કાર્પ્યુ, જ્યાં બાપ્તિસ્તે

January, 2006

કાર્પ્યુ, જ્યાં બાપ્તિસ્તે [જ. 11 મે 1827, વાલેન્સિનેન (Valencinennes), ફ્રાંસ; અ. 12 ઑક્ટોબર 1875, ફ્રાંસ] : ઓગણીસમી સદીના ફ્રાંસનો પ્રમુખ શિલ્પી.

ફ્રેન્ચ શિલ્પી ફ્રાંસ્વા રુદ હેઠળ તાલીમ મેળવ્યા બાદ કાર્પ્યુને ‘રોમ પ્રાઇઝ’ મળ્યું. આ ખિતાબ જીતવા બદલ તેને 1854થી 1861 સુધી રોમમાં નિવાસ કરવાની તક મળી. રોમ જઈ તેણે માઇકૅલેન્જેલો, દોનાતેલ્લો અને વેરોકિયોના શિલ્પોનો અભ્યાસ કર્યો. એ ત્રણ મહાશિલ્પીઓના સર્જનમાંથી પ્રેરણા લઈ તેણે શરીરસૌષ્ઠવ ધરાવતા નગ્ન માનવોને શિલ્પોમાં આલેખવા શરૂ કર્યા. કાંસામાંથી તેણે સર્જેલું શિલ્પ

કાર્પ્યુનું એક શિલ્પ : ‘ધ ડાન્સ’

‘ઉગોલિનો ઍન્ડ હિઝ સન્સ’ (1861) પૅરિસના ‘તુઇલેરિ’ (Tuileries) બગીચામાં ગોઠવવામાં આવ્યું છે. નેપોલિયોં ત્રીજાને આત્યંતિક માનસિક તણાવ હેઠળ તંગ મનોદશા ધરાવતા માનવીઓને આલેખતું એ શિલ્પ બહુ ગમી ગયું. તેણે બીજાં શિલ્પો માટે કાર્પ્યુને વરદી આપવી શરૂ કરી. પૅરિસ ઑપેરા માટે કાર્પ્યુએ કંડારેલા શિલ્પ ‘ધ ડાન્સે’ (1869) નૈતિકતાના મુદ્દે મોટો વિવાદ ખડો કર્યો. કાર્પ્યુ અત્યંત કઠોર ટીકાઓનો ભોગ બન્યો અને મૃત્યુ પામ્યો.

અમિતાભ મડિયા