કાલબેલા (1983) : જાણીતા બંગાળી નવલકથાકાર સમરેશ મજમુદારની 1984નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કારપ્રાપ્ત નવલકથા. એની વિશેષતા એ છે કે એમાં નાયક કાળ છે અને કાળ કેવી રીતે પાત્રોને અને પ્રસંગોને ઘડતો જાય છે તેનું ગતિમાન ચિત્ર કથાકારે આપ્યું છે. કાળ જ બધું કરાવે છે; એનો દોરાયો જ પુરુષ દોરવાય છે. એનું પોતાનું કશું ચાલતું નથી. એ તો કાળનો બંદી છે. આ કથામાં બધાં જ પાત્રોની આ દશા છે. અહીં સાંપ્રતકાળમાં સામાજિક પરિવર્તનો કેવાં કેવાં થતાં ગયાં અને અનાયાસે જ માનવીઓ કાળની જોડે સંઘર્ષ કરવાની માથાકૂટ કર્યા વિના એ પરિવર્તનોને અનુકૂળ થઈ ગયાં તેનું રુચિર નિરૂપણ થયું છે. લેખકની ર્દષ્ટિ નવી છે. આઝાદી પછીના સમાજના આબેહૂબ અને સફળ ચિત્રાંકન માટે સમકાલીન બંગાળી સાહિત્યમાં આ કૃતિનું પ્રદાન અજોડ ગણાય છે.
ચન્દ્રકાન્ત મહેતા