કાશ્મીરી શાલ

January, 2006

કાશ્મીરી શાલ : વિશ્વભરમાં નામના હાંસલ કરી ચૂકેલી કાશ્મીરની વણાટ-કલાના વિશિષ્ટ નમૂનારૂપ ચીજ. ઘણી સદીઓથી કાશ્મીરી શાલ કાશ્મીરનું નામ જગતભરમાં રોશન કરતી આવી છે. એના પોતની કમનીય મુલાયમતા અને ઉત્કૃષ્ટ પ્રકારના રંગીન ઊનના વણાટ વડે સર્જાતી નયનરમ્ય ડિઝાઇન-ભાતને કારણે તેનો જોટો દુનિયાભરમાં જડે તેમ નથી. કાશ્મીરની વધુ ઊંચાણવાળી જગાઓ પર ચરતી તિબેટી બકરીઓ તથા મહેનતુ કાશ્મીરી પ્રજાની સૌંદર્યર્દષ્ટિ અને સહજ કલાસૂઝ અને તેની સદીઓની સાધનાનું સુફળ એ આ શાલ-પરંપરા છે.

લંબગોળ આકારની શાલ જામાવાર કહેવાય છે. હાથસાળ પર જ પૂરી વણેલી શાલ કાની કહેવાય છે. જે વણેલી શાલ ઉપર ભરતકામ કર્યું હોય તે આમ્લી કહેવાય છે. માત્ર વણીને પૂરી કરવામાં આવતી શાલ આજે દુર્લભ બનતી જાય છે. એને માટે વણકરમાં અનંત ધીરજની જરૂર હોય છે. થોડા વૃદ્ધ વણકરો હજી જીવે છે જે માત્ર વણાટકામ વડે જ પૂરી શાલ સર્જે છે. આ રીતે સુંદર શાલ સર્જવા માટે સેંકડો બોબીનો અને સેંકડો રંગોના દોરા જોઈએ. એંસી વરસ વટાવી ચૂકેલા વૃદ્ધ વણકરો છથી આઠ મહિના સુધી સવારથી સાંજ સુધી ધીરજપૂર્વક વણાટકામ કરી એક નાનકડી શાલને જન્મ આપે છે.

સત્તરમી સદીમાં ઇતિહાસમાં પહેલી જ વાર કાશ્મીરી શાલ અંગેનો લેખિત દસ્તાવેજ મળે છે. બાદશાહ ઔરંગઝેબ સાથે 1665માં ફ્રેંચ પ્રવાસી બર્નીયે કાશ્મીર ગયેલો. બર્નીયેએ લખ્યું : ‘‘કાશ્મીરની જ ખાસિયત ગણાય એવી આ શાલ આ પ્રદેશની સંપત્તિના સર્જન માટે કારણભૂત છે. એના વણાટમાં બાળકો પણ ભાગ ભજવે છે.’’ શાલ-ઉદ્યોગનો વ્યાપક ફેલાવો કરનાર પ્રથમ ઉત્સાહી સાહસિક હતો પંદરમી સદીનો કાશ્મીર-નિવાસી ઝૈન-ઉલ-આબિદિન (1422-1474). મુઘલ બાદશાહોએ પહેલેથી જ શાલ-ઉદ્યોગને પ્રોત્સાહન આપેલું. મુઘલ-કાળમાં શાલની કલાત્મકતા અને કમનીય નજાકતમાં ઑર વધારો થયો. શાલનું પોત એટલું બારીક બનતું થયું કે આંગળીની વીંટીમાંથી આખી શાલ પસાર કરી શકાતી. બાબરના જમાનાથી જ કાશ્મીરી શાલની ભારત બહાર મોટા પાયે નિકાસ થવી શરૂ થયેલી. આવી એક શાલ ઇજિપ્તમાંથી ખરીદીને ફ્રેંચ સમ્રાટ નેપોલિયન બૉનાપાર્તેએ તેની પત્ની જૉસેફાઇનને ભેટ આપેલી. ઈરાનના શ્રીમંતોમાં લગ્નપ્રસંગે કાશ્મીરી શાલ ભેટ આપવાનો ચીલો શરૂ થયેલો. ઈરાની મહિલાઓ એની પાછળ પાગલ બનેલી. ફ્રાંસમાં કાશ્મીરી શાલની મોટા પાયે નિકાસ શરૂ કરનાર હતો મહારાજા રણજિતસિંહનો જનરલ વેન્ચુરા. આ નિકાસને પહોંચી વળવા એક જ વરસમાં કાશ્મીરમાં હાથસાળની સંખ્યા પાંચ હજારથી વધારીને અગિયાર હજાર કરવી પડી ! આ અગિયાર હજાર હાથસાળ ઉપર સત્તાવીસ હજાર કાશ્મીરી વણકરોને રોજી મળતી હતી. ફ્રાંસમાં નિકાસ શરૂ થયા પછી બ્રિટન, ઇટાલી, જર્મની, બેલ્જિયમ અને નેધર્લૅન્ડ્ઝમાં પણ લોકોને આ શાલ પ્રત્યે આકર્ષણ જાગ્યું.

મહારાજા રણબીરસિંહના રાજ્યકાળમાં 1865થી 1872 સુધીનાં સાત વરસ એ કાશ્મીરી શાલના સુવર્ણયુગનો ચરમસીમાનો તબક્કો હતો. એ પછી તેની પડતીનાં વરસો શરૂ થયાં. જર્મની અને ફ્રાંસ વચ્ચેના યુદ્ધમાં ફ્રાંસ હાર્યું અને નેપોલિયન ત્રીજાનાં વળતાં પાણી શરૂ થયાં. વિધિની વક્રતાને પરિણામે કાશ્મીરી શાલ-ઉદ્યોગનાં પણ વળતાં પાણી થયાં. લોકશાહીની સ્થાપના માટે મથી રહેલો તત્કાલીન ફ્રેંચ સમાજ ક્ષુબ્ધ હતો. કાશ્મીરી શાલમાંથી અચાનક જ તેનો રસ ઓસરી ગયો ! શાલની માંગ બંધ પડી. કાશ્મીરમાં વણકર કુટુંબોને મોટો ફટકો પડ્યો, તેમની હાલત કફોડી થઈ !

કાશ્મીર, લડાખ અને તિબેટની ઊંચી પર્વતમાળાઓ પર રહેતી ‘કાપ્રા હિર્ફુસ’ નામની જાતિની બકરીઓનાં શરીર પર ઊગતું ઊન જ આ શાલના વણાટમાં ઉપયોગમાં લેવાતું. કપરા શિયાળામાં ઊનની લાંબી રુવાંટી નીચે આ બકરીને ઊગતી નાની, ટૂંકી, ખૂબ સુંવાળી અને પાતળા તાંતણાવાળી ઘટ્ટ રુવાંટીનો જ ઉપયોગ આ શાલ વણવામાં થતો. રેશમ કરતાં પણ વધુ ચમકદાર અને સુંવાળી આ રુવાંટી ‘અસ્લી તુસ’ નામે કાશ્મીરી ભાષામાં ઓળખાય છે. પ્રાકૃતિક પરિવેશમાં શિયાળો ઊતરતાં ગરમી શરૂ થતાં બકરીઓ ઝાંખરાં અને ખડકોને જિસ્મ ઘસીને આ ગરમ રુવાંટી ખંખેરી નાંખે છે; પણ કાશ્મીરી ભરવાડોએ કાશ્ગર અને યાર્કન્દના ભરવાડોની માફક આ બકરીઓના ઉછેરનો ધંધો શરૂ કર્યો. ઊતરેલી ગરમ રુવાંટીને ચોખાના લોટમાં પાણી ભેળવીને બનતી લૂગદીથી ધોવામાં આવતી. ત્યાર બાદ રુવાંટીને વહેતા ઝરણાના પાણીમાં ધોવામાં આવતી. તેના સુકાયા બાદ ચરખા ઉપર તેમાંથી ઊની તાર કાંતવામાં આવતા. પછી એ તારોને અલગ અલગ ખનિજ રંગો વડે રંગવામાં આવતા. તેમાંથી શાલ વણવી શરૂ કરવામાં આવતી. એક-દોઢ વર્ષે શાલનું વણાવું પૂરું થયા બાદ તેને ઝરણાના પાણીમાં ધોઈ ઉપર કાંજી ચઢાવવામાં આવતી. આ રીતે વણાતી શાલ કોઈ એક જ વ્યક્તિનું સર્જન ન રહેતાં સામૂહિક પ્રયત્નોનું પરિણામ હતી. વણાટ શરૂ થતાં પહેલાં જ શાલનું ધારેલી ભાત-ડિઝાઇન અનુસાર આયોજન કરવામાં ડિઝાઇનર પસંદગીના રંગોના તાર શાલ ઉપર ગોઠવતો અને ભાત-ડિઝાઇનની કાગળ પર કરેલી યોજના વણકરને આપીને સમજાવતો. એકથી વધુ વણકર ઘણી વાર એક જ શાલ વણતા, એક થાકે ત્યારે બીજો કામ લઈ લે અથવા તો પાળી મુજબ. કાશ્મીરી શાલના વણકર હંમેશાં પુરુષ રહેતા. પ્રણાલી અનુસાર સ્ત્રીઓ આ કલા-વ્યવસાયથી દૂર રહી છે, પણ નાનકડા છોકરડાઓ બાળપણથી તેને અપનાવતા. ઓગણીસમી સદીમાં એકરંગી શાલ વણીને ઉપર ભરતકામ કરવાની પ્રથા અસ્તિત્વમાં આવી. આને કારણે ભાત મુજબ વણવાની સમય ખાઈ જતી ટેકનિક ટાળીને સમય બચાવી શકાતો.

ભારતીય કેરીબુટ્ટા અને ફૂલપાંદડી ઉપરાંત કાશ્મીરી ચિનાર વૃક્ષના પંજા જેવા આકારના બુટ્ટા કાશ્મીરી શાલની આગવી ખાસિયત બન્યા. રંગોની પસંદગી મુખ્યત્વે અત્યંત ઋજુ અને મૃદુ રહેતી. આ બાબતમાં કાશ્મીરી શાલ અન્ય ભારતીય ભભકદાર રંગાયોજન ધરાવતાં વસ્ત્રોથી અલગ તરી આવતી. સત્તરમી, અઢારમી અને ઓગણીસમી સદીની શ્રેષ્ઠ કાશ્મીરી શાલના કેટલાક નમૂના આજે વિશ્વભરનાં મ્યુઝિયમો તથા અંગત સંગ્રહોમાં સલામત છે.

અમિતાભ મડિયા