કાલગણના (જ્યોતિષ) : સૂર્યચંદ્રના ભ્રમણથી થતા દેખીતા ફેરફારના આધારે સમયની ગણતરી કરવાની પ્રાચીન ભારતીય પદ્ધતિ. પૂર્વક્ષિતિજ ઉપર સૂર્ય આવતાં તેને સૂર્યોદય કહીએ છીએ અને પશ્ચિમ ક્ષિતિજ ઉપર ગયા પછી સૂર્ય દેખાતો બંધ થવા માંડે છે તેને સૂર્યાસ્ત કહીએ છીએ. સૂર્યાસ્ત થયા પછી ફરી સૂર્યનો ઉદય થાય તેટલા સમયને રાત્રિ કહીએ છીએ. આમ દિવસ અને રાત્રિના (એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય પર્યંતના) સમયને અહોરાત્ર કહીએ છીએ. અહોરાત્રને સાવનદિન પણ કહેવામાં આવે છે. સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધીના સમયની ઘટમાળને આધારે કાલગણનાનું મૂળ સ્વરૂપ સ્વીકારવામાં આવ્યું છે. એક અહોરાત્ર જેટલા સમયને એક ‘વાર’ એમ પણ કહે છે. સૂર્ય અને ચંદ્ર અંશ-કળા-વિકળા પ્રમાણે એકસરખા થઈ જાય ત્યારે રાત્રે ચંદ્ર બિલકુલ દેખાતો નથી તે અમાસ અને ત્યારપછી પૂનમના દિવસે આખી રાત દેખાતો રહે છે. આખી રાત ચંદ્ર દેખાયા પછી વળી પાછી અમાસ આવે છે. આમ એક અમાસથી બીજી અમાસ સુધીના સમયને (ચંદ્ર સંબંધી માસ હોવાથી) ચાંદ્રમાસ કહે છે.
જેમ સૂર્યના ઉદય-અસ્તને લક્ષ્ય કરી સાવનદિન ગણવામાં આવે છે, તેમ સૂર્યના એક રાશિથી બીજી રાશિ સુધીના ભ્રમણકાળમાં 30 અંશ થતા હોવાથી સૂર્યના એક અંશ જેટલા ભ્રમણકાળને સૌરદિન કહેવામાં આવે છે.
અમાસના દિવસે સૂર્ય-ચંદ્ર ભેગા થયા બાદ સૂર્ય કરતાં ચંદ્રની ગતિ વધારે હોવાથી સૂર્ય અને ચંદ્ર વચ્ચેનું અંતર બાર અંશ થતાં તેને એક તિથિ અથવા ચાંદ્રદિન કહેવામાં આવે છે. એક અમાસથી બીજી અમાસ સુધીમાં 30 તિથિ થતી હોવાથી અને રાશિના 30 અંશ હોવાથી 30 સંખ્યાને માસવાચક ગણી ચાંદ્રમાસ અને સૌરમાસ (30 તિથિનો ચાંદ્રમાસ અને 30 અંશનો એટલે એક સંક્રાંતિનો એક સૌરમાસ) ગણાય છે. આવા બાર માસના એક ચક્રના અંતે ફરી સૂર્યની એની એ જ રાશિ આવતી હોવાથી અને તેટલા સમયમાં શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ત્રણ મુખ્ય ભાગ (ઋતુ) વારંવાર આવતા હોવાથી વર્ષને એક આધારભૂત સંખ્યા માની તેના આધારે સૃષ્ટિના આરંભથી આજ સુધીમાં કેટલાં વર્ષો થયાં હશે અને આગળ કેટલાં વર્ષો સુધી સૃષ્ટિનું અસ્તિત્વ રહેશે વગેરે અંગેની કાલગણનાની ઝીણી ઝીણી બાબતો ઉપર લક્ષ આપવામાં આવ્યું છે.
એક સાવનદિનના આધારે સૃષ્ટિના આરંભકાળથી સૃષ્ટિના અંતકાળ પર્યંતની મોટામાં મોટી સંખ્યાને જાણવા માટે અનેક સંખ્યાઓને અમુક અમુક સંજ્ઞાઓથી ઓળખવામાં આવી છે. એવી રીતે સાવનદિનના – સૌરદિનના સૂક્ષ્મમાં સૂક્ષ્મ પર્યંતની સંજ્ઞાઓને જુદી જુદી સંજ્ઞાઓથી દર્શાવવામાં આવી છે. આમાંથી ભારતીય પદ્ધતિ મુજબ દિવસ, પ્રહર, મુહૂર્ત (એક કાલસંજ્ઞા), ઘટિકા, પળ, વિપળ ઇત્યાદિ વિભાગો અથવા આધુનિક પદ્ધતિ મુજબ દિવસ, કલાક, મિનિટ, સેકન્ડ વગેરે વિભાગો જાણીતા થયા છે.
ભારતીય પદ્ધતિમાં ત્રુટીથી લઈ કલ્પ પર્યંતના વિભાગો ઠરાવેલા છે. જ્યોતિષીઓએ આકાશમાં ભ્રમણ કરતા ગ્રહો જ્યારે એક બિન્દુ ઉપર આવી જાય અને એક સૂત્રમાં પરોવાયેલા મણકાની માફક દેખાય તે સમયને યુગ એવી સંજ્ઞા આપી છે અને આ યુગના આધારે કલ્પ પર્યંતના એટલે કે સૃષ્ટિના આરંભકાળથી અંતકાળ પર્યંતના સમયની ગણના ઠરાવેલી છે. ભારતીય પદ્ધતિ મુજબ કાલગણનામાં પ્રાણ અથવા અસુથી ગણાતો કાળ મૂર્ત એટલે દેખાઈ આવે તેવો ગણ્યો છે. ત્રુટી ઇત્યાદિ કાળ અમૂર્ત એટલે ન દેખાય એવો ગણ્યો છે. 6 પ્રાણ અથવા અસુની એક પળ થાય છે. 60 પળની એક ઘડી થાય છે. 60 ઘડીનો નાક્ષત્ર – અહોરાત્ર થાય છે. 30 અહોરાત્રનો એક માસ થાય છે.
અહીં તંદુરસ્ત માણસ સ્વસ્થતાપૂર્વક આરામથી બેઠો હોય ત્યારે તેનો એક શ્વાસોચ્છવાસ થવામાં જેટલો સમય થાય તેને પ્રાણ કહ્યો છે.
નાક્ષત્ર અહોરાત્ર એટલે ક્ષિતિજ ઉપર ઊગેલું નક્ષત્ર બીજા દિવસે ક્ષિતિજ ઉપર ઊગે તે વચ્ચેનો સમય. આનું કોષ્ટક નીચે મુજબ છે :
1 પ્રાણ = 4 સેકન્ડ = 10 દીર્ઘ અક્ષર બોલવા જેટલો સમય
6 પ્રાણ = 24 સેકન્ડ = 60 દીર્ઘ અક્ષર બોલવા જેટલો સમય = 1 પળ
60 પળ = 24 મિનિટ = 1 ઘડી
60 ઘડી = 24 કલાક = (નક્ષત્ર) અહોરાત્ર
30 અહોરાત્ર = 1 (નક્ષત્ર) માસ
એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધીના કાળને એક સાવન-અહોરાત્ર કહે છે અને એક તિથિને (અમાવાસ્યાએ સૂર્ય-ચંદ્ર રાશ્યાદિ વિકળા પર્યંત સરખા થયા બાદ ચંદ્રની ગતિ વધારે હોવાથી તે આગળ વધતાં 12 અંશ જેટલું અંતર થાય તેટલા સમયને) ચાંદ્ર-અહોરાત્ર કહે છે. 30 સાવન-અહોરાત્રનો એક સાવનમાસ થાય છે. 30 ચાંદ્ર-અહોરાત્રનો એક ચાંદ્રમાસ થાય છે. સૂર્ય એક સંક્રાંતિ પૂરી કરે તેટલા સમયને સૌરમાસ કહે છે. આવી જ રીતે મેષથી મીન પર્યંતના ચંદ્રના ભ્રમણને નાક્ષત્રમાસ કહે છે. વ્યવહારમાં કાર્તિકાદિ માસ ચાંદ્ર છે.
મેષાદિ સંક્રાંતિના આધારે સૌરમાસ ગણાય છે.
બાર મહિનાનું એક વર્ષ થાય છે.
આ પ્રમાણેની ગણતરીનું એક સૌરવર્ષ તેને દિવ્ય (દેવલોકનો) દિવસ કહે છે. જે દેવતાઓનો દિવસ છે તે અસુરોની રાત્રિ છે. દિવસ અને રાત્રિ મળીને એક અહોરાત્ર થાય. આવા 360 દિવસનું એક દિવ્ય વર્ષ થાય છે. આને આસુર વર્ષ પણ કહે છે.
આવાં 12,000 દિવ્ય વર્ષોનો એક ચતુર્યુગ થાય છે. અર્થાત્ 43,20,000 સૌરવર્ષનો એક ચતુર્યુગ થાય છે. ચતુર્યુગને મહાયુગ પણ કહે છે.
એક ચતુર્યુગમાં 1, 3/4, 1/2, 1/4 એમ ક્રમથી ધર્મનું પ્રમાણ રહે છે અને તે પ્રમાણે તેના ભાગ પાડી કૃતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગ એવા ચાર ભાગ પડે છે.
આ દરેક વિભાગ પોતાના સંધિભાગ સાથે હોય છે. મહાયુગના
એક ચતુર્યુગ = એક મહાયુગ = 12,000 દિવ્યવર્ષ; તેથી
12,000 ÷ 10 x 4 = 4800 દિવ્યવર્ષ કૃતયુગ
12,000 ÷ 10 x 3 = 3600 દિવ્યવર્ષ ત્રેતાયુગ
12,000 ÷ 10 x 2 = 2400 દિવ્યવર્ષ દ્વાપરયુગ
12,000 ÷ 10 x 1 = 1200 દિવ્યવર્ષ કલિયુગ
4800 ÷ 6 = 800 દિવ્યવર્ષ કૃતયુગની આદિ તથા અંતની સંધિનું માપ
3600 ÷ 6 = 600 દિવ્યવર્ષ ત્રેતાયુગની આદિ તથા અંતની સંધિનું માપ
2400 ÷ 6 = 400 દિવ્યવર્ષ દ્વાપરયુગની આદિ તથા અંતની સંધિનું માપ
1200 ÷ 6 = 200 દિવ્યવર્ષ કલિયુગની આદિ તથા અંતની સંધિનું માપ
દશમા ભાગને ચાર, ત્રણ, બે અને એકથી ગુણીએ એટલે કૃતયુગાદિ યુગોનું માપ આવે છે. દરેક યુગ પોતાના ષષ્ઠાંશ જેટલી સંધિથી યુક્ત હોય છે.
માટે
4800 x 360 = 17,28,000 (સત્ય) કૃતયુગ
3600 x 360 = 12,96,000 ત્રેતાયુગ
2400 x 360 = 8,64,000 દ્વાપરયુગ
1200 x 360 = 4,32,000 કલિયુગ
12,000 x 360 = 43,20,000 = મહાયુગ (ચતુર્યુગ)
આ બધી સૌરવર્ષ અનુસારની સંખ્યા હોય છે.
71 મહાયુગનો એક મન્વન્તર થાય છે. મન્વન્તરને અંતે કૃતયુગ જેટલા વર્ષની સંધિ હોય છે. આ સંધિકાળમાં જગતમાં જલપ્લવ હોય છે જેને સામાન્ય રીતે જળપ્રલય કહેવામાં આવે છે. આ મહાપ્રલય નથી. પૃથ્વી ઉપર સર્વત્ર પાણી ફરી વળે છે. પ્રલયનો અંત થતાં પાછી પૃથ્વી થઈ જાય છે અને સ્થાવરજંગમ સૃષ્ટિ થાય છે. આ સંધિકાળનો સમય સત્યયુગ જેવડો અર્થાત્ 17,28,000 સૌરવર્ષનો કહ્યો છે. પ્રત્યેક મનુના અંતમાં આવડો મોટો સંધિકાળ આવે છે.
એક કલ્પમાં સંધિ સહિત ચૌદ મનુ થાય છે. કલ્પના આરંભમાં કૃતયુગના જેવડો એક સંધિકાળ હોય છે. આમ ચૌદ મનુની ચૌદ સંધિ સાથે મળી કુલ પંદર (સતયુગ અથવા કૃતયુગ) સંધિકાળ થાય છે અને ચૌદ મનુ તેમજ પંદર સંધિકાળ મળી એક કલ્પ થાય છે. આ પ્રમાણે એક હજાર મહાયુગનો એક કલ્પ, જે મહાભૂતોનો નાશકર્તા મહાપ્રલય છે તે થાય છે. એક કલ્પ એટલે બ્રહ્માજીનો એક દિવસ અને બીજો કલ્પ એટલે રાત્રિ, આમ એક અહોરાત્ર બે કલ્પનો થાય છે. દિવસના આરંભે સૃષ્ટિ થાય છે. રાત્રિના આરંભે સૃષ્ટિનો લય થઈ, રાત્રિકાળ દરમિયાન મહાપ્રલય રહે છે.
71 મહાયુગ = 1 મનુ
14 મનુ (સંધિસહિત) = 1 કલ્પ (આરંભ સંધિસહિત)
71 મહાયુગ x 14 + 14 કૃતયુગ + 1 કૃતયુગ = 1 કલ્પ
43,20,000 x 71 x 14 + 15 કૃતયુગ = 1 કલ્પ
43,20,000 x 71 x 14 = 4,29,40,80,000
17,28,000 x 15 = 2,59,20,000
4,29,40,80,000 + 2,59,20,000 = 4,32,00,00,000 = 1 કલ્પનાં સૌરવર્ષ
43,20,000 વર્ષનો એક મહાયુગ થાય છે. તેથી 2,59,20,000 ÷ 43,20,000 = 6
71 મહાયુગ x 14 + 6 મહાયુગ = 994 + 6 = 1000 મહાયુગ = 1 કલ્પ
આવી અહોરાત્રની સંખ્યાથી થનારા વર્ષ પ્રમાણે સો વર્ષનું બ્રહ્માનું આયુષ્ય હોય છે. તેમાંથી અર્ધું આયુષ્ય ગયું છે અને એકાવનમા વર્ષનો પ્રથમ કલ્પ (દિવસ) ચાલે છે.
આ વર્તમાન કલ્પમાં સંધિસહિત છ મનુઓ થઈ ગયા છે અને સાતમા વૈવસ્વત મનુના સત્તાવીશ મહાયુગ પણ ગયા છે. અઠ્ઠાવીસમો મહાયુગ ચાલે છે. તેનો કૃતયુગ ગયો છે. એટલે કાળની ગણતરી કાઢવી હોય તો તે બધી સંખ્યાઓનો સરવાળો કરવો.
એક કલ્પમાં ચૌદ મનુઓ થાય છે એમ પ્રથમ કહેવાઈ ગયું છે. તેમનાં નામ – (1) સ્વાયંભુવ, (2) સ્વારોચિષ, (3) ઉત્તમ, (4) તામસ, (5) રૈવત, (6) ચાક્ષુષ, (7) વૈવસ્વત, (8) સાવર્ણિ, (9) દક્ષ સાવર્ણિ, (10) બ્રહ્મ સાવર્ણિ, (11) ધર્મ સાવર્ણિ, (12) રુદ્ર સાવર્ણિ, (13) રૌચ્ય દેવ સાવર્ણિ અને (14) ભૌત્યક-ઇન્દ્ર સાવર્ણિ.
છ મનુઓ થઈ ગયા છે. તેથી તેમના કાળનો સંધિઓ સાથે તેમ જ કલ્પાદિ સંધિ સાથે સરવાળો કરવો. તેમાં વર્તમાન મનુ(વૈવસ્વત)ના સત્તાવીશ મહાયુગ ઉમેરી દેવા અને તેના પહેલાં ત્રણ યુગ પણ ગયા છે, તેથી તેમનાં વર્ષ પણ ઉમેરી દેવાં. જો ઈસવી સનના આરંભ સુધીની સંખ્યા લાવવી હોય તો તેમાં ઈસવી સનના આરંભ સુધીનાં ગત કલિનાં વર્ષ ઉમેરવાં જોઈએ.
સંધિસહિત 6 મનુઓ અને એક આરંભ સંધિ = 6 મનુકાળ. 1 મનુ = 71 મહાયુગ; 1 સંધિ = 1 કૃતયુગ = 17,28,000 સૌરવર્ષ. 1 મહાયુગ = 43,20,000 સૌરવર્ષ. 6 મનુઓની 6 સંધિ + 1 આરંભ સંધિ = 7 સંધિ.
43,20,000 x 71 x 6 = છ મનુનો કાળ = 1,84,03,20,000
અને 17,28,000 x 7 = 7 સંધિઓનો કાળ = 1,20,96,000
43,20,000 x 27 = ગત મહાયુગનો કાળ = 11,46,40,000
અને 1 કૃતયુગ + 1 ત્રેતાયુગ + 1 દ્વાપરયુગ = 38,88,000
1,97,09,44,000 = અઠ્ઠાવીસમા મહાયુગના કલિયુગઆરંભે કાળ વર્તમાનમાં કલિયુગ ચાલે છે તેના આરંભનાં 3101 વર્ષ પછી ઈસવી સનનો આરંભ થયો છે. તેથી ઉપર કહેલ અઠ્ઠાવીસમા મહાયુગની ત્રણ યુગની સમાપ્તિ પછીનાં 3101 + વર્તમાનનાં ઈ. સ.ના 2005નું વર્ષ ચાલુ હોવાથી 3101 + 2005 = 5106 ઉમેરીએ તો વર્તમાન 1992ના વર્ષમાં કલ્પારંભથી ગયેલાં વર્ષની સંખ્યા 1,97,09,44,000 + 5106 = 1,97,09,49,106 કલ્પારંભથી વર્ષ થાય.
આ ગણતરી પ્રમાણે ભારતીય ધર્મશાસ્ત્રીય કૃત્યોમાં સંકલ્પ વખતે કાલનિર્દેશ કરવાની પરિપાટી આજ સુધી ચાલુ છે. આમ સંકલ્પમાં જણાવાતા કાલનિર્દેશ મુજબ બ્રહ્માના દિવસના ઉત્તરાર્ધના શ્રી શ્વેતવારાહ કલ્પના અઠ્ઠાવીસમા મહાયુગમાં કલિયુગમાં કલિના પ્રથમ ચરણમાં શાલિવાહન શક, અયન, ઋતુ, માસ, પક્ષ, તિથિ અને વાર પર્યંતનો ઉલ્લેખ હોય છે.
સાવનમાસ 30 દિવસનો થાય છે. ચાંદ્રમાસ 29.5 દિવસનો થાય છે. સૌરમાસ 31.5 દિવસનો થાય છે અને નાક્ષત્રમાસ 27 દિવસનો થાય છે. ચાંદ્રમાસનું પ્રમાણ 29 દિ. 12 ક. 44 મિ. 28 સે. છે. નાક્ષત્રમાસનું પ્રમાણ 27 દિ. 7 ક. 43 મિ. 11.5 સે. છે.
હિંમતરામ જાની