કાવેરી નદી (ગુજરાત) : ગુજરાતમાં ભરૂચ અને વલસાડ જિલ્લામાં આવેલી બે નદીઓ. ભરૂચ જિલ્લામાં ઝઘડિયા તાલુકાના ધોલી ગામ પાસેથી નીકળી ઉછેટિયા પાસે નર્મદાને કાવેરી મળે છે. તે પશ્ચિમવાહિની છે અને તેના ઉપર ઉચેડિયા, નાના ઓજા, ગુમાનદેવ, કવલસાડી, ફૂલવાડી, મોતીપુરા, નિકોલી, રાજપોર, વાસણા, ભોજપોર, બોરીપીડા, કોટિયામલ, ઝરિયા, બાલેશ્વર અને મોટા અણધારા ગામો આવેલાં છે. નદીનું કાંપવાળું ભાઠું ફળદ્રૂપ છે. અણધારા અને બલેશ્વર નજીક બંધ બાંધીને સિંચાઈ માટે સગવડ ઊભી કરાઈ છે. આ બે બંધનો સ્રાવવિસ્તાર અનુક્રમે 25.60 અને 10.20 ચોકિમી. છે.
બીજી કાવેરી વલસાડ જિલ્લાના વાંસદા તાલુકામાંથી નીકળી ચીખલી તાલુકામાં વહે છે. તે અંબિકાને 30 કિમી. પશ્ચિમે વાઘરેચ પાસે મળે છે. પૌરાણિક કથા મુજબ નહપાનના જમાઈ ઉષવદાતના નાશિકના ઈસવી સનની પહેલી સદીના પૂર્વાર્ધવાળા લેખમાં કાવેરીનું પ્રાચીન નામ કરબેણા આપ્યું છે. કાવેરીમાં આવજા માટે નાની હોડીઓ વપરાય છે.
શિવપ્રસાદ રાજગોર