કાવેરી : દક્ષિણ ભારતની નદી. તે દક્ષિણની ગંગા તરીકે ઓળખાય છે. દક્ષિણ ભારતની મોટી નદીઓમાં ગોદાવરી અને કૃષ્ણા પછી તેનો ક્રમ આવે છે. તેની લંબાઈ 764 કિમી. તથા તેનું જલસ્રાવ ક્ષેત્ર 72,500 ચોકિમી. છે. કર્ણાટક રાજ્યના કૂર્ગ જિલ્લાના બ્રહ્મગિરિ ડુંગરની 1,425 મી. ઊંચાઈ પર તેનું ઉદગમસ્થાન છે, જે અરબી સમુદ્રથી 48 કિમી.ને અંતરે આવેલું છે. આ નદીનો પ્રવાહ સ્થળભેદે જુદી જુદી દિશા તરફ વળાંક લે છે. તે બંગાળના ઉપસાગરમાં વિલીન થાય છે. તેનો બીજો ફાંટો તાંજાવુર પરથી નાગપટ્ટનમ્ની નજીક દરિયાને મળે છે. તેના પ્રવાહના આ બીજા માર્ગમાં તે ફળદ્રૂપ અને સમૃદ્ધ પ્રદેશની નહેરોને પાણી પૂરું પાડે છે. શરૂઆતના બ્રહ્મગિરિથી કુશલનગરના વિસ્તારમાં મોટા મોટા ડુંગરો તથા ખીણોમાંથી પસાર થયા પછી તે કર્ણાટક રાજ્યના મૈસૂર ઉચ્ચપ્રદેશના આશરે 35 કિમી. પહોળા અને 1,000 મી. ઊંચાઈ ધરાવતા મલનાડ ભૂભાગમાંથી આગળ મેદાની વિસ્તારમાં વહેતી જાય છે. ખડકાળ વિસ્તારમાં તેનાં અનેક ઝરણાં તથા ધોધ બન્યાં છે સૌથી વધુ ઉંચાઈ ધરાવતો કુનચીકલા ધોધ (455 મી.) જાણીતો છે. તેમ જ ચનચનકટ્ટી જળપ્રપાત ખૂબ જ મનોહર છે. તેના વિસ્તારમાં ગ્રૅનાઇટ ખડકો મોટા પ્રમાણમાં મળે છે, કર્ણાટક અને તામિલનાડુ રાજ્યોમાં તેની ઘણી ઉપનદીઓ છે; જેમાં કકમ્બે, સુવર્ણવત્તી, નોમાવતી, કર્ણાવતી, કમ્બની, હેમાવતી, ભવાની, નોયિલ અને અમરાવતી મુખ્ય છે. તેનો સમગ્ર કાંઠાપ્રદેશ નયનરમ્ય છે. તેના કિનારે ભારતનાં જાણીતાં તીર્થસ્થાનો આવેલાં છે; જેમાં શ્રીરંગપટ્ટનમ્, શ્રીરંગમ્, કુંભકોણમ્, તાંજાવુર, તિરૂવાયુર અને કાવેરીપટ્ટનમ્ નોંધપાત્ર છે. ત્યાં ખૂબ ઊંચાં ગોપુર ધરાવતાં, પ્રાચીન ભારતની શિલ્પ તથા સ્થાપત્યકલાના ઉત્તમ નમૂનારૂપ મંદિરો આવેલાં છે. તંજાવુર એ તીર્થસ્થાન ઉપરાંત ‘ભારતનો ઉદ્યાન’ ગણાય છે. ત્યાં પાષાણમાંથી કોતરેલો નંદી તે જમાનાની શિલ્પકલાનો ઉત્તમ નમૂનો ગણાય છે.

વૃંદાવન ઉદ્યાન
તેના પ્રવાહના વિસ્તારમાં ડાંગર, નારિયેળ, કેળાં, તમાકુ, શેરડી, મગફળી, કપાસ, મરચાં, તેલીબિયાં, કૉફી, ઇલાયચી, કાજુ અને મરીનું ઉત્પાદન મોટા પાયા પર થાય છે. ઉપરાંત આ વિસ્તારોમાં રેશમ, ઇમારતી લાકડું, ચંદન, મૅંગેનીઝ, લોખંડનું ઉત્પાદન પણ થાય છે. મૈસૂરથી 19 કિમી.ને અંતરે કૃષ્ણરાજસાગર બંધ બાંધવામાં આવ્યો છે, જેના જલાશય પર વૃંદાવન ઉદ્યાન નામનું સુરમ્ય વિશ્રામસ્થાન તૈયાર કરવામાં આવ્યું છે. પર્યટકો માટે આ સ્થળ ખૂબ જ આકર્ષક નીવડ્યું છે. સૂર્યાસ્ત પછી ત્યાં સર્વત્ર રંગબેરંગી રોશની કરવામાં આવે છે અને જળાશયના સમગ્ર વિસ્તારમાં નૃત્ય કરતા અનેક ફુવારા તથા સંગીતની ધૂનો સાથે મનોહારી ર્દશ્ય ઊભું કરે છે. આગળ જતાં 97 મી. ઊંચાઈ ધરાવતા શિવસમુદ્રમ્ ધોધ પર 1902માં જળવિદ્યુતશક્તિ-મથક ઊભું કરવામાં આવ્યું છે. ભારતનું આ સર્વપ્રથમ જળવિદ્યુતશક્તિ-મથક છે, જે મૈસૂર, બૅંગલોર(બૅંગાલુરુ) તથા કોલાર શહેરોને ખેતી ઉપરાંત અને કોલારમાં આવેલી સોનાની ખાણોને વીજળી પૂરી પાડે છે. 1938માં સેલમ જિલ્લાના મેત્તુર સ્થળે બીજો બંધ બાંધવામાં આવ્યો, જેમાંથી ખેતી માટે નહેરો બનાવવામાં આવી છે તથા વીજળી પૂરી પાડવામાં આવે છે. કાવેરી નદીના પ્રવાહમાંથી 2400 કિમી. લંબાઈ ધરાવતી મુખ્ય તથા પેટા નહેરો અને 3200 કિમી. લંબાઈ ધરાવતી પૂરક નહેરો જમીનને સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે. 1924 તથા 1961માં આ નદીમાં ભારે પૂર આવ્યાં હતાં જેથી મોટા પાયા પર તારાજી થઈ હતી. ભૂતપૂર્વ ફ્રેન્ચ વસાહત કરાઈકલ આ નદીના મુખની સહેજ ઉત્તરે આવેલી છે. કાવેરીના ઉદગમસ્થાને દર વર્ષે શ્રાવણ માસમાં મોટો મેળો ભરાય છે. તેના કાંઠાના પ્રદેશમાં ચૌલ, ગેગ, હોયસળ વગેરે રાજાઓ તથા ટીપુ સુલતાન જેવા શાસકોના જમાનાના ઐતિહાસિક તથા પૌરાણિક અવશેષો જોવા મળે છે.
સંતાનપ્રાપ્તિ માટે બ્રહ્મગિરિ પર તપ કરનારા કવેર મુનિને પ્રાપ્ત થયેલ કન્યા પરથી આ નદીનું નામ કાવેરી પડ્યું છે એવો ઉલ્લેખ ‘સ્કંદપુરાણ’માં સાંપડે છે.
કાવેરી જળવિવાદ : કર્ણાકટ તથા તામિલનાડુ બન્ને રાજ્યોમાં થઈને કાવેરી વહેતી હોઈ તેના જળનો ઉપયોગ બન્ને રાજ્યો કરતાં રહ્યાં છે. આ જળના ઉપયોગ અંગે ટ્રિબ્યુનલે આપેલા વચગાળાનો નિર્ણય (interim award) કર્ણાટકે માન્ય રાખ્યો નહિ. તામિલનાડુએ તેની સામે વિરોધ કરતાં પ્રશ્ન કેન્દ્ર સરકાર સમક્ષ પહોંચ્યો. બન્ને રાજ્યો વચ્ચે વધતા જતા ખટરાગમાંથી રસ્તો કાઢવા કેન્દ્ર સરકારે આ વિવાદ અંગે સર્વોચ્ચ અદાલતનો અભિપ્રાય અને ચુકાદો માગ્યા. સર્વોચ્ચ અદાલતે ટ્રિબ્યુનલના ચુકાદાને માન્ય રાખતાં કર્ણાટકમાં તેનો પ્રચંડ વિરોધ થયો, જ્યારે તામિલનાડુએ તેને આવકાર્યો. આ વિવાદનો કાયમી ઉકેલ હજી આવ્યો નથી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે