કાલ્ડર, ઍલેક્ઝાન્ડર સ્ટર્લિન્ગ

January, 2006

કાલ્ડર, ઍલેક્ઝાન્ડર સ્ટર્લિન્ગ (જ. 22 જુલાઈ 1898, લૉનટાઉન, પેન્સિલ્વેનિયા, યુ.એસ.; અ. 11 નવેમ્બર 1976, ન્યૂયૉર્ક નગર, યુ.એસ.) : મોબાઇલ (જંગમ) શિલ્પરચનાનો પ્રણેતા, આધુનિક અમેરિકન શિલ્પી.

પિતા અને દાદા અમેરિકન રૂઢિ અનુસારની વાસ્તવવાદી શૈલીમાં કામ કરનાર શિલ્પીઓ હતા અને માતા ચિત્રકાર હતાં. બાળપણ, તરુણાવસ્થા અને આરંભિક યુવાનીમાં રમતગમતનો જબરદસ્ત શોખ કાલ્ડરને હતો. ન્યૂ જર્સીની હોબોકેન ખાતેની સ્ટિવન્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેકનૉલોજીમાં અભ્યાસ કરીને કાલ્ડરે 1919માં મિકેનિકલ એન્જિનિયરિંગની સ્નાતક પદવી મેળવી. બેત્રણ વરસ સુધી જુદે જુદે ઠેકાણે તેમણે એન્જિનિયર તરીકે નોકરીઓ કરી. 1922માં તેમણે ન્યૂયૉર્ક નગરમાં એક રાત્રિશાળામાં ડ્રૉઇન્ગના પાઠ લેવા શરૂ કર્યા. 1923માં તેઓ ‘આર્ટ સ્ટુડન્ટ્સ લીગ’ના સભ્ય બન્યા, ત્યાં ‘એશ્કેન સ્કૂલ’ નામે ઓળખાતા ન્યૂયૉર્ક નગરના ચિત્રકારોના પ્રભાવ નીચે આવ્યા. ‘એશ્કેન સ્કૂલ’ના અગ્ર ચિત્રકારો જોન સ્લોન અને જ્યૉર્જ લક્સ સાથે તેમને મિત્રતા થઈ. હજી સુધી કાલ્ડરની મહત્વાકાંક્ષાએ જન્મ લીધો નહોતો. તેમની મહેચ્છા તો માત્ર પ્રસંગચિત્રકાર (ઇલસ્ટ્રેટર) તરીકે ઊંચો પગાર આપતી સારી નોકરી મેળવવાની જ હતી. 1924માં તેમણે ‘નૅશનલ પોલીસ ગેઝેટ’માં પ્રસંગચિત્રો ચીતરવાનું શરૂ કર્યું. સર્કસ અને બૉક્સિન્ગના પ્રસંગો તેમના આ પ્રારંભિક પ્રસંગચિત્રોના વિષયો હતા.

1926માં કાલ્ડર પૅરિસ ગયા. પૅરિસમાં લાકડા અને લોખંડના વળી શકે તેવા પોચા સળિયા તથા વાયરો વડે રમકડાં જેવાં શિલ્પો બનાવવાં તેમણે શરૂ કર્યાં. આવાં અસંખ્ય રમકડાં બનાવીને એ રમકડાંના સમૂહ વડે તેમણે એક આખું મિનિ (લઘુ) સર્કસ સર્જ્યું. (આજે આ શિલ્પસમૂહ ન્યૂયૉર્ક નગર ખાતેના વ્હિટ્ની મ્યુઝિયમ ઑવ્ અમેરિકન આર્ટમાં કાયમી રીતે પ્રદર્શિત છે.) વાળીએ તેમ વળી શકે તેવા પાતળા વાયરો વડે શિલ્પો બનાવતાં કાલ્ડરે હરતાં-ફરતાં (‘મોબાઇલ’) શિલ્પો સર્જવાનું પણ શરૂ કર્યું. આ શિલ્પોનાં હાથ, પગ, ખભા, ડોકાં વાળીએ એમ વળી શકે તેવાં સ્થિતિસ્થાપક હોય છે. આ રીતે કાલ્ડરે સર્જેલાં બે શિલ્પો ‘સ્પ્રિન્ગ’ અને ‘રૅમ્યુલસ ઍન્ડ રેમુસે’ પૅરિસના કલાકારોનું તરત ધ્યાન ખેંચ્યું. આધુનિક શિલ્પી મિરો કાલ્ડરનાં શિલ્પો પ્રત્યે સૌથી વધુ આકર્ષાયો. એ બંને વચ્ચે ઘનિષ્ઠ મૈત્રી થઈ, જે મૃત્યુપર્યંત ટકી. 1930માં કાલ્ડરની મુલાકાત ડચ આધુનિક ચિત્રકાર પિયે મોન્દ્રિયાં સાથે થઈ. મોન્દ્રિયાંની પ્રેરણાથી કાલ્ડરે હવે પોતાનાં નવસર્જિત શિલ્પોમાંથી કેટલાંકમાં મોટર બેસાડવી શરૂ કરી, તેથી આ શિલ્પો ચાંપ દબાવતાં હલનચલન કરવું શરૂ કરવા માંડતાં. આધુનિક ફ્રેંચ ચિત્રકાર અને શિલ્પી માર્સેલ દ્યુશોંએ મોટર વડે હરતાં-ફરતાં કાલ્ડરનાં શિલ્પોની પ્રશસ્તિ કરી છે.

1932માં કાલ્ડરે પાતળા હલકા વાયરોમાંથી વજનમાં હળવાંફૂલ શિલ્પો બનાવવાં શરૂ કર્યાં. આ શિલ્પો છતમાં ફિટ કરેલા હૂકમાં ટિંગાડવામાં આવતાં. તે પવનની સહેજ અમથી લહેરખીમાં પણ હલવા માંડતાં અને તેમાંના ધાતુના વાયરો એકબીજા સાથે ટકરાતાં રૂપાની ઘંટડીઓમાંથી નીકળતો હોય તેવો મધુર રણકાર નીકળતો.

1931થી કાલ્ડરે જરઝવેરાતની ડિઝાઇન કરવી પણ શરૂ કરેલી. 1943માં ન્યૂયૉર્ક નગર ખાતેના મ્યુઝિયમ ઑવ્ મૉડર્ન આર્ટે કાલ્ડરને તેનાં મોબાઇલ શિલ્પોનું પ્રદર્શન કરવા માટે આમંત્રણ આપ્યું. આ પ્રસંગથી કાલ્ડરની પ્રતિષ્ઠા વધી ગઈ અને કાલ્ડરે હવે મોટા કદનાં મોબાઇલ શિલ્પ સર્જવા માંડ્યાં. વેનેઝુએલાના કારકાસ નગરની સેન્ટ્રલ યુનિવર્સિટીના ઑડિટોરિયમ માટે છતમાંથી લટકતું વિરાટકાય શિલ્પ કાલ્ડરે સર્જ્યું. 1961માં ઍમસ્ટરડૅમના સ્ટેડેલિક મ્યુઝિયમે ‘એન ઍક્ઝિબિશન ઑન મોશન ઇન આર્ટ’ યોજ્યું, જેમાં કાલ્ડર અને તેના અનુયાયીઓને તેમની મોબાઇલ શિલ્પકૃતિઓ રજૂ કરવા આમંત્રણ આપ્યું. આ પછી ન્યૂયૉર્ક નગર ખાતેના સોલોમોન આર. ગુગેન્હીમ મ્યુઝિયમે તથા પૅરિસ નગર ખાતેના મુઝી દ આર્ત મૉદર્ને દ લા વિલેએ કાલ્ડરને તેની મોબાઇલ શિલ્પકૃતિઓનાં વૈયક્તિક પ્રદર્શનો કરવાનું આમંત્રણ આપ્યું. 1955-56માં બે વર્ષ માટે કાલ્ડર ભારત પધારેલા અને એ દરમિયાન તેમણે ભારત માટે અગિયાર મોબાઇલ શિલ્પોનું સર્જન કરેલું.

અમિતાભ મડિયા