કાર્લ રીટર (જ. 7 ઑગસ્ટ 1779, ક્વેડિંગબર્ગ, જર્મની; અ. 28 સપ્ટેમ્બર 1859, બર્લિન, જર્મની) : વિખ્યાત જર્મન ભૂગોળવેત્તા તથા આધુનિક ભૂગોળવિજ્ઞાનના અગ્રેસર. શરૂઆતનું શિક્ષણ ગોથા પાસેના શુએફેન્થાલ ખાતે. ત્યાં તેમના પર જર્મન દાર્શનિક જોહાન ગૉટફ્રીડ વૉન હર્ડર, ફ્રેંચ દાર્શનિક રૂસો તથા સ્વિટ્ઝર્લૅન્ડના જાણીતા શિક્ષણવિદ્ જોહાન હેન્રિચ પેસ્ટાલોઝીની વિચારસરણીનો પ્રભાવ પડ્યો. માનવ અને પર્યાવરણ વચ્ચેના પારસ્પરિક, જન્મજાત અને સઘન સંબંધો પ્રત્યે તેમની સભાનતા જેમ જેમ વધતી ગઈ તેમ તેમ તે ભૂગોળ પ્રત્યે વિશેષ આકર્ષાયા. શિક્ષણકાળ દરમિયાન શિક્ષકો ભૂગોળ વિષયના વિદ્યાર્થીઓને શિક્ષણના અગત્યના ભાગ તરીકે આજુબાજુના પ્રદેશોના શૈક્ષણિક પ્રવાસે લઈ જતા. તે દરમિયાન માનવ અને પ્રકૃતિ વચ્ચેના સંબંધોમાં ગોઠવાયેલી પદ્ધતિસર વ્યવસ્થાના સૂક્ષ્મ નિરીક્ષણમાંથી રીટરે ભૂગોળને લગતા કેટલાક સિદ્ધાંતો તારવેલા છે. ઉચ્ચ શિક્ષણ દરમિયાન તેમણે ગણિત અને દર્શનશાસ્ત્ર ઉપરાંત ઇતિહાસ, પ્રાકૃતિક વિજ્ઞાન તથા ધર્મશાસ્ત્રનો પણ અભ્યાસ કર્યો હતો. યુરોપ ખંડની ભૂગોળને લગતા તેમના બે ગ્રંથો અનુક્રમે 1804 અને 1807માં; તથા 1806માં યુરોપના છ નકશાની શ્રેણી પ્રકાશિત થઈ. 1817માં ભૂગોળને લગતા પદ્ધતિશાસ્ત્ર (methodology) અંગે તેમના કેટલાક સંશોધનલેખો પ્રસિદ્ધ થયા. તેઓ ગટિન્જન યુનિવર્સિટી સાથે સંકળાયેલા હતા તે ગાળામાં ‘Erdkunde’ નામથી વિખ્યાત થયેલી તેમની ગ્રંથશ્રેણીનો આફ્રિકા ખંડને લગતો પ્રથમ ગ્રંથ અને ત્યાર પછી બીજો ગ્રંથ એશિયા ખંડની ભૂગોળને લગતો પ્રસિદ્ધ થયો. 1820માં તેમની નિમણૂક તે સમયે નવી જ સ્થપાયેલી બર્લિન યુનિવર્સિટી ખાતે ભૂગોળના પ્રથમ પ્રોફેસર તરીકે થઈ. ભૂગોળના શિક્ષક અને દાર્શનિક તરીકે તેમણે આ પદ તેમના અવસાન સુધી (1859) શોભાવ્યું. 1832-59ના ગાળા દરમિયાન ગ્રંથશ્રેણીના અન્ય કેટલાક ગ્રંથો પ્રકાશિત થયા પરંતુ 1859માં તેમના અવસાનને કારણે સમગ્ર શ્રેણી પૂર્ણ થઈ શકી ન હતી. વીસ હજાર પાનાં ધરાવતા જે 19 ગ્રંથો પ્રકાશિત થયા તેમાંના કેટલાક મુખ્યત્વે એશિયાખંડ વિશેના છે.
આધુનિક ભૂગોળવિજ્ઞાનના બીજા સહસંસ્થાપક ઍલેક્ઝાંડર વૉન હમ્બોલ્ટની વિચારસરણીની રીટરનાં લખાણો પર સ્પષ્ટ છાપ દેખાઈ આવે છે. પોતાના કરતાં દસ વર્ષ મોટા હમ્બોલ્ટને રીટર પોતાના ગુરુ માનતા હતા.
ભૂગોળ અનુભવજન્ય, પ્રાયોગિક અને વર્ણનાત્મક વિજ્ઞાન છે, જે પ્રાકૃતિક સ્થળને લગતા સ્થાનિક, આકારનિષ્ઠ તથા ભૌતિક લક્ષણોના વિવરણ અને વિશ્લેષણ સાથે સંબંધ ધરાવે છે એવી તેમની દૃઢ માન્યતા હતી. તેમણે લખાણોમાં ભૂમિ અને તેના પરના રહેવાસીઓના પારસ્પરિક સંબંધોની ઘનિષ્ઠતા પર સવિશેષ ભાર મૂક્યો અને તે માટે અનુભવજન્ય (empirical) પદ્ધતિનો ઉપયોગ કર્યો. તેમના મંતવ્ય મુજબ ભૂપૃષ્ઠ પર બનતી ઘટનાઓને પૃથ્વી પર બનતી ઘટનાઓના સમગ્ર સંદર્ભથી સમજી શકાય. તેથી જ ભૂગોળ એ અનુભવજન્ય વિજ્ઞાન છે અને તેનો અભ્યાસ નિદર્શન પર આધારિત હોવો જોઈએ તેવી તેમણે રજૂઆત કરી.
પૃથ્વીની સપાટી પર જુદા જુદા સ્તરે પ્રાણીઓ તથા ભૌતિક ઘટકોના પ્રાદેશિક સમૂહોને લગતો તેમનો સ્થળલક્ષી છતાં સર્વગ્રાહી ખ્યાલ એ ભૂગોળશાસ્ત્રમાં તેમનું આગવું યોગદાન ગણાય છે. તેમના પરિશ્રમને લીધે જ ભૂગોળ વિષયને પદ્ધતિસર માળખું (systematic frame) પ્રાપ્ત થયું એવું તદ્વિદોએ સ્વીકાર્યું છે.
કૃષ્ણમૂર્તિ કુલકર્ણી
અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે