કાર્બોરેન : C2B2nH2n+2 સામાન્ય સૂત્ર (n = 3થી 10) ધરાવતાં કાર્બન, બોરોન અને હાઇડ્રોજનયુક્ત કાર્બધાત્વિક સંયોજનોનો સમૂહ. C2H10O12 એક અગત્યનું સંયોજન છે જેને o-કાર્બોરેન કહેવામાં આવે છે. તે બોરોન અને કાર્બન પરમાણુઓના જાળયુક્ત બહુફલકીય (polyhedral) આણ્વીય સંરચના ધરાવે છે, જેમાં કાર્બન પરમાણુઓ નજીક નજીક 1, 2 અથવા દૂર દૂર 1, 7 હોય. કાર્બોરેન અને બોરેન્સ એક સામાન્ય બંધારણીય સંરચના ધરાવે છે. તેમને એસેટિલીન અથવા તેનાં વ્યુત્પન્નો સાથે બોરોન હાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયાથી મેળવવામાં આવે છે.
o-કાર્બોરેન સહેલાઈથી બનાવી શકાતો હોવાથી અને તે વધુ સ્થિર હોવાથી તેનો વધુ અભ્યાસ થયેલો છે. તેમાંથી અન્ય કાર્બોરેન વ્યુત્પન્નો બનાવી શકાય છે. કાર્બોરેન સંક્રમણ ધાતુ આયનો સાથે પ્રક્રિયા કરી નવા પ્રકારનાં સંકીર્ણો બનાવે છે, જે ઉદ્દીપક તરીકે ઘણાં ઉપયોગી છે.
ઈન્દ્રવદન મનુભાઈ ભટ્ટ