કાર્બોરન્ડમ : પાઉડર, કાગળ કે ચક્રસ્વરૂપે મળતો અપઘર્ષક (abrasive). સિલિકોન કાર્બાઇડ બજારમાં કાર્બોરન્ડમના નામથી મળે છે. તે ઉષ્માસહ પદાર્થ (refractory material) તરીકે પણ વપરાય છે. કાર્બોરન્ડમ 2315o સે. જેટલું તાપમાન સહન કરી શકે છે. રસાયણશાસ્ત્રમાં તેની સંજ્ઞા SiC છે. તેની સંરચનામાં સિલિકોન અને કાર્બનતત્વો રહેલાં છે. શુદ્ધ સિલિકોન કાર્બાઇડમાં 70 % સિલિકોન અને 30 % કાર્બનનું પ્રમાણ હોય છે; પરંતુ બજારમાં મળતા કાર્બોરન્ડમમાં સિલિકોનનું પ્રમાણ ઓછું હોય છે. તેમાં થોડા પ્રમાણમાં લોખંડનો ઑક્સાઇડ (iron oxide) હોય છે. મોહ સ્કેલ પર તેની કઠિનતા (hardness) 9.5 છે. રેતી, કોલસો અને લાકડાના વહેરને સાથે બાળીને સિલિકોન કાર્બાઇડ બનાવવામાં આવે છે. આ પ્રક્રિયામાં પ્રદ્રાવક (flux) તરીકે મીઠું (salt) વાપરવામાં આવે છે. સિલિકોન કાર્બાઇડની બનાવટમાં 2204o સે. તાપમાન જાળવવામાં આવે છે. કાર્બોરન્ડમની શોધ 1891માં ઈ. જી. અચેસને કરી હતી. સિલિકોન કાર્બાઇડ, ઍલ્યુમિનિયમ ઑક્સાઇડ કરતાં કઠિન છે.
ગ્રાઇન્ડિંગ વ્હિલ બનાવવામાં સિલિકોન કાર્બાઇડ વપરાય છે. કાર્બોરન્ડમ, જુદી જુદી ગ્રેઇન સાઇઝ(grit)ના હોય છે. આ કાર્બોરન્ડમ અપઘર્ષક કણો(grit)ને તેના કદ માટે નંબર આપવામાં આવે છે. જેમ કણ નાના તેમ તેનો નંબર મોટો અને જેમ કણ મોટા તેમ નંબર નાનો. ગ્રૅનાઇટના સમાપન (polish) માટે 70થી 90ની ગ્રેઇન સાઇઝ ઉપયોગમાં લેવાય છે. સિલિકોન કાર્બાઇડ બજારમાં જુદા જુદા નામે મળે છે; દા. ત., કાર્બેક્સ એ સિલિકોન કાર્બાઇડની અગ્નિજિત ઈંટો (fire bricks) છે, કાર્બોરન્ડમ કંપનીનું સિલિકોન કાર્બાઇડનું નામ કૅરોકાર્બો છે, જે ક્યુપોલા ચાર્જમાં ડિઑક્સિડાઇઝર તરીકે વપરાય છે.
એન. જે. માણેક