કાવ્યપ્રયોજન : કાવ્ય દ્વારા સર્જક ભાવકને થતી ફલપ્રાપ્તિ. નાટ્યશાસ્ત્રના આદિ સર્જક ભરતમુનિએ કહ્યું છે કે વાચક-પ્રેક્ષકનો મનોવિનોદ એટલે કે આનંદ એ જ કાવ્યસર્જનનું પ્રયોજન છે. નાટ્યશાસ્ત્રના વિખ્યાત વિવેચક અભિનવગુપ્તે પ્રીતિ એ જ રસ છે અને તે જ કાવ્યનો આત્મા છે એમ કહીને પ્રીતિ, રસ તથા આનંદને સમાનાર્થી બનાવી દીધાં છે. કાવ્યશાસ્ત્રી મમ્મટ રસાસ્વાદથી સર્વ સંસારને ભુલાવી દઈને આનંદ જાગ્રત કરવો તેને જ કાવ્યનું પ્રયોજન ગણે છે. છતાં મમ્મટે કાવ્યનાં છ પ્રયોજનો દર્શાવ્યાં છે. જેમાંનાં કેટલાંક માત્ર કવિને જ અનુલક્ષીને તો કેટલાંક માત્ર સહૃદય ભાવકને જ અનુલક્ષીને છે. દા.ત., (1) યશ અને (2) અર્થ કવિને લાભકારી છે, (3) લોકવ્યવહારનું જ્ઞાન તથા (4) પ્રિયતમાની જેમ મધુરપથી બોધ આપવાનું પ્રયોજન માત્ર ભાવકને જ અનુલક્ષીને છે, તો (5) અમંગલનું નિવારણ કવિનું પ્રયોજન છે. (6) અન્તતોગત્વા આનંદ આપવાનું પ્રયોજન ભાવકનું છે.
ર. ચિ. ત્રિપાઠી