કાળો સમુદ્ર : અગ્નિ યુરોપમાં આવેલો સમુદ્ર. ભૌગોલિક સ્થાન : 43o 00′ ઉ. અ. અને 35o 00′ પૂ. રે.. તેના કિનારે રશિયા, જ્યૉર્જિયા, યુક્રેન, તુર્કી, બલ્ગેરિયા, રૂમાનિયા વગેરે દેશો આવેલા છે. તેની ઉત્તરે માત્ર 13.5 મીટરની ઊંડાઈ ધરાવતો એઝૉવ સમુદ્ર આવેલો છે. બૉસ્પરસની સામુદ્રધુની, મારમરા સમુદ્ર અને ડાર્ડેનલ્સની સામુદ્રધુની તેને ભૂમધ્ય સમુદ્ર સાથે જોડે છે. તેનો વિસ્તાર 4,23,000 ચોકિમી. જેટલો છે. તેની પર આવેલું ઇસ્તમ્બૂલ એશિયાનું પ્રવેશદ્વાર છે. કાળા સમુદ્રના મધ્યભાગમાં ઊંડાઈ વધુ (2245 મીટર) છે; ત્યાં વધુ ખારાશને કારણે અને પ્રાણવાયુના અભાવને કારણે જીવન નથી. આ સમુદ્રમાં ડૅન્યૂબ, નીપર, નીસ્ટર અને ડૉન નદીઓ પુષ્કળ તાજું પાણી ઠાલવતી હોવાથી નીચેના પાણી કરતાં સપાટીની ક્ષારતા ઓછી છે. આ સમુદ્રની નજીકમાં દુનિયાનો મોટામાં મોટો યુરેનિયમ ખનિજનો જથ્થો આવેલો છે. બરગસ, પર્ના (બલ્ગેરિયા), કૉન્સ્ટન્સા (રૂમાનિયા), ઓડેસા, સેવાસ્ટોપોલ, પાલ્ટા, કેર્ચ ટુઆપ્સે, સોચી, બાટુમી વગેરે તેના કાંઠે આવેલાં મહત્ત્વનાં બંદરો છે. રશિયાની વૉલ્ગા-ડૉન કૅનાલ વૉલ્ગા નદીને કાળા સમુદ્ર સાથે જોડે છે. આ સમુદ્રનો ઉત્તરનો ભાગ શિયાળામાં થીજી જાય છે. પરિણામે આ વિસ્તારનાં બંદરોને ખુલ્લાં રાખવાં માટે બરફને આઇસ બ્રેકર્સ દ્વારા તોડવો પડે છે. આ સમુદ્રનું 90 % જળ ખાતરોની ભેળવણીથી પ્રદૂષિત બનેલું છે.
વસંત ચંદુલાલ શેઠ
શિવપ્રસાદ રાજગોર