કાલિદાસ : સંસ્કૃતના પ્રથિતયશ કવિ અને નાટ્યકાર. સંસ્કૃતમાં એમની કક્ષાનો કવિ હજી સુધી થયો નથી. એમની રસાર્દ્ર કૃતિઓએ એમને વૈશ્વિક કવિની ભૂમિકા પર મૂક્યા છે. સંસ્કૃતના અનેક કવિઓની જેમ કાલિદાસે પોતાને વિશે કશુંય કહ્યું નથી. કવિની કાવ્યમાધુરીમાં મગ્ન રસિકવર્ગ પણ કવિના દેશકાલ વિશે કહેવાનું વીસરી ગયો. પરિણામે કાલિદાસના વ્યક્તિત્વ અને સ્થિતિકાલ વિશે કશીય ઇતિહાસપુષ્ટ માહિતી મળતી નથી. કવિ વિશેની દંતકથાઓ કાલવિપર્યયના દોષવાળી હોવાથી આધારપાત્ર નથી. આવી કથાઓ ઉપરથી માત્ર એટલું તારવી શકાય કે કવિ ઉજ્જયિની પ્રદેશના હશે, તેમનું બાલ્ય હીન સ્થિતિમાં વીત્યું હશે, તે સાવ અભણ રહ્યા હશે, આકસ્મિક સંયોગોમાં તેમનો વિવાહ કોઈ રાજકુમારી સાથે થયો હશે, અને પત્નીથી તિરસ્કૃત થયા પછી કાલીદેવીની ઉપાસના દ્વારા વિદ્યા અને કવિતા પ્રાપ્ત કર્યાં હશે. એમની પ્રસિદ્ધ કાવ્યકૃતિઓ ‘કુમારસંભવ’, ‘મેઘદૂત’ અને ‘રઘુવંશ’નો આરંભ अस्ति, कश्चित् અને वाक् શબ્દોથી થયો છે એ ઉપરથી દંતકથામાં એવી કલ્પના થઈ છે કે દેવી કાલીનું વરદાન મેળવી પાછા ફરેલા કાલિદાસને એની વિદુષી પત્નીએ પૂછ્યું, ‘अस्ति कश्चिद् वाग्विशेषः – તમારી વાણીમાં કોઈ વિશેષતા આવી ખરી ?’ અને તત્કાલ કવિએ अस्ति શબ્દથી આરંભાતું કુમારસંભવ મહાકાવ્ય, कश्चित्થી આરંભાતું મેઘદૂત કાવ્ય અને वाक् શબ્દથી આરંભાતું ‘રઘુવંશ’ મહાકાવ્ય રચીને પોતાની સર્જકપ્રતિભાની પ્રતીતિ કરાવી. આ વિધાનમાં પ્રચુર અતિશયોક્તિ છે. પણ કવિનાં એ ત્રણ કાવ્યોની ઉત્તમતા તરફનું તેનું ઇંગિત યથાર્થ છે.
કાલિદાસની કૃતિઓના અંતરંગ પરીક્ષણ ઉપરથી વિદ્વાનોએ એવી ધારણા બાંધી છે કે વસ્તુત: કવિ વેદશાસ્ત્રપારંગત, પ્રૌઢ વિદ્વાન અને મેધાવી સર્જક હતા. તેમનું જીવન ઉજ્જયિનીમાં રાજ્યાશ્રયમાં સુખપૂર્વક વ્યતીત થયું હશે અને એ દીર્ઘજીવી રહ્યા હશે. એમની જન્મભૂમિ ઉજ્જયિની કે કાશ્મીર દેશ એ વિશે મતભેદ છે. બંગાલ અને ઓરિસા પ્રદેશો પણ કાલિદાસની જન્મભૂમિ હોવાનો દાવો કરે છે. પણ કવિની કૃતિઓના અંતરંગ-પરીક્ષણ ઉપરથી તે કાશ્મીર કે કોઈ હિમાલયની ઉપત્યકાના પ્રદેશના અથવા ઉજ્જયિની પ્રદેશના હોવાનો વધારે સંભવ છે. એમના ‘કુમારસંભવ’ કાવ્યનું કથાવસ્તુ હિમાલયની પાર્શ્વભૂમિ પર રચાયેલું છે. ‘મેઘદૂત’ કાવ્યના ઉત્તરમેઘનો સમગ્ર ભાગ કૈલાસ અને અલકાનગરીના વર્ણનથી ભરેલો છે. ‘રઘુવંશ’, ‘વિક્રમોર્વશીય’ નાટક તેમજ ‘અભિજ્ઞાનશાકુન્તલ’માં હિમાલય પ્રદેશનાં રસભર વર્ણનો છે. એ ઉપરથી કેટલાક વિદ્વાનો કાશ્મીર કે હિમાલયના કોઈ આંચલિક પ્રદેશને કવિની જન્મભૂમિ માનવા પ્રેરાયા છે. એ જ રીતે પૂર્વમેઘમાંના પ્રદેશો, પર્વતો, નદીઓનાં મનોહારી વર્ણનો, वक्रः पन्था यदपि भवतः । એમ કહીને પણ મેઘને શ્રીવિશાલા વિશાલા ઉજ્જયિની તરફ જવા લલચાવવો, ઋતુસંહારની ગ્રીષ્મ વગેરે ઋતુઓનું તત્કાલીન મધ્યપ્રદેશને અનુકૂળ વાતાવરણનું વર્ણન વગેરે તથ્યો ઉપરથી અન્ય કેટલાક વિદ્વાનો કવિને ઉજ્જયિનીના વાસ્તવ્ય માનવા પ્રેરાય છે. કવિની જન્મભૂમિ કાશ્મીર કે હિમાલયનો કોઈ આંચલીય પ્રદેશ હશે અને તેમની કર્મભૂમિ ઉજ્જયિની હશે એવો પણ કેટલાકોનો મત છે.
કવિના જીવન અને સ્થિતિકાલ અંગે પણ એટલાં જ મતાન્તરો છે. એમની કૃતિઓના અંતરંગપરીક્ષણ પરથી એવો મત રજૂ કરાયો છે કે કવિ ગુપ્તસમ્રાટ સમુદ્રગુપ્તથી આરંભી છેક સ્કંદગુપ્તના સમય પર્યન્ત જીવિત હતા. વિશેષત: ચંદ્રગુપ્ત દ્વિતીય-વિક્રમાદિત્યના તે સમકાલીન હતા એવો મત અને તે ઉપરથી ઈસુની પાંચમી સદીનો ઉત્તરાર્ધ અને છઠ્ઠી સદીનો પૂર્વાર્ધ કવિનો સ્થિતિકાલ મોટેભાગે સ્વીકારાયો છે. ઈ. 634ના ઐહોળેના શિલાલેખમાં કાલિદાસનો સર્વપ્રથમ નામનિર્દેશ એ કવિના સ્થિતિકાલની ઉત્તરમર્યાદા છે. એ વસ્તુસ્થિતિ પણ કંઈક ગુપ્તયુગના મતને પક્ષે છે.
અન્ય પક્ષે કથાપ્રસિદ્ધ વિક્રમાદિત્યની સભામાં નવ રત્નોમાંનો કાલિદાસ એક હતો અને આ વિક્રમાદિત્યે પોતાના નામથી વિક્રમસંવત શરૂ કર્યો એ દંતકથાને આધારે ઈ. પૂ.ની પહેલી સદી કવિનો સ્થિતિસમય માની શકાય. કવિની નાટ્યકૃતિ ‘માલવિકાગ્નિમિત્ર’ના વસ્તુચિત્રણને આધારે પણ કેટલાક વિદ્વાનોએ આ પક્ષનું સમર્થન કર્યું છે. આમ છતાં આ વાતનો નિર્ણય ભારતીય ઇતિહાસની ખૂટતી વિગતોની પ્રાપ્તિને આધારે જ થવો ઘટે.
સંસ્કૃત સાહિત્યમાં નવ કાલિદાસો નોંધાયા છે. ‘કાલિદાસત્રયી’ પણ પ્રસિદ્ધ છે. પરિણામે કાલિદાસના નામે ‘લલિત વાઙ્મય’ ઉપરાંત ‘જ્યોતિષશાસ્ત્ર’, ‘છંદશાસ્ત્ર’ આદિની અનેક કૃતિઓ પ્રચારમાં છે. જોકે આ કવિઓમાંના મોટાભાગના તો ‘કાલિદાસ’ બિરુદ-નામધારી હતા. પણ વિવેચનની કસોટીએ સાત જ કૃતિઓ મૂળ કાલિદાસની હોવા વિશે સર્વસંમતિ છે. ‘ઋતુસંહાર’ લઘુકાવ્ય, ‘મેઘદૂત’ ખંડકાવ્ય, ‘રઘુવંશ’ અને ‘કુમારસંભવ’ એ બે મહાકાવ્યો અને ‘માલવિકાગ્નિગિત્ર’, ‘વિક્રમોર્વશીય’ તથા ‘અભિજ્ઞાનશાકુન્તલ’ એ ત્રણ નાટ્યકૃતિઓ કાલિદાસની હોવાનું નિર્વિવાદપણે સ્વીકારાયું છે. અપ્રાપ્ત ‘કુન્તલેશ્વરદૌત્ય’ પણ કાલિદાસની કૃતિ હોવાનો કેટલાકનાં મત છે.
‘ઋતુસંહાર’ કવિની આરંભકાળની કૃતિ હશે. કવિની અન્ય કૃતિઓની તુલનાએ એ કાવ્યમાં કવિની પરિણત કવિતાનું દર્શન થતું નથી. આ કારણે કેટલાક વિદ્વાનો ‘ઋતુસંહાર’ને કવિની કૃતિ માનતાં અચકાય છે. ‘ઋતુસંહાર’ છ ટૂંકા સર્ગોનું ઋતુકાવ્ય છે. એનો આરંભ નિદાઘ-ગ્રીષ્મવર્ણનથી થાય છે. વસંતવર્ણન અંતે આવે છે. ટૂંકા સર્ગોમાં મુક્તક પદ્યોમાં વર્ણનો છે. જોકે વર્ણનના સંદર્ભમાં આ મુક્તકો શૃંખલાબદ્ધ છે. તેમાં સૂક્ષ્મ રસોન્મેષ ઓછો છે, પણ પ્રકૃતિચિત્રણ આબેહૂબ અને સરસ છે. મોટાભાગનાં પદ્યો ‘પ્રિયા’ને સંબોધાયેલાં છે. અહીંનું ‘ઋતુવર્ણન’ તત્કાલીન મધ્યદેશની ઋતુઓને અનુસરતું છે એમ એક મત છે.
‘મેઘદૂત’ ભાવપૂર્ણ ખંડકાવ્ય છે. તેમાં કુબેરના શાપને લીધે અસ્તપ્રભાવ વિરહી યક્ષના અલકાસ્થિત પોતાની પ્રિયતમાને મેઘ દ્વારા મોકલાયેલા કુશલસંદેશનું વિરહમધુર ચિત્રણ છે. કાવ્યના પૂર્વભાગમાં યક્ષે મેઘને બતાવેલા પ્રવાસમાર્ગનું મનોહર ચિત્રણ છે અને ઉત્તરભાગમાં અલકાનગરી, વિરહિણી યક્ષપત્ની વગેરેનાં ચિત્તગ્રાહી વર્ણનો છે. પૂર્વમેઘમાં કવિએ માનવ અને નિસર્ગનું ભાવતાદાત્મ્ય અત્યંત કુશળતાથી નિરૂપ્યું છે. મેઘનો પ્રવાસ સાંપ્રત મહારાષ્ટ્રના નાગપુર પાસેની રામટેક નામે જાણીતી નાની ટેકરીથી આરંભાયો છે. કવિએ તેને જનકતનયા સીતાના સ્નાનથી પવિત્ર જલાશયોવાળો રામગિરિ પર્વત કહ્યો છે. રામગિરિથી વિદિશા થઈ સીધા કૈલાસ જતાં વચ્ચે ઉજ્જયિની નગરી આવે. પણ ઉજ્જયિની પ્રત્યેના પક્ષપાતને લીધે કવિ મેઘને કહે છે, ‘ભલે તારે થોડા વાંકા રસ્તે જવું પડે પણ શ્રીવિશાલા વિશાલા ઉજ્જયિનીમાં જવાનું તો તું ભૂલતો જ નહીં.’ આ ઉજ્જયિની-પક્ષપાત માતૃભૂમિનો પક્ષપાત હશે એવો એક મત છે. પ્રકૃતિસુંદર માર્ગે રાજહંસોના સંગાથમાં દીર્ઘ પ્રવાસ ખેડીને યક્ષપ્રિયાને મેઘે તો બહુ ટૂંકો જ સંદેશ કહેવાનો છે.
‘ब्रूया एवं तव सहचरो रामगिर्याश्रमस्थः ।
अव्यापन्नः कुशलमबले पृच्छति त्वां वियुक्तः
पूर्वाभाष्यं सुलभविपदां प्राणिनामेतदेव ।।’
તું મારી પ્રિયાને એટલું જ કહેજે કે, ‘તારો વિયોગી સહચર રામગિરિ આશ્રમમાં રહે છે અને જીવે છે, અને હે અબલા ! એ તારી કુશળતા પૂછે છે. જેમના જીવનમાં ઘડીકમાં વિપત્તિ આવી પડતી હોય એવા માણસોને સૌથી પહેલાં આ જ પૂછવું જોઈએ. આ સંદેશ હૃદયસ્પર્શી છે અને આ મધુર કાવ્યનો સંદેશ પણ આ જ છે.
‘રઘુવંશ’ અને ‘કુમારસંભવ’ કાલિદાસની એવી કૃતિઓ છે, જેમને આધારે પરવર્તી આલંકારિકોએ મહાકાવ્યનાં લક્ષણ ઘડ્યાં. ‘એક વંશમાં થયેલા અનેક રાજાઓ’ એ લક્ષણ રઘુવંશને આધારે ઘડાયું છે અને ‘ઉત્તમ વંશમાં જન્મેલ એક વીર નાયક’ ‘કુમારસંભવ’ને આધારે ઘડાયું છે. ‘રઘુવંશ’માં દિલીપથી માંડી અગ્નિવર્ણ સુધીના અનેક સૂર્યવંશી રાજાઓનું નિરૂપણ છે. છતાં ક્યાંય વિશૃંખલતા કે રસક્ષતિ વરતાતી નથી. પ્રથમ સર્ગમાં ‘रघूणामन्वयं वक्ष्ये – રઘુવંશી રાજાઓના વંશનું હું વર્ણન કરીશ’ કહીને જે સૂર્યવંશી રાજાઓના આદર્શ રાજત્વનું વર્ણન કર્યું છે તે વસ્તુત: આદર્શ રાજાનું શાસ્ત્રશુદ્ધ વર્ણન છે. બીજા સર્ગમાં નન્દિનીના અનુચર રાજા દિલીપ અને સિંહના સંવાદને એક વિદ્વાને વિશ્વસાહિત્યના ઉત્તમ સંવાદોમાંનો એક ગણ્યો છે. તેમાં દિલીપની ઉક્તિ એક આદર્શ પ્રજાપાલક પિતૃસમ રાજાની હૃદયસ્પર્શી ઉક્તિ છે. ‘क्षतात् किल त्रायत इत्युदग्रः क्षत्रस्य शब्दो भुवनेषु रुढः । राज्येन किं तद्विपरीतवृतैः प्राणैरुपक्रोशमलीमसैर्वा ।। આપત્તિમાંથી પરિત્રાણ કરે તે ક્ષત્રિય એવા મહાન અર્થમાં એ શબ્દ સમસ્ત ભુવનોમાં રૂઢ થયેલો છે. એ અર્થથી વિપરીત વર્તનવાળા માટે રાજ્ય હોય તોય શું ! અથવા નિન્દાથી મલિન બનેલા આ જીવતરનોયે શો અર્થ ?’ કાલિદાસનો આવો જ એક ઉત્તમ સંવાદ ‘કુમારસંભવ’ કાવ્યમાં ઉમા-બટુક સંવાદ છે. રઘુનો દિગ્વિજય, અજની સ્વયંવરયાત્રા, અજ-વિલાપ, દશરથની મૃગયા અને તે પછી રામચરિતનાં ચાર સર્ગ એ રઘુવંશનો ઉત્તમ ભાગ છે. તેમાં લંકાથી અયોધ્યા સુધીના રામના વિમાનપ્રવાસમાં મનોહર સ્થલચિત્રો અને વ્યક્તિચિત્રો છે.
ત્યક્તા સીતાએ રામને કહાવેલા સંદેશમાં સ્વમાનિની, પતિભક્ત સીતાનું કરુણમધુર ચિત્રણ છે. અહીં એકાકિની અસહાય સીતાના આક્રંદનું કરુણ ચિત્રણ હૃદયસ્પર્શી છે.
‘नृत्यं मयूरा कुसुमानि वृक्षा दर्भानुपात्तान् विजहुर्हरिण्यः ।
तस्याः प्रपन्ने समदुःखवभामत्यन्तमासीद् रुदितं वनेडपि ।।’
‘મયૂરો નર્તન કરતા અટકી ગયા. વૃક્ષો (જાણે આંસુ સારતાં હોય તેમ) પુષ્પો ખેરવવા લાગ્યાં. હરિણીઓએ મુખમાં લીધેલા દર્ભના કોળિયા છોડી દીધા. અને સીતાનું સમદુખિયું હોય એમ વનમાં પણ આક્રન્દ છવાઈ ગયું.’ કવિએ જ્યાં જ્યાં કરુણનું નિરૂપણ કર્યું છે ત્યાં તે ભાવોત્કટ રહ્યું છે. લવકુશ પછીના રાજાઓનું રેખાત્મક વર્ણન કરીને અંતે અતિકામી અગ્નિવર્ણના મૃત્યુના કરુણ પ્રસંગથી કાવ્ય પૂર્ણ કર્યું છે, પણ તેમાંય આપન્નસત્વા રાણીના અભિષેકરૂપ આશાનું કિરણ મૂકી કવિએ માનવજીવનના ઉત્થાનપતનની અનિશ્ચિતતા અને આશાવાદનો જાણે સંદેશ આપ્યો છે.
‘કુમારસંભવ’માં કવિપ્રતિભા પૂર્ણકલાએ વિકસી છે. કવિ કદાચ આ કાવ્યને પૂર્ણ કરી શક્યા નહિ હોય. શિવ-પાર્વતીવિવાહના વસ્તુને લઈ કવિએ આ દિવ્ય યુગલના મિલન દ્વારા અતિઉચ્ચ આદર્શ મનુષ્ય સામે મૂક્યો છે – ‘તપ અને શુદ્ધિ વડે જ સ્ત્રી-પુરુષમિલન પવિત્ર અને સત્ફલદાયી બને.’ પ્રથમ સર્ગનું હિમાલયનું પ્રકૃતિવર્ણન વિશ્વનાં ઉત્તમ નિસર્ગવર્ણનોમાંનું એક કહી શકાય. ‘કુમારસંભવ’ કાવ્યમાં અને ‘મેઘદૂત’માં કવિએ પ્રકૃતિને મનુષ્યની સમભાવી સખીરૂપે નિરૂપી છે. બ્રહ્મા અને વિષ્ણુની સ્તુતિઓ ભક્તિપ્રચુર સ્તોત્રો છે. ત્રીજા સર્ગમાં કામદેવનો ગર્વ એના ચરિત્રને અનુરૂપ વર્ણવાયો છે :
‘તારી કૃપા હોય તો હે મહેન્દ્ર ! ભલેને મારું ધનુષ્ય કોમળ પુષ્પોનું હોય તો પણ, માત્ર એકલા વસંતની સહાયથી પિનાકધારી હરને પણ ધૈર્યભ્રષ્ટ કરું, બીજા ધનુર્ધારીઓનો તો મને હિસાબ જ નથી.’ આ અભિમાનીને શિવે માત્ર એક ર્દષ્ટિપાતથી ભસ્મસાત્ કર્યો. પછીના રતિવિલાપની પશ્ચાદ્ભૂમિમાં ઉમાએ કરેલા તપના સંકલ્પમાં કવિએ ‘તપ:શુદ્ધ રૂપ જ સાચું અને અવન્ધ્ય રૂપ છે’ એ મહાન આદર્શ રજૂ કર્યો છે. રૂપથી શંકરને ન જીતાય. તપ વડે તેમને ખરીદી શકાય ખરા. સ્ત્રીપુરુષસંબંધનું આ મહાન સત્ય છે.
ઉમા-બટુક સંવાદ જગતસાહિત્યમાં સ્થાન પામે એવો છે. સંવાદને અંતે પાછી ફરતી ઉમાનું શબ્દચિત્ર કલ્પનારમ્ય છે. ‘તે શંકરને જોઈને ક્ષોભથી ધ્રૂજતી, આખે અંગે સ્વેદક્લિન્ન, આગળ વધવા સારુ એક પગ ઊંચકી સ્તબ્ધ થયેલી શૈલરાજપુત્રી ઉમા, વહેણના માર્ગમાં પર્વતનો પ્રતિરોધ આવતાં આકુળ થયેલી નદીની જેમ ન તો આગળ જઈ શકી કે ન તો ઊભી રહી શકી.’ પછી શંકરના અનુરોધથી કન્યાયાચના માટે અરુન્ધતી સહિત સપ્તર્ષિઓને આંગણે આવ્યા જોઈ હિમવાને ધન્યતા અનુભવી : ‘अद्यप्रभृति भूतानामभिगम्योडस्मि भूतये । यदध्यासितमर्हदभिस्तद्धि तीर्थं प्रचक्षते ।। – હવે આજથી હું સાચા અર્થમાં લોકો માટે કલ્યાણ સારુ આવવા યોગ્ય થયો. પૂજનીયો જ્યાં રહે તે જ તીર્થ એમ સૌ કહે છે;’ અને સપ્તર્ષિઓ પણ કહે છે, ‘તમારા જેવો કન્યાદાન કરનાર હોય, ઉમા વધૂ હોય, અમારા જેવા કન્યા યાચના કરનાર હોય અને વર તરીકે શંભુ હોય એવો આ વિધિ તમારા કુલની સર્વથા સમૃદ્ધિ કરવામાં પૂરતો છે.’ શિવવિવાહના વર્ણનમાં ભૂતગણો જોઈ છળી જતી નગરાંગનાઓનું ચિત્રણ તાર્દશ છે. પછી શિવપાર્વતીવિહાર અને અંતે કુમારજન્મનો સંભવ એમ આઠ સર્ગો પૂરા થાય છે. ‘કુમારસંભવ’ એ સૂચક અર્થધ્વનિ છે. આઠ સર્ગ પછી પાછળના સર્ગો જાણે લંગડાતા જોઈ લાગે કે કવિના અધૂરા કાવ્યને પૂર્ણ કરવાનો કોઈ કવિએ અસફળ પ્રયોગ કર્યો છે.
કવિનાં ત્રણ રૂપકો ‘માલવિકાગ્નિમિત્ર’, ‘વિક્રમોર્વશીય’ અને ‘અભિજ્ઞાનશાકુન્તલ’માંનું માલવિકાo એ જાણે કવિનો આરંભિક પ્રયાસ લાગે છે. કવિની નાટ્યપ્રતિભા ઉત્તરોત્તર વિકસતી ‘વિક્રમોર્વશીય’ પછી ‘શાકુન્તલ’માં પરિપક્વરૂપે વરતાય છે. નવયુવતી માલવિકા અને પ્રૌઢ અગ્નિમિત્રનો પ્રણયપ્રસંગ રાજનીતિપ્રેરિત વધારે લાગે છે. ‘વિક્રમોર્વશીય’માં પૃથ્વીપતિ પુરુરવા અને દિવ્યાંગના ઉર્વશીનું મિલન સ્વર્ગ અને પૃથ્વીના મિલન સમું અદભુત રમ્ય છે. ઉર્વશીને વારાંગનામાંથી વત્સલ ગૃહિણી બનાવીને કવિએ તેના પાત્રનું પૂર્ણ સ્વરૂપાન્તર કર્યું છે. વિરહોન્મત્ત પુરુરવાના વનભ્રમણ-ર્દશ્યમાં કવિએ રંગભૂમિ પર એક જ પાત્રના અભિનયનો વિરલ પ્રયોગ કર્યો છે. ‘માલવિકાગ્નિમિત્ર’ના સ્થૂળ પ્રેમચિત્રણમાંથી પ્રેમનું ઊર્ધ્વીકરણ ચિત્રિત કરવામાં અહીં કવિ એક ડગલું આગળ વધ્યા છે.
‘અભિજ્ઞાનશાકુન્તલ’ સમસ્ત સંસ્કૃત સાહિત્યની એક રમ્ય નાટ્યકૃતિ છે અને વિશ્ર્વસાહિત્યની કૃતિઓમાં નિર્વિવાદ સ્થાન પામી છે. નાટકનું કથાવસ્તુ મહાભારતના શકુન્તલોપાખ્યાનમાંથી લઈ કવિએ નાટ્યોચિત ફેરફાર સાથે તે રજૂ કર્યું છે. ‘तत्र रम्या शकुन्तला’ એ ઉક્તિ ચરિતાર્થ છે. શૃંગારના ચિત્રણમાં પણ કવિ ધર્મના આદર્શને ઉવેખતા નથી. આશ્રમકન્યા શકુન્તલા પ્રત્યેના ભાવોન્મેષથી સચેત થયેલ દુષ્યન્ત પોતાના ‘આર્ય મન’ના સાક્ષ્યને પ્રમાણ ગણે છે. ‘મારું આર્ય એટલે શુદ્ધ મન આ શકુન્તલાનો અભિલાષ કરે છે તેથી ચોક્કસ, આ આશ્રમકન્યા ક્ષત્રિયે સ્વીકારી શકાય એવી છે. સંદેહાસ્પદ વાતોમાં સત્પુરુષોના અંત:કરણની પ્રવૃત્તિ પ્રમાણભૂત ગણાય.’ યૌવનના ઉત્કટ આવેગમાં શકુન્તલાએ સ્વાર્પણ કર્યું તો તેને દુર્વાસાનો શાપ મળ્યો. ગમે તેવા આવેગમાં પણ અવશ્યકર્તવ્ય ધર્માચરણ કેમ ઉવેખાય ? પરિણામે પરિત્યાગ અને દીર્ઘ વિયોગ સહેવાનાં આવ્યાં. ધર્મભ્રંશનું પ્રાયશ્ચિત્ત પશ્ચાત્તાપ અને તપ. દુષ્યન્ત અને શકુન્તલાએ એ બેય દ્વારા દોષનિવારણ કર્યું. પશ્ચાત્તાપપરિપૂત રાજાએ શકુન્તલાની ક્ષમા માગી. ઉભયપક્ષે શુદ્ધ યુગલનું પુનર્મિલન થયું. મહર્ષિ કાશ્યપે સર્વદમન શકુન્તલા અને દુષ્યન્તના મિલનને શ્રદ્ધા, વિત્ત અને વિધિના મિલન સમું કહ્યું. તપ:શુદ્ધ પ્રેમના આદર્શને અહીં રજૂ કરીને કવિએ પ્રેમના ઊર્ધ્વીકૃત સ્વરૂપનું ચિત્રણ પૂર્ણ કર્યું છે.
કાલિદાસીય જ કહી શકાય એવી કવિની કેટલીક વિશેષતાઓ જોવા જેવી છે. પ્રસંગ, શ્ય કે પાત્રનું તેમનું નિરૂપણ કેવલ શબ્દભારવાળું કે શુષ્ક અર્થવાળું હોતું નથી. શિવપાર્વતીના અદ્વૈતસમું શબ્દ અને અર્થનું રમણીય સાહચર્ય કવિને સહજ છે. રઘુવંશના પ્રથમ શ્લોકમાં જ એમણે આ વાત સ્વયં કહી દીધી છે.
वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपतये ।
जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ ।।
કવિએ આ વાગ્વિશેષમાં ઉચિત રીતે જ શબ્દાર્થ-સાહચર્યને અર્ધનારીશ્વરના અદ્વૈત સમું કહ્યું. એમનું સર્જન સમગ્ર સૃષ્ટિનાં જનક પાર્વતીપરમેશ્વર જેવું ભવ્ય અને અમેય છે એ વાત આ ઉપમાની સાથે જ એમણે કહી દીધી. રમણીયતા, વિશાળતા અને પ્રસંગાનુકૂળતા એ એમની ઉપમાઓની વિશેષતા છે. એમની કેટલીક ઉપમાઓ તો સુરેખ ચિત્રાત્મકતાવાળી છે. ‘તે કૈલાસને ખોળે બેઠેલી, સરી પડેલા ગંગારૂપી દુકૂલવાળી અલકા, પ્રણયીને ખોળે રહેલી સ્રસ્તદુકૂલા રમણી જેવી હતી’ એ ઉપમામાં સુકુમારતાની સાથે ભવ્ય ચિત્રાત્મકતા પણ છે. ‘ગજરાજને શરીરે કરેલી ભસ્મરેખાઓ જેવી, વિન્ધ્યની પથરાળ તળેટીમાં વિખરાઈ ગયેલી નર્મદાનું ચિત્ર પણ આવું જ મનોહારી ઉપમાવાળું છે.’ ગ્રીવા વાંકી વાળીને વારંવાર જોતા, જાણે આકાશમાં જ વિહરતા હોય એવા અને મુખમાં લીધેલા દર્ભકોળિયાને શ્રમને લીધે ખૂલી ગયેલા મુખમાંથી વેરતા મૃગના વર્ણનમાં ચિત્રાત્મક ભાવોક્તિ છે. એમના અર્થાન્તરન્યાસો એટલા જ ભવ્ય હોય છે. ‘અન્ય સ્ત્રીનો જેણે વિચાર પણ ન કર્યો હોય એવો પતિ તને મળજો.’ એ શિવે પાર્વતીને આપેલા આશીર્વાદ વિશે કવિ કહે છે, ‘ઈશ્વરોનાં વચનો કદી વિપરીત અર્થવાળાં હોતાં નથી’ એ અર્થાન્તરન્યાસમાં શિવ અને પાર્વતી બન્નેયની ચારિત્ર્યભવ્યતાનું સુભગ મિલન છે. દેહલી પર મૂકેલાં પુષ્પોથી યક્ષિણી વિરહની અવધિની ગણતરી કરતી હતી. તે વિશે કવિએ કહ્યું, ‘મોટેભાગે પ્રિયવિયોગમાં સ્ત્રીઓ આવા મનોવિનોદ કરે છે.’ આ વાતની સર્વવ્યાપિતાની કલ્પના કવિએ સહજ સહાનુભૂતિપૂર્વક કહી.
કવિની સર્વકૃતિઓમાં ચારિત્ર્ય અને આચારની શુદ્ધિનો આદર્શ આલેખાયેલો છે. પ્રાસાદિક શૈલી, મનોરમ ધ્વનિ, રમણીય ઉપમાઓ, અર્થપૂર્ણ અર્થાન્તરન્યાસો, સરસ અલંકારયોજના, રમણીય પ્રકૃતિચિત્રણ, માનવીય સુખદુ:ખનું સમભાવયુક્ત ચિત્રણ અને બધા ગુણોને લીધે કાલિદાસ કવિકુલગુરુ કહેવાયા છે. વૈદર્ભી શૈલી એમને માટે એટલી તો સહજ છે કે વિવેચકોએ સાચું જ કહ્યું કે, ‘वैदर्भी कविता स्वयं वृतवती श्रीकालिदासं वरम् । – કાલિદાસ સમક્ષ કવિતાકામિનીએ પોતે જ પોતાનું સમગ્ર સૌન્દર્ય અનાવૃત કરી દીધું.’
તપસ્વી નાન્દી
નટવરલાલ યાજ્ઞિક