કાલિમ્પોંગ : ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યના દાર્જિલિંગ જિલ્લામાં 27.02o ઉત્તર અક્ષાંશ અને 88-34o પૂર્વ રેખાંશ પર આવેલું પહાડી ક્ષેત્ર. દેઓલો પહાડીથી ડર્બિન ડાન્ડા પહાડી વચ્ચે આવેલા પલ્લયન (saddle) પર આવેલું છે. સમુદ્રસપાટીથી તેની ઊંચાઈ આશરે 1219 મી. છે, પરંતુ દક્ષિણથી ઉત્તર તરફ જતાં તે વધતી જાય છે. તેની પૂર્વમાં ની-ચુ અને દી-ચુ, પશ્ચિમમાં તિસ્તા અને ઉત્તરમાં સિક્કિમ રાજ્ય આવેલાં છે. ચીનના સંદર્ભમાં તેનું સ્થાન વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. તે ગંગટોક(સિક્કિમ)થી લગભગ 20 કિમી. નૈર્ઋત્યમાં અને દાર્જિલિંગથી 48 કિમી. પૂર્વમાં આવેલું છે. આ સ્થળ કોલકાતા સાથે બાગડોગરા સુધી હવાઈ માર્ગ (480 કિમી.) દ્વારા અને ત્યારબાદ સડકમાર્ગ (70 કિમી.) દ્વારા જોડાયેલું છે. તિસ્તા નદી પરથી પસાર થતી એક સડક તેને દાર્જિલિંગ સાથે જોડે છે. તિબેટ સાથેના વ્યાપારનું કાલિમ્પોંગ મુખ્ય બજાર છે.
કાલિમ્પોંગથી તિબેટ જવા માટેનો જેલાપલા ઘાટ નજીકમાં આવેલો છે. તે હવા ખાવાનું સ્થળ છે અને હાથસાળના કાપડ અને હસ્તકલાની વસ્તુઓનું કેન્દ્ર છે. અહીંની વસ્તી આશરે 98,655 (2023) છે.
વસંત ચંદુલાલ શેઠ