કાર્વર, જ્યૉર્જ વૉશિંગ્ટન (જ. 1864, યુ. એસ.; અ. 5 જાન્યુઆરી 1943, અલાબામા, યુ. એસ.) : અશ્વેત જાતિના ઉત્થાનમાં અનન્ય ફાળો આપનાર અમેરિકાવાસી હબસી વનસ્પતિવૈજ્ઞાનિક. પિતા એક જમીનદારને ત્યાં ગુલામ હતા. ત્યાંથી ઘણા માઈલો દૂર તેમની માતા મૅરી જર્મન ખેડૂતને ત્યાં નોકરનું કામ કરતી હતી. જ્યૉર્જના બચપણમાં જ મૅરીને લૂંટારા ઉપાડી ગયા હતા. ગુલામીમાં સબડતા જ્યૉર્જને પાંચ-છ વર્ષનો થયો ત્યારથી જ ખેતીની કમરતોડ મજૂરીમાં જોડાવું પડ્યું હતું. તેમના દૂબળા, પાતળા, માંદલા, બેડોળ, કાળા દેહમાંની તેજસ્વી આંખો કોઈનું પણ ધ્યાન ખેંચે તેવી હતી.

આ સમયે અમેરિકામાં ગુલામીનાબૂદીનો પવન ફૂંકાયો હતો. સદભાગ્યે જ્યૉર્જને તેમની માલિકણ સુઝન અને પડોશણ મૂલરની હૂંફ અને સ્વિસ ખેડૂત હર્મન જેગર તથા માર્ટિન દંપતીનું ભણવા માટે પ્રોત્સાહન મળેલું હતું.

જ્યૉર્જ વૉશિંગ્ટન કાર્વર

તેજસ્વી પ્રતિભા, ખૂબ મહેનત અને ખંતથી અભ્યાસ કરીને 1894માં સ્નાતક બનેલ જ્યૉર્જને, સામોવા સ્ટેટ કૉલેજમાં પ્રાધ્યાપકની નિમણૂક મળી. તે સમયે તે એક ઘણી મોટી સિદ્ધિ ગણાતી. થોડા વખત પછી બીજું આમંત્રણ મળ્યું, રાજ્યનું ટસ્કેજી, આલ્બામામાં અશ્વેત વસતિના ઉત્થાન માટે રચનાત્મક કાર્ય કરતી સંસ્થામાંથી બ્રુકર ટી. વૉશિંગ્ટનનો, તે સંસ્થામાં કામ કરવા માટેના આમંત્રણનો પત્ર જ્યૉર્જને મળ્યો. પત્રનો છેલ્લો ફકરો હતો : ‘ધન, પ્રતિષ્ઠા અને મોભો છોડી હું તમને વૈતરું… કાળી મજૂરી કરવા આમંત્રણ આપું છું… કચડાયેલી, તરછોડાયેલી, ભાંગી પડેલી પ્રજાને બેઠી કરવા.’ જ્યૉર્જના જાગેલ ખમીરે બધી દુન્યવી સાહ્યબી છોડીને આ સ્વીકાર્યું. તેમણે લખ્યું : ‘હું આવીશ.’ ત્યાં મહાસંઘર્ષમય જીવન વચ્ચે, વૈજ્ઞાનિક દૃષ્ટિ અને પ્રયોગોથી જ્યૉર્જે પોતાના જાતભાઈઓના ઉત્થાન માટે અપરંપાર સિદ્ધિઓ મેળવી. દા.ત., મગફળીનું ઉત્પાદન વધી ગયું અને બજાર ન મળ્યું ત્યારે મગફળી જેવી એક જ વસ્તુમાંથી ખાવાપીવાની અનેક વાનગીઓ ઉપરાંત તેમાંથી રંગ, રસાયણ, દવાઓ, કાપડ આદિ સેંકડો વસ્તુઓ બનાવીને વ્યવહારમાં મૂકી.

વનસ્પતિસૃષ્ટિ સાથેનું તાદાત્મ્ય, અદમ્ય જ્ઞાનપિપાસા, પોતાની જાતિની સેવા માટે જ્વલંત કારકિર્દીનો ત્યાગ, ધન વિશેની નિ:સ્પૃહતા અને સંસારસુખ પ્રત્યે ઉદાસીનતા કાર્વરને ઋષિ તરીકે સ્થાપે છે.

ગાંધીજીની માફક કાર્વર પણ સમયની કિંમત આંકનાર, નકામી વસ્તુનો સદ્ઉપયોગ કરનાર, નાતજાત, દેશવિદેશ કે ગરીબ-તવંગરનો કશો ભેદ રાખ્યા વિના બધાની એકસરખી નિ:સ્વાર્થ સેવા કરનાર અને માનવ ઉપરાંત તમામ પ્રાણી પ્રત્યે પ્રેમ રાખનાર દેવદૂત જેવા હતા.

નટવરલાલ પુ. મહેતા