કાળે, રાવજી રામચંદ્ર (રાવબહાદુર) (જ. 8 ઑગસ્ટ 1868, વિટે, સાતારા જિલ્લો, મહારાષ્ટ્ર; અ. 17 જાન્યુઆરી 1936, સાતારા) : મહારાષ્ટ્રના સંસ્કૃત પંડિત, કાયદાશાસ્ત્રી, સમાજસુધારક, મુંબઈ લેજિસ્લેટિવ કાઉન્સિલના પૂર્વ સભાસદ તથા પુણે ખાતેની ગોખલે ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પૉલિટિક્સ ઍૅન્ડ ઇકૉનોમિક્સના દાતા અને સંસ્થાપક. મૂળ નામ પુરુષોત્તમ, પરંતુ નાનપણમાં પરિવારમાં તેમને રાવજી, રાવ, રાવબા જેવા લાડકા સંબોધનને કારણે રાવજી રામચંદ્ર કાળે નામથી જાણીતા થયા. પિતા વિટે ખાતે ફડનીસ-અવ્વલ કારકુન હતા, પરંતુ કારકિર્દીના અંતમાં રત્નાગિરિના મામલતદાર તરીકે સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા. માતાનું નામ જાનકીબાઈ. શરૂઆતના અંગ્રેજી ત્રણ ધોરણ સુધીનું શિક્ષણ મોટા ભાઈ ગોવિંદરાવના માર્ગદર્શન હેઠળ ઘરમાં જ થયું. ત્યારબાદ સાતારા ખાતેની ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં તથા પુણે ખાતેની વિશ્રામબાગ હાઈસ્કૂલમાં મૅટ્રિક સુધીનું શિક્ષણ લીધું. 1885માં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષા સંસ્કૃત અને અંગ્રેજી સાથે પસાર કરી અને તેમાં જગન્નાથ શંકરશેટ શિષ્યવૃત્તિ મેળવી. ઉચ્ચ શિક્ષણ ડેક્કન કૉલેજ, પુણે તથા એલ્ફિન્સ્ટન કૉલેજ, મુંબઈ ખાતે લીધું. બી.એ.ની પરીક્ષામાં પણ સંસ્કૃત અને અંગ્રેજી વિષયો પસંદ કર્યા હતા અને ભાઉ દાજી પારિતોષિક મેળવી દક્ષિણા ફેલો નિમાયા (1888). તે પૂર્વે 1887માં વરજીવનદાસ માધવદાસ શિષ્યવૃત્તિ મેળવી કાયદાના સ્નાતક બન્યા પછી 1892માં સાતારા ખાતે વકીલાત શરૂ કરી અને વ્યવસાયમાં ઝડપભેર પ્રગતિ કરી નામના મેળવી. દસ વર્ષની વકીલાત બાદ 1902માં સરકારી વકીલ નિમાયા (1902-20). 1928માં મુંબઈની વડી અદાલતે એક ખાસ ઠરાવ દ્વારા ઓરિજિનલ સાઇડ(OS)ના ઍડવોકેટ તરીકે તેમને માન્યતા આપી. સમગ્ર મુંબઈ ઇલાકામાં આ પ્રકારની માન્યતા પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ ધારાશાસ્ત્રી હતા.
રાજકારણમાં તેઓ ન્યાયમૂર્તિ રાનડેના અનુયાયી હતા. વર્ષ 1900માં તેમણે સાતારા ખાતે પ્રથમ સામાજિક પ્રાંતિક પરિષદ પ્રયોજી જેને સારો પ્રતિસાદ મળ્યો. ન્યાયમૂર્તિ રાનડે આ પરિષદમાં જાતે હાજર હતા. રાજકારણમાં તેઓ પ્રગતિશીલ વિચારસરણીને વરેલા હતા જ્યારે ધાર્મિક બાબતોમાં તેઓ પ્રાર્થનાસમાજના અનુયાયી હતા. તેમની રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓનો વ્યાપ સ્થાનિક સ્વરાજ્યસંસ્થાઓ, સાંગલી અને ઔંધ રિયાસતોની ધારાસભાઓ, સાતારા મ્યુનિસિપાલિટી (1900), ડિસ્ટ્રિક્ટ લોકલ બૉર્ડ (1902) તથા મુંબઈ ઇલાકાની લેજિસ્લેટિવ કાઉન્સિલ જેવી જુદી જુદી સંસ્થાઓમાં ફેલાયેલો હતો. 1920માં તેમણે નૅશનલ લિબરલ લીગની સ્થાપના કરી હતી, જેના તેઓ અવસાન સુધી પ્રમુખ રહ્યા. 1921, 1927 અને 1930માં તેઓ બૉમ્બે લેજિસ્લેટિવ કાઉન્સિલમાં ચૂંટાયા હતા. આ ધારાગૃહમાં વિરોધ પક્ષના નેતાના પદે પણ તેમણે કાર્ય કર્યું હતું. તેઓ ડેક્કન એજ્યુકેશન સોસાયટીની સલાહકાર સમિતિ, મુંબઈ તથા એસ. એન. ડી. ટી. યુનિવર્સિટીની સેનેટ તથા બૉમ્બે બાર કાઉન્સિલમાં પણ ચૂંટાયા હતા. ઘણી ઔદ્યોગિક કંપનીઓના નિયામક મંડળના તેઓ સભ્ય હતા; જેમાં કિર્લોસ્કર જૂથના એકમો તથા વેસ્ટર્ન ઇન્ડિયા ઇન્શ્યૉરન્સ કંપનીનો સમાવેશ થાય છે.
તેઓ સરકારી નોકરીઓનું ભારતીયકરણ, સ્ત્રીકેળવણી, ફરજિયાત પ્રાથમિક કેળવણી તથા સામાજિક સુધારણાના પ્રખર હિમાયતી હતા. તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા.
1913માં તેમને ‘રાવસાહેબ’નો ઇલકાબ તથા 1920માં ‘રાવબહાદુરનો’ ઇલકાબ એનાયત થયો હતો.
પુણે ખાતેની વિશ્વવિખ્યાત ગોખલે ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પૉલિટિક્સ ઍન્ડ ઇકૉનોમિક્સ નામની અનુસ્નાતક શિક્ષણ અને સંશોધનને વરેલી સંસ્થાની સ્થાપના રાવબહાદુર કાળેની સખાવતનું જ પરિણામ છે. તેમના દાનને કારણે જ 1930માં આ સંસ્થાની સ્થાપના થઈ હતી. ભારતના અગ્રણી અર્થશાસ્ત્રી તથા એક જમાનામાં આયોજન પંચના ઉપાધ્યક્ષ ડૉ. ડી. આર. ગાડગીળ આ સંસ્થાના નિયામક હતા. હાલ આ સંસ્થા શૈક્ષણિક સ્વાયત્તતા ધરાવે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે