કાળે, વી. જી. (જ. 1876, સાંગલી, મહારાષ્ટ્ર; અ. 1946) : રાષ્ટ્રવાદી અર્થશાસ્ત્રી. આખું નામ વામન ગોવિંદ કાળે. સાંગલીમાં પ્રાથમિક શિક્ષણ લીધા પછી માધ્યમિક તથા ઉચ્ચશિક્ષણ પુણે ખાતે પૂરું કર્યું. મુંબઈ યુનિવર્સિટીની એમ.એ.(અર્થશાસ્ત્ર)ની પદવી (1905) પ્રાપ્ત કર્યા પછી સતત વીસ વર્ષ સુધી ફર્ગ્યુસન કૉલેજ, પુણે ખાતે અર્થશાસ્ત્ર તથા ઇતિહાસના પ્રાધ્યાપક તરીકે સેવા આપી (1905-25). તે કાઉન્સિલ ઑવ્ સ્ટેટ્સના સભ્ય (1921-23) તથા ભારત સરકારના ટૅરિફ બોર્ડના સભ્ય (1923-25) હતા. 1935માં તેમણે મરાઠી ભાષામાં ‘અર્થ’ નામનું અર્થશાસ્ત્રના વિષયને લગતું સાપ્તાહિક શરૂ કર્યું. ‘બૅંક ઑવ્ મહારાષ્ટ્ર’ના તે સ્થાપક (1936) તથા આજીવન અધ્યક્ષ અને સંચાલક રહ્યા. બનારસ હિંદુ યુનિવર્સિટીના માનાર્હ પ્રાધ્યાપક તથા ગ્વાલિયર સંસ્થાનના આર્થિક સલાહકાર તરીકે પણ સેવા આપી હતી. તે અનેક સામાજિક સંસ્થાઓ સાથે અધ્યક્ષ, સલાહકાર અથવા અન્ય પદાધિકારી તરીકે સંકળાયેલા હતા. ભારતીય અર્થશાસ્ત્ર મંડળના શરૂઆતથી જ તે સક્રિય સભ્ય હતા. આ સંસ્થાનું મુખપત્ર ‘ઇન્ડિયન જર્નલ ઑવ્ ઇકૉનૉમિક્સ’નાં વર્ષો સુધી તે સંપાદક રહ્યા. 1919માં તે આ સંસ્થાના મૈસૂર ખાતે ભરાયેલા વાર્ષિક અધિવેશનના પ્રમુખ હતા. જાહેર અર્થવિધાન, ચલણ, વાણિજ્ય-વ્યાપાર તથા જકાતવિષયક બાબતોના તે નિષ્ણાત હતા. 1949માં ‘ઇન્ડિયન જર્નલ ઑવ્ ઇકૉનૉમિક્સ’ તરફથી તેમના યોગદાનને બિરદાવવા માટે એક ખાસ વિશેષાંક પ્રકાશિત કરાયો હતો.
ન્યાયમૂર્તિ રાનડે તથા ગોપાળ કૃષ્ણ ગોખલે જેવા વિદ્વાનો તથા દેશસેવકોના તે શિષ્ય હતા. આવા ગુરુજનોની વિચારસરણી અને કાર્યપ્રણાલીની તેમના ઉપર ઊંડી છાપ પડી હતી. અર્થશાસ્ત્ર વિષય પર તેમણે સોળ ગ્રંથો લખ્યા છે. 1917માં તેમનો ‘ઍન ઇન્ટ્રોડક્શન ટુ ધ સ્ટડી ઑવ્ ઇન્ડિયન ઇકૉનૉમિક્સ’ નામનો ગ્રંથ પ્રકાશિત થયો અને તેની રૂએ ભારતમાં ભારતીય અર્થશાસ્ત્રની વિચારશાખાના તે યુગપ્રવર્તક ગણાય છે. અંગ્રેજી ભાષામાં તેમણે લખેલા ગ્રંથોમાં ‘ગોખલે ઍૅન્ડ ઈકોનૉમિક રિફૉર્મ્સ’ (1916), ‘ઇન્ડિયાઝ વૉર ફાઇનાન્સ ઍન્ડ પોસ્ટ-વૉર પ્રૉબ્લેમ્સ’ (1919), ‘કરન્સી રિફૉર્મ ઇન ઇન્ડિયા’ (1919), ‘ધ ડૉન ઑવ્ મૉડર્ન ફાઇનાન્સ ઇન ઇન્ડિયા’ (1922), ‘ઇકૉનૉમિક્સ ઑવ્ પ્રોટેક્શન ઇન ઇન્ડિયા’ (1929), ‘પ્રૉબ્લેમ્સ ઑવ્ વર્લ્ડ ઇકૉનોમી’ (1931) તથા મરાઠી ભાષામાં લખેલા ‘અર્થશાસ્ત્ર’, ‘ભારતીય અર્થશાસ્ત્ર’ અને ‘બકા આણિત્યાંચે વ્યવહાર’ નોંધપાત્ર છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે