રમાણે ઉભયાન્વયી અવ્યયો અને ઉદગારવાચક અવ્યયો પણ છે.
વાક્યવિચાર : વાક્યરચના ગુજરાતી અનુસાર જ છે. પણ ક્રિયાપદ વાક્યને અન્તે ન આવતાં કર્તા પછી આવે છે. જેમકે, રા:મિ છુ ડાક્ટાર (રામ ડૉક્ટર છે.)
શબ્દસંગ્રહ : કાશ્મીરમાં બહુમતી લોક મુસલમાન છે અને હિન્દુઓ મોટેભાગે બ્રાહ્મણ છે. ઇસ્લામના પ્રભાવને કારણે મુસલમાનોની બોલી ફારસીપ્રચુર છે, જ્યારે હિન્દુઓની બોલીમાં એવા શબ્દોનું પ્રમાણ ઘણું ઓછું છે.
સાહિત્ય : કાશ્મીરી સાહિત્યનો આદિગ્રંથ શિતિકંઠકૃત ‘મહાનયપ્રકાશ’ મનાય છે. એનો રચનાકાળ બારમી સદીનો મનાય છે. મૂળ ગ્રંથ તો સંસ્કૃતમાં છે પણ એમાં વચ્ચે ચાર ચાર ચરણની 94 કડવી આવે છે, તે લોકભાષામાં છે. ગ્રંથમાં શૈવદર્શનને સમજાવ્યું છે અને ઉષા અને અનિરુદ્ધની પ્રણયકથા છે. પૂરેપૂરો ગ્રન્થ કાશ્મીરીમાં લખાયો નથી, એથી કાશ્મીરી સાહિત્યકારો એનો ઉલ્લેખ કરે છે પણ આદિકાળનો આરંભ એનાથી થયો એમ માનતા નથી. કાશ્મીરી સાહિત્યના આદિકાળ(1300થી 1550)ની શરૂઆત લલ-દદ્ય(લલ દાદ)થી થાય છે. શૈવ અદ્વૈતદર્શન એણે એનાં પદોમાં હૃદ્ય, સરળ, માધુર્યસભર ભાષામાં લોકજીવનમાંથી ઉપમાદિ અલંકારો દ્વારા કરાવ્યું છે. પશ્ચિમ અને ઉત્તર ભારતમાં જેવું સ્થાન મીરાંનું અને દક્ષિણમાં આંડાલનું છે તેવું જ સ્થાન કાશ્મીરી સાહિત્યમાં અને લોકજીવનમાં લલ-દદ્યનું છે. નરસિંહ-મીરાંની જેમ આજે પણ એનાં પદો જાતિ કે ધર્મના ભેદભાવ વિના કાશ્મીરના ઘરઘરમાં ગવાય છે. એના જ સમકાલીન સંતકવિ શેખ નૂર-ઉદ્-દીન નૂરાણી ‘રેશી’ ધાર્મિક સંપ્રદાયના પ્રવર્તક હતા. એમનાં ઉપદેશગીતો ‘શ્રુખ’ (સંસ્કૃત શ્લોક) નામે ઓળખાય છે. તેમની રચનાઓ એટલી બિનસાંપ્રદાયિક છે કે હિન્દુઓ તેમને ‘નંદઋષિ’ નામથી ઓળખે છે. એમનાં પદોમાં ફારસી તથા અરબી શબ્દોનો પ્રચુર માત્રામાં ઉપયોગ થયો છે. તે પછીનું કેટલુંય સાહિત્ય કાળગ્રસ્ત થયું છે, જેનો માત્ર ઉલ્લેખ જ મળે છે. ભટ્ટાવતારના ‘બાણાસુરવધ’ નામના કાશ્મીરી કાવ્યની હસ્તપ્રત પુણેના ભાંડારકર સંશોધન કેન્દ્રે મેળવી છે. તેવી જ રીતે મહાભારતનું કાશ્મીરી ભાષાન્તર કાશ્મીરી સંશોધન કેન્દ્રમાં છે પણ એનું પ્રારંભિક પાનું ન હોવાથી, ભાષાંતરકાર કે રચ્યાસાલ વિશે કશી માહિતી મળતી નથી. આદિકાળની કેટલીક પ્રસિદ્ધ રચનાઓમાં ભટ્ટાવતારની રચના અને ગણકપ્રશસ્તની ‘સુખદુ:ખચરિતમ્’ (ઉપદેશાત્મક કાવ્ય) એ બન્ને કાવ્યો સુલતાન ઝઇન-ઉલ-આબાદીન બાદશાહના (1420-1470) કાળમાં રચાયેલાં છે.
આદિકાળમાં ભાષા હજી ઘડાતી હતી. ભાષાની ઉત્ક્રાન્તિમાં નવી કહેવતો, લોકોક્તિઓ વગેરેનો ધીરે ધીરે ફાળો મળતો જતો હતો.
મધ્યકાળમાં (1550થી 1800) ચક વંશના રાજ્યકાળમાં (1561-86) કાશ્મીરી સાહિત્યને રાજ્યાશ્રય મળવાથી સાહિત્યનો આશ્ચર્યકારક રીતે વિકાસ થયો. એ સમયમાં રહસ્યવાદ છોડીને કવિતાએ લૌકિક વિષયો તરફ અને તત્વજ્ઞાનમાંથી કલાત્મકતા તરફ વળાંક લીધો. કાવ્યનાં ભાવ અને નિરૂપણરીતિમાં જે પરિવર્તન આવ્યું તેનો ચરમોત્કર્ષ હબ્બા ખાતૂન(1650થી 1707)નાં ભાવાત્મક પદોમાં ર્દષ્ટિએ પડે છે. હબ્બા ખાતૂનના સમયમાં જ માલા સલમા, નિકી બટ્ટ અને ફરાસ્તા હારે પ્રણયનાં અને ભક્તિનાં માધુર્યસભર પદો આપ્યાં છે; તેનો પ્રકાર વચુન કહેવાય છે. એમાં ત્રણ ચરણ પછી ચોથું ચરણ ધ્રુવપદ હોય છે. એ પદોમાં એક જ ભાવની અભિવ્યક્તિ હોય છે. વૈષ્ણવોનાં પ્રેમભક્તિનાં પદોની જેમ એ કાવ્યોમાં પણ સ્ત્રીઓ જ પોતાની પ્રેમોર્મિ વ્યક્ત કરતી હોય છે. આ કવયિત્રીઓનાં પદોને રાજદરબારમાં પ્રતિષ્ઠા મળી. ‘વચુન’ કાવ્યપ્રકારમાં પણ સારા પ્રમાણમાં વૈવિધ્ય હોય છે; જેમ કે રોવ્હ (ઉત્સવગીતો), લીલા (ભક્તિગીતો) અને ચરિતકાવ્ય (લાંબાં કથનાત્મક કાવ્ય). મધ્યકાલીન કાશ્મીરી સાહિત્યમાં બીજાં બે જાણીતાં નામો છે હબીબ-ઉલ્લાહ-નૌશહરીલ. (અ. 1617) તથા સાહિબ કૌલે (અ. 1642). એમણે સત્તરમા શતકમાં આધ્યાત્મિક પદોથી કાશ્મીરી કવિતાસાહિત્યને સમૃદ્ધ કર્યું. મિર્ઝા અકમલ-ઉદ્-દીને ‘બહરુલ-ઇફોન’ નામનો બૃહદ્ ગ્રંથ ફારસીમાં લખ્યો છે. એ ગ્રંથમાં સૂફીવાદી દર્શનની વિસ્તારથી અને વિશદ રીતે સમજૂતી આપી છે. એમણે કાશ્મીરી ભાષામાં પણ રહસ્યવાદી પદો લખ્યાં છે. રૂપ-ભવાની (1625-1721) મધ્યકાળની અત્યંત લોકપ્રિય કવયિત્રી હતી. તેણે વોબ કાવ્યપ્રકારમાં રહસ્યવાદી કવિતા રચી છે. એની વાણી આધ્યાત્મિક અનુભવથી રસાયેલી છે. આમજનતા પર એની ઘેરી અસર થાય છે. અરણિમાલ, શાહ કલંદર અને શાહ ગફરે (ત્રણે અઢારમું શતક) કાશ્મીરની રાજકીય અંધાધૂંધી અને અશાંતિના સમયમાં પદો દ્વારા લોકોનો જીવનરસ ટકાવી રાખ્યો. એમાં અરણિમાલનાં પદો સ્ત્રીહૃદયની ભાવુકતાને કારણે વધારે ચોટદાર છે. એનાં કાવ્યો હબ્બા ખાતૂનની કવિતા જોડે સમાન સ્થાન મેળવે એટલી ગુણવત્તાવાળાં છે.
આધુનિકકાળ (1801થી 1947) : અઢારમા શતકનો ઉત્તરાર્ધ રાજકીય ર્દષ્ટિએ કાશ્મીરના ઇતિહાસમાં અંધકારયુગ તરીકે જાણીતો છે. અફઘાનો રાજકર્તા હતા. તેમણે આમપ્રજા પર જુલમની ઝડી વરસાવી હતી. તેમાં વળી પૂર, દુકાળ, મહામારી વગેરેએ પણ કાશ્મીરને ભરડો લીધેલો. એથી આ સમયગાળાના કવિઓએ લોકોની ઈશ્વરશ્રદ્ધા ટકી રહે અને પોતાની અસહાયતા પર કલ્પાંત ન કરતાં તેઓ ઊજળા ભવિષ્ય તરફ મીટ માંડે એ પ્રકારનું કાવ્યસર્જન કર્યું. ઓગણીસમા શતકના પૂર્વાર્ધમાં કાશ્મીર ગુલામીની અધમાવસ્થાએ પહોંચ્યું હતું. છતાં આ સમય દરમિયાન જ અનેક નવા સાહિત્યપ્રકારોનું ખેડાણ થયું અને વિકાસ પણ થયો. આ ગાળામાં કાસિમ ગનીએ રંગ (ચાર પંક્તિઓનું યમકયુક્ત કાવ્ય) તથા ડોલ્કિસાર(ધ્રુવપદ સહિત સાત પંક્તિઓનું કાવ્ય)ના નવા કાવ્યપ્રકારો પ્રયોજ્યા. એ ઉપરાંત મોમિન સાહેબે રહસ્યવાદી કવિતાને વધારે ચેતનવંતી બનાવી.
આ સમયાવધિમાં કાશ્મીરી ઉપર ફારસી ભાષા અને સાહિત્યનો જબરો પ્રભાવ પડ્યો. ફારસીનાં કેટલાંય કાવ્યસ્વરૂપો અને ફારસીની ઐતિહાસિક તેમજ લોકકથાઓ જેવી કે યુસુફ અને ઝુલેખા, શિરીન અને ફરહાદ; લયલા અને મજનૂ, સોરાબ અને રુસ્તમ, બધી કાશ્મીરીમાં આલેખાઈ. એ કથાઓ ફારસી છંદમાં, દ્વિપદી પ્રકારમાં લખાઈ છે. કેટલાક કવિઓએ કાશ્મીરની સ્થાનિક લોકકથાઓ જેવી કે હિમલ અને નાગરાય કે અકનંદુમ પણ નિરૂપી છે. કેટલાકે રામાયણની તથા મહાભારતમાંથી ‘સુદામાચરિત’ અને ‘નલદમયંતી’ જેવી કથા અથવા ભાગવતમાંની કૃષ્ણલીલા પણ ગાઈ છે.
ઓગણીસમી સદીના પૂર્વાર્ધના ઉલ્લેખનીય કવિઓ મહમદ ગામી (અ. 1855) અને વલીઉલ્લાહ મટ્ટુ (અ. 1858) હતા. મહમદ ગામીએ અનેક નવા કાવ્યપ્રકારો કાશ્મીરીમાં અવતાર્યા. એમાંના મુખ્ય ગઝલ અને મસનવી હતા. તેમણે કાશ્મીરી લોકગીતના ‘રોહા’ નામના પ્રકારને સાહિત્યિક પ્રતિષ્ઠા અપાવી. ‘રોહા’ એ નૃત્યગીતનો પ્રકાર છે. તેમણે ફારસીમાંથી નિઝામી, જાની અને અન્ય કેટલાક કવિઓનાં કાવ્યોના અનુવાદ પણ કર્યા છે. એ બધાં પ્રણયકાવ્યો છે. એમાં ભાવનિરૂપણ અસરકારક રીતે થયું છે. મટ્ટુએ કાશ્મીરી લોકકથા ‘હિમાલ નાગરાજ’ સરળ રીતે નિરૂપીને કાશ્મીરના લોકસાહિત્યના માધુર્ય પ્રત્યે લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધનાં પ્રસિદ્ધ નામો છે પ્રકાશરામ, મકબૂલ શાહ, લછમન રૈના, રસૂલ મીર અને શમ્સ ફકીર.
પરમાનંદે (1791-1885) પુરાણોને આધારે ત્રણ લાંબાં કથનાત્મક કાવ્યો લખ્યાં – શિવપુરાણમાંથી ‘શિવલગ્ન’, બ્રહ્મવૈવર્ત વગેરેમાંથી ‘રાધાસ્વયંવર’ અને ભાગવતમાંથી ‘સુદામાચરિત’. આ ત્રણે કાવ્યોનો મુખ્ય સૂર જીવાત્માની પરમાત્મા માટેની ખોજ અને પરમાત્માની જીવાત્માને મળવાની લગન ચિત્તાકર્ષક બાનીમાં સંભળાય છે. આ ઉપરાંત તેમણે કૃષ્ણલીલાનાં અનેક પદો રચ્યાં છે, તેમાં તેમણે રાધાભાવે કૃષ્ણને આરાધ્યા છે અને રાધા તથા કૃષ્ણના હૃદયના ભાવોને મધુર વાણીમાં નિરૂપ્યા છે. એ કાવ્યોમાં જે ઉલ્લાસ છે ને જે પ્રણયોર્મિનું આલેખન છે તેનાથી એને કાશ્મીરી સાહિત્યમાં ચિરંજીવ સ્થાન મળ્યું છે.
ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં સંતકવિ શમ્સ ફકીરે (અ. 1904) પોતાની કવિતામાં પરંપરાગત સૂફીવાદ અને શૈવદર્શનના અદ્વૈતવાદનો પ્રતીતિકર રીતે સમન્વય કર્યો છે. વહ્હાબખરે (અ. 1912) તથા અસદ પરે (અ. 1920) શમ્સ ફકીરની રહસ્યવાદી કાવ્યધારાને સમૃદ્ધ બનાવી છે. અહમદ બટવરી (અ. 1920) તથા શ્રીકૃષ્ણ રાઝદાન (અ. 1925) સૂફી કાવ્યધારાના અને રામભક્તિ-કવિતાના અંતિમ પ્રતિનિધિ હતા. સાહિબ કૌલ (અ. 1850) તથા લછમન કૌલ (અ. 1884) એ બન્નેએ કૃષ્ણભક્તિની ધારાને વેગવતી અને સમૃદ્ધ કરી. એમણે કૃષ્ણલીલાનાં તથા કૃષ્ણમહિમાનાં અનેક રસાળ પદોની રચના કરી છે.
ઓગણીસમી સદીના બીજા કવિઓમાં રામભક્ત પ્રકાશરામનાં ‘રામાવતારચરિત’ તથા ‘લવકુશચરિત’ ઉલ્લેખનીય છે. એમનાં કાવ્યોમાં કથનાત્મક તત્વ કરતાં ઊર્મિતત્વનું પ્રાબલ્ય છે. એ કાવ્ય ‘મસનવી’ પ્રકારનું છે અને એમાં યુદ્ધવર્ણન હોવાથી એને ‘રઝમિયા મસનવી’ કહેવાય છે.
મુદ્રિત સ્વરૂપે કાશ્મીરી ગદ્ય સૌપ્રથમ સેરામપુરના ખ્રિસ્તી મિશન તરફથી 1822માં પ્રગટ થયેલા ‘નવા કરાર’ના ભાષાંતરમાં મળે છે. એ શારદા લિપિમાં છપાયેલું છે. પછી 1884માં નવા તથા જૂના કરાર બન્નેનું સંકલન ઉર્દૂ લિપિમાં પ્રસિદ્ધ થાય છે. 1881માં એ. સ્ટાઇને હાતિમની કથાઓનું સંકલન કર્યું તથા 1886માં જે. એચ. નૉલ્ઝે કાશ્મીરી કહેવતો તથા લોકોક્તિઓનો સંગ્રહ પ્રસિદ્ધ કર્યો. ખ્રિસ્તી ધર્મપ્રચારકોની આ પ્રવૃત્તિ કાશ્મીરી લેખકોએ પણ અપનાવી. એમાં મીર વૈઝે કુરાનના ત્રીજા ભાગ પર ભાષ્ય લખીને છપાવ્યું, તો નૂર-ઉદ્-દીને ‘મસાઈલ’ (ઇસ્લામી ધર્મશાસ્ત્ર પરનો ગ્રંથ) લખ્યો. એ પુસ્તકથી કાશ્મીરીમાં ચિંતનાત્મક સાહિત્યનો આવિર્ભાવ થયો.
આ પછી કાશ્મીરી સાહિત્યમાં ભાષાંતરયુગ બેઠો એમ કહીએ તો ચાલે, કારણ કે ત્રીસ વર્ષોમાં લગભગ 150 ગ્રંથોનું ભાષાંતર થયું. એમાં ફારસીની પ્રેમકથાઓ, શ્રીમદ્ ભાગવત, રામાયણ, અરેબિયન નાઇટ્સ, ભગવદ્ગીતા, ટાગોરની નવલકથા ‘ચોખેર બાલિ’ તથા ઍરિસ્ટોટલના ‘પોએટિક્સ’નાં ભાષાંતરો ઉલ્લેખનીય છે. આ ઉપરાંત બીજા અનુવાદિત ગ્રંથોમાં દીનાનાથ આદિમે કરેલું ટાગોરની ‘ગીતાંજલિ’નું, સોમનાથ સાધુએ કરેલું સર્વેન્ટીસના ‘ડૉન કિહોટે’નું તથા મોહન નિરાશે કરેલું ગાંધીજીના ‘સત્યના પ્રયોગો’નું ભાષાંતર મુખ્ય છે. તે ઉપરાંત દિલ્હીની સાહિત્ય અકાદમી તથા કાશ્મીર રાજ્યની કલ્ચરલ એકૅડેમી ઑવ્ જમ્મુ ઍન્ડ કાશ્મીર તરફથી ભારતના તેમજ વિશ્ર્વના ઉત્તમ ગ્રંથોનાં કાશ્મીરીમાં ભાષાંતર કરાવવાનું કામ જોરશોરથી ઉપાડાયું છે અને એ રીતે કાશ્મીરી સાહિત્ય માત્ર ભાષાંતરોની જ ર્દષ્ટિએ નહિ, પણ લેખકો ને વિષય અને શૈલી બાબતમાં પણ માર્ગદર્શક નીવડ્યું છે. ભારતમાં જ્યારે સ્વતંત્રતાસંગ્રામો ચાલતા હતા ત્યારે એનાથી પ્રેરાઈ અબ્દુલ અહદ્ આઝાદે દેશભક્તિનાં અનેક ગીતો લખી કાશ્મીરી લોકોમાં રાષ્ટ્રીય ચેતના જગાડી અને સાથે સામાજિક સુધારણાની પણ પ્રેરણા આપી.
સ્વાતંત્ર્યોત્તર કાળમાં, કાશ્મીરમાં આકાશવાણી કેન્દ્ર સ્થપાતાં વાર્તા, કવિતા, ચિંતનાત્મક સાહિત્ય, રેડિયોનાટક ઇત્યાદિ અનેક સાહિત્યપ્રકારોને સરકારી પ્રોત્સાહન મળ્યું. આ ઉપરાંત સાહિત્યિક સંસ્થાઓ દ્વારા સાહિત્યની વિકાસકૂચ આરંભાઈ. આમાંની એક મહત્વની સંસ્થા ‘કલ્ચરલ કૉંગ્રેસ’ હતી, જોકે આ સંસ્થામાં પ્રગતિવાદી વિચારધારાનું વર્ચસ્ હતું. એવી જ બીજી સંસ્થા ‘બઝમે અદબ’ પરંપરાવાદીઓના વર્ચસ્ હેઠળ હતી. આ સંસ્થાઓએ પોતપોતાનાં મુખપત્રો શરૂ કર્યાં : ‘ક્વાંગપોશ’ (1949-63), ‘ગુલરેઝ’ (1950-54) અને ‘પોમ્પોસ’ (1963). આ સામયિકોએ નવા લેખકોને પ્રોત્સાહન આપ્યું. તે પછી ‘કલ્ચરલ એકૅડેમી’એ ‘સીરાઝા’ અને ‘સૌન અદબ’ એ બે મુખપત્રો શરૂ કર્યાં. ‘પ્રતાપ’ કાશ્મીરી સાહિત્યને વેગવંતુ બનાવનારું સૌથી જૂનું સામયિક છે. એ 1936થી સતત નવોદિત સાહિત્યકારોને એમાંના લેખો દ્વારા માર્ગદર્શન તથા તેમની રચનાઓ પ્રસિદ્ધ કરીને તેમને પ્રોત્સાહન આપતું રહ્યું છે. 1947 પછી કાશ્મીરી સાહિત્યમાં અનેક નવા પ્રયોગો થતા રહ્યા છે. હાજિનીના ‘ગ્રીસ-સુંદ-ગરહ’ નાટકથી પ્રયોગશીલતામાં શ્રીગણેશ મંડાયા એમ કહી શકાય. પછી અખ્તર તથા કામિલની વાર્તાઓ તથા નવલકથાઓ દ્વારા એ પ્રયોગોનો વિસ્તાર થતો ગયો. કાશ્મીરી સાહિત્ય અનેક ક્ષેત્રોમાં વિકસતું ગયું. સ્વાતંત્ર્યોત્તર કાળની કાશ્મીરી કવિતાના મુખ્ય પ્રવાહોમાં યમકનો ત્યાગ, મુક્ત છંદના કે અછાંદસ પ્રયોગો તથા અતિવાસ્તવવાદની દિશામાં ગતિ થતી રહી છે. તેમ છતાં પ્રયોગશીલતાનો મોહ પરંપરાને અટકાવી શક્યો નથી. એક રીતે કહીએ તો પરંપરાવાદી તથા આધુનિકતાવાદી એમ બન્ને ધારાઓનું સહઅસ્તિત્વ ર્દષ્ટિએ પડે છે. નાદિમ, રાહી, રોશન, ફિરાક એ આધુનિકતાવાદી કવિઓ છે, તો ઝિંદા કૌલ, નવાઝ, ફાની ઇત્યાદિ પરંપરાવાદી કવિઓ છે. 1963માં બન્ને ધારાના કવિઓએ એકબીજાના ર્દષ્ટિકોણનો સ્વીકાર કર્યો. પરિણામે આધુનિકતા અને પરંપરા બન્નેનો સમન્વય સધાયો. સાહિત્યનાં ગદ્ય અને પદ્ય બન્ને સ્વરૂપોની વિકાસગતિ ઝડપી બની અને એ સમૃદ્ધ થતું ગયું. 1956થી સાહિત્ય અકાદમીએ પુરસ્કાર આપીને સાહિત્યકારોને પ્રોત્સાહન આપ્યું છે. સ્વાતંત્ર્યોત્તર યુગમાં કાવ્યક્ષેત્રે અનેક નવા પ્રકારોનો આવિર્ભાવ થયો, જેમાં નાઝકી(1909)નો ‘કિત્તા’ (ચાર પંક્તિનું પદ), મિર્ઝા આરિફ (1910), એમ. ડી. નવાઝ (1926) તથા વી. આર. આઝાદ(1915)ના રુબાઈ અને દુબેતી (બે પંક્તિનો દુહા જેવો કાવ્યપ્રકાર), સંતોષનો ખોલખત (હાસ્યકવિતા), રોશન(1919)નો લડીશાહ (વ્યંગાત્મક કાવ્ય) વગેરે અત્યંત લોકપ્રિય થયેલા પ્રકારો છે. સ્વાતંત્ર્યોત્તર કાળમાં આધુનિકતાનો એટલો બધો પ્રભાવ પડ્યો કે આરિઝ, તનહા, વલી (1914), ફાઝિલ (1914), સાઈર (1915), નાઝ (1926), અલમસ્ત (1914) વગેરે કવિઓ પરંપરાવાદી હોવા છતાં એમણે આધુનિકતાવાદી રચનાઓ દ્વારા યશ પ્રાપ્ત કર્યો છે. ફિરાક, ટાક, મુશ્તાક, ચમન, મજબૂર, પ્રેમી, દિલશાદ વગેરેએ પરંપરાવાદી રચનાઓ દ્વારા દેશપ્રેમ, આધ્યાત્મિકતા તથા માનવની વિષમતા તથા માનવતાને વાચા આપી. એ કવિઓને પણ લોકોએ એટલી જ ઉષ્માથી વધાવ્યા. રાહી, નાદિમ, સંતોષ, હામિદી અને કામિલ વગેરે કવિઓ એમની ચારે બાજુ માનવતાનો હ્રાસ અને નૃશંસતા જોઈને અંતર્મુખ બન્યા અને આધ્યાત્મિકતા તરફ વળ્યા. તેમણે પ્રકૃતિમહિમા ગાયો.
મહત્વના સાહિત્યપ્રકારો : કાવ્ય : કુરીગામના પ્રકાશ કૌલે 1754માં તથા નીલકંઠ શર્માએ 1930થી 1940 દરમિયાન કાશ્મીરી ભાષામાં રામાયણ રચ્યું. અમીર શાહ ક્રેરીએ હજરત અલીની શૌર્યગાથાનું પ્રબંધપ્રકારનું કાવ્ય ‘ખાબરનામા’ રચ્યું. કાશ્મીરીમાં વિવિધ પ્રકારનાં રઝમિયા કાવ્યો (યુદ્ધકાવ્યો) રચાયાં છે. જેમાં ઇસ્લામી શાસનના પ્રારંભિક ઇતિહાસનું નિરૂપણ થયું છે. કાશ્મીરમાં ઉચ્ચ કાવ્યતત્ત્વવાળાં ઊર્મિગીતો પ્રચુર પ્રમાણમાં રચાયાં છે. એ કાવ્યોમાં ફારસી કાવ્યસાહિત્યનો અઢળક પ્રભાવ છે અને તેથી એમાં ભાવનિરૂપણ, કલ્પનાસૌંદર્ય, કલ્પનો વગેરેને કારણે એ ઊર્મિકાવ્યો સવિશેષ આહલાદકારી બન્યાં છે. ઊર્મિગીતોનો એક બહુ જ લોકપ્રિય પ્રકાર ‘લોલગીતો’નો છે. લોલગીતો આઠદશ પંક્તિથી વધારે લાંબાં નથી હોતાં. હબ્બા ખાતૂને ‘વચુન’નો એક નવો કાવ્યપ્રકાર રચ્યો. એમાં પ્રત્યેક પંક્તિ પછી ધ્રુવપદ આવતું હોય છે. એમનો એ કાવ્યપ્રકાર અત્યંત લોકપ્રિય થયો અને એમના અનુગામીઓએ એ અપનાવ્યો. એ ઊર્મિગીતોમાં ‘સુફિયાના કલામ’ રહસ્યવાદી કાવ્યો જળવાઈ રહ્યાં. કાશ્મીરમાં ઊર્મિગીત એ સંગીતનું જ એક અંગ મનાતું હોવાથી તેમાં વિશિષ્ટ અંતરા પછી યમકની યોજના હોય છે. દરેક ચાર પંક્તિ પછી ધ્રુવપદ આવતું હોય છે. એમાં અનુપ્રાસ અને નાદલય સ્વાભાવિક હોય છે. અરણિમાલ અને હબ્બા ખાતૂનનાં ઊર્મિગીતોમાં ભાવની ઋજુતા અને સરળતા છે. પછીનાં ઊર્મિગીતો માત્ર અનુકરણ હોવાથી એમાં ભાવનું આલેખન હૃદયસ્પર્શી બનતું નથી. મહમદ ગામી પછીનાં બધાં ઊર્મિગીતોમાં સ્પષ્ટપણે બે ધારાઓ ર્દષ્ટિએ પડે છે; એક રસૂલ મીર, મકબૂલ શાહ ઇત્યાદિનાં શુદ્ધ પ્રણયગીતોની ધારા અને બીજી નેમા સાહિબ, સ્વછક્રાલ (અ. 1861) વગેરેની આત્માની પરમાત્મમિલન માટેની આરજૂ વ્યક્ત કરતાં ઊર્મિગીતોની ધારા.
પ્રાચીન ઊર્મિગીતોની પરંપરાને હક્ક, હાજી મિસ્કીન અને લસખાને સમૃદ્ધ કરી. 1947 પછી રાહી, કામિલ, નવાઝ, જાબિદાની, આઝિમ વગેરે અનેક તરુણ કવિઓએ પ્રેમગીતની પરંપરાને નવતર રૂપ આપીને ચલાવી.
નાટક : કાશ્મીરમાં નાટકને રાજ્યાશ્રય મળ્યો હોવાથી રાજમહેલમાં નાટકો ભજવાતાં. સોળમી સદીમાં નટોએ ખુલ્લામાં નાટ્યમંડપ બાંધીને લોકનાટ્યો ભજવવા માંડ્યાં. એનું સ્વરૂપ ભવાઈના પ્રકારનું હતું. એનાં ર્દશ્યોમાં સમાજના કુરિવાજો, સરકારી અમલદારોનો ત્રાસ તથા કેટલીક ઐતિહાસિક ઘટનાઓની ભજવણી થતી. વીસમી સદીમાં નંદલાલ કૌલે ‘સતુચ કહવટ’ (સત્ય હરિશ્ચન્દ્ર), ‘રામુન રાજ’ (રામરાજ્ય), ‘પઝપતિવ્રધ’ (સતી સાવિત્રી) વગેરે નાટકો લખીને લિખિત નાટકની પરંપરા શરૂ કરી. 1939માં હાજિનીએ ‘ગ્રીસ-સુંદ-ગરહ’ (ખેડૂતનું ઘર) એ સમકાલીન કાશ્મીરની સામાજિક સ્થિતિને તાર્દશ કરતું ત્રિઅંકી નાટક લખ્યું, જે અત્યંત લોકપ્રિય થયું. 1947માં કાશ્મીરયુદ્ધ થયું અને તેમાં કાશ્મીરના ભાગલા પડ્યા. પરિણામે કાશ્મીરી લેખક પણ બે વિભાગમાં વહેંચાઈ ગયા. પછી બન્ને કાશ્મીરમાં આકાશવાણી કેન્દ્રો શરૂ થયાં તેમાં બન્ને દેશોનાં ‘આકાશવાણી’ કેન્દ્રો પરથી નાટ્યો પ્રસારિત થવા લાગ્યાં. પ્રારંભિક કાળનાં નાટકોમાં કલાત્મકતા કરતાં પ્રચારાત્મકતા વિશેષ હતી પણ પછી ધીરે ધીરે કલાત્મક નાટકો પ્રસારિત થવા લાગ્યાં. એમાં દીનાનાથ નાદિમનું ‘નેકી ત બદી’, કામિલનું ‘હબ્બા ખાતૂન’, અખ્તરનું ‘નસ્તિ હુંદ સવાલ’ (1959) ગણાવી શકાય. નાદિમની ‘બોંબુર ત યંબરઝલ’ (1953) અને કામિલની ‘બોંબુર ત લોલર’ (1960) એ સંગીતનાટિકાઓ ઘણી લોકપ્રિય થઈ. ‘હિમાલ નાગરાય’ જેવી કાશ્મીરી લોકકથા રોશન તથા નાદિમની સંગીતનાટિકાઓમાં કલાત્મક રીતે રૂપાંતરિત થઈ અને જલાલીએ એ કથાને આધારે પંચાંકી નાટ્ય રચ્યું. 1968થી કાશ્મીરની ‘કલા, સંસ્કૃતિ અને ભાષા અકાદમી’ વાર્ષિક નાટ્યહરીફાઈ યોજે છે. એમાંથી અલી મહમદ લોન, સોમનાથ સાધુ, પુષ્કર ભાન, એમ. એ. બટ ઇત્યાદિ નાટકકારોનો આવિર્ભાવ થયો. અલી મહમદ લોનના ‘સૂયા’ નાટકને 1972નું અને મોતીલાલ કેમુના નાટક ‘નાટક ગૂચે’ને 1982નું કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું હતું.
નવલકથા : કાશ્મીરીમાં નવલકથાનો પ્રકાર ઝાઝો ખેડાયો નથી. અખ્તરની ‘દોદ દગ’ (1963) કથાશિલ્પની ર્દષ્ટિએ ઉત્તમ લેખાઈ છે.
ટૂંકી વાર્તા અને લઘુનવલ : કાશ્મીરમાં આધુનિક ગદ્યલેખકોમાંથી લગભગ અર્ધા ભાગના લેખકો ટૂંકી વાર્તા તથા લઘુનવલના સર્જક છે. કથાનક અને પાત્રનિરૂપણમાં કેટલાક લેખકોએ પ્રથમ પ્રયત્ને જ યશ મેળવ્યો છે. લેખકોને પ્રોત્સાહન આપવામાં કાશ્મીરની કલ્ચરલ કૉંગ્રેસ અને બઝમ-એ-અદબનો ફાળો નોંધપાત્ર છે. અખ્તર મોહિ-ઉદ્દીનને 1955માં ‘સંતસગર’ વાર્તાસંગ્રહ માટે સાહિત્ય અકાદમીનું પારિતોષિક એનાયત થયું હતું. મહત્વના નવલિકા-સંગ્રહોમાં બંસી નિર્દોષના ‘બાલમરાયી’ અને ‘આદમ છુ યિથય બદનામ’, કામિલનું ‘કથે મંજ કથ’, સૂફી ગુલામ મહમદનું ‘લુસિમત્ય તારખ’ અને ડૉ. શંકર રૈનાનું ‘ઝિત્ની ઝૂલ’ વિશેષ ઉલ્લેખનીય છે. કાશ્મીરી વાર્તાઓનું સંકલન ભારત સરકારે પ્રસિદ્ધ કર્યું છે.
આધુનિક કાશ્મીરી લેખક લઘુનવલ તરફ પણ આકર્ષાયો છે અને એમાં પ્રો. સિંધુની લઘુનવલ ‘બેધિ હું દિ મલર’ (રાજતરંગિણીમાંનું કથાનક) ખૂબ જ લોકપ્રિય થઈ છે.
વિવેચન : કાશ્મીરીમાં સાહિત્યવિવેચનનો ઉદભવ અને વિકાસ સ્વાતંત્ર્યોત્તર કાળમાં થયો છે. ‘ગુલરેઝ’ તથા ‘ક્વાંગપોશ’ બે સામયિકોએ ગ્રંથસમીક્ષા અને સૈદ્ધાંતિક વિવેચન બન્ને દિશાઓમાં વિવેચનના વિકાસનો માર્ગ મોકળો કરી આપ્યો. આ ઉપરાંત આકાશવાણીમાં ગ્રંથસમીક્ષાનો નિયમિત કાર્યક્રમ રહેતો હોવાથી વિવેચકોને પ્રોત્સાહન મળતું રહ્યું. જે. એસ. કૌલ, હાજિની, પુષ્પ, રાહી અને ફિરાકનો સમીક્ષાક્ષેત્રમાં ઉલ્લેખનીય ફાળો છે. આ ઉપરાંત કાશ્મીરમાં વિશ્વવિદ્યાલયની સ્થાપના અને ઉચ્ચસ્તરે સાહિત્યનું અધ્યયન પણ વિવેચનસાહિત્યના વિકાસમાં સહાયભૂત બન્યું.
હાસ્યવ્યંગ : કવિતામાં હાસ્ય અને વ્યંગનું નિરૂપણ તો મધ્યયુગમાં પણ થતું. એમાં ક્યારેક હાસ્યજનક પરિસ્થિતિ, ક્યારેક કોઈ વ્યક્તિનું હાસ્યજનક વર્તન, ક્યારેક દ્વિઅર્થી શબ્દોનો પ્રયોગ એમ હાસ્યના વિવિધ પ્રકારો ર્દષ્ટિએ પડે છે.
ગદ્યમાં હાસ્યસાહિત્યના પ્રથમ લેખક જી. આર. સંતોષ છે. 1964માં શરૂ થયેલા કાશ્મીરના અત્યંત પ્રચલિત સાપ્તાહિક ‘વતન’માં બે પાનાં હાસ્ય અને વ્યંગ માટે અનામત રાખેલાં હોય છે. ‘અસન ત્રાપ’ એ કાશ્મીરના વિનોદપ્રધાન લેખોનો સંગ્રહ છે. એમાં હાસ્યના વિવિધ પ્રકારોનો સમાવેશ થયો છે.
ચન્દ્રકાન્ત મહેતા