કાર્પૉવ, આનાતોલી (જ. 5 મે 1951, લેનિનગ્રાડ, રશિયા) : રશિયાનો વિશ્વવિજેતા ચેસખેલાડી. પિતા ચેસના અચ્છા ખેલાડી હતા તેથી તેમને રમતા જોઈને નિયમપૂર્વક રમતાં શીખ્યા. સાતમા વર્ષે તો સ્કૂલના મોટી ઉંમરના ચેસના વિદ્યાર્થી-ખેલાડીઓ સામે રમવા લાગ્યા. તેરમે વર્ષે ઑલ યુનિયન સ્કૂલમાં તે સૌથી નાના ખેલાડી હતા. એક વર્ષ પછી રશિયાનાં આગળ પડતાં ચેસ મૅગેઝિનોમાં તેમની રમતને પ્રસિદ્ધિ મળી. પંદરમે વર્ષે સોવિયેત માસ્ટરનું બિરુદ પ્રાપ્ત થયું. કારણ કે ચૌદમે વર્ષે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રમવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. 1966માં વિશ્વની જુનિયર વિભાગની સ્પર્ધામાં ભાગ લીધો. તેમની નવાઈ વચ્ચે બધા સિનિયર ખેલાડીઓ સ્પર્ધામાં હતા છતાં તેઓ હિંમતપૂર્વક રમ્યા ને એક પણ મૅચ હાર્યા વગર છેલ્લી બે મૅચ બાકી હતી ત્યારે જ ચૅમ્પિયન બન્યા. એમની આ સિદ્ધિની બરાબર નોંધ લેવાઈ નહિ; પણ 1967માં તે વિશ્વની જુનિયર ચૅમ્પિયનશિપ જીત્યા ત્યારે એક નવી ચેસપ્રતિભાનો ઉદય થયો છે એમ રશિયામાં ને વિશ્વમાં સૌએ જાણ્યું.

થોડા સમય પછી સોવિયેત લશ્કર તરફથી રમ્યા ત્યારે એમાં ભાગ લેનાર રશિયન ગ્રાન્ડ માસ્ટરોને પાછળ રાખીને આગળ નીકળી ગયા. અહીં સાયમન ફોરમેન નામના રશિયન ગ્રાન્ડ માસ્ટર અને ઉત્તમ પ્રશિક્ષકની નજરે કાપૉર્વ ચડ્યા. એમણે કાર્પૉવને પૂરી તાલીમ આપી. કાર્પૉવ પોતાનો ઝડપી વિકાસ ફોરમેનને આભારી હતો તે બાબતનો ઘણી વખત સ્વીકાર કર્યો છે.

1970માં કારકેસ ખાતે એમને ગ્રાન્ડ માસ્ટરનું બિરુદ પ્રાપ્ત થયું. ત્યારપછી એમના ઝડપી રમત રમવાના સ્વભાવને કારણે પીછેહઠ થઈ. પણ 1971માં વિશ્વ-ચૅમ્પિયન સ્પેન્સ્કીને હરાવીને રશિયન ચૅમ્પિયનશિપ જીત્યા. 1972માં સ્કોપલ ઑલિમ્પિક્સ જીત્યા. બાવીસમા વર્ષે રશિયામાંથી સ્વેચ્છાએ દેશવટો લીધેલ ખેલાડી કાર્ચનૉવને હરાવી વિશ્વ-ચૅમ્પિયનશિપ રમવા હકદાર બન્યા. 1974માં ચેસના ઉત્તમ ખેલાડીઓને આપવામાં આવતો ‘ઑસ્કાર’ એવૉર્ડ પ્રાપ્ત થયો, જે એમણે સતત પાંચ વર્ષ સુધી જાળવી રાખ્યો.

1974માં કૅન્ડિડેટ વર્લ્ડ ચેસ ચૅમ્પિયન સ્પર્ધામાં દુનિયાના ત્રણ ઉત્તમ ખેલાડીઓ એટલે કે વિશ્વકપવિજેતા પોલુગ્લેવ્સ્કી, સ્પેન્સ્કી અને કાર્ચનૉવને અનુક્રમે ક્વાર્ટર ફાઇનલ, સેમી ફાઇનલ અને ફાઇનલમાં હરાવીને વિજેતા થયા અને વિશ્વવિજેતા લુઈ ફિશરને ચૅલેન્જ કરવાના હકદાર બન્યા.

ફિશરે રશિયા પાસેનું વિશ્વવિજેતાપદ 1973માં જીતીને પ્રથમ વાર અમેરિકાને અપાવેલું. નિયમો અંગેનાં જુદાં જુદાં બહાનાં બતાવીને ફિશર કાર્પૉવ સાથે રમવા તૈયાર ન થયો, તેથી 1975માં ઇન્ટરનૅશનલ ચેસ ફેડરેશને વિશ્વવિજેતાપદ કાર્પૉવને એનાયત કર્યું. આમ ફરી પાછું વિશ્વવિજેતાપદ રશિયાને પ્રાપ્ત થયું.

ચેસ-સ્પર્ધામાં અંતિમ સ્પર્ધા રમ્યા વગર ચેસનું વિશ્વવિજેતાપદ પ્રાપ્ત થવાની ઘટના ઘણાં વર્ષો પછી બીજી વાર બની. કાર્પૉવે ઍક્ટિવ વિજેતા બનવાનું સ્વીકાર્યું ને અનેક સ્પર્ધાઓમાં રમ્યા ને 1975 પછી વિશ્વમાં જુદે જુદે સ્થળે થતી આશરે 200 ઉપરાંત સ્પર્ધામાં ભાગ લીધો. એમાં ફક્ત 6 જણ સામે તે હાર્યા. 1975માં જીતેલ વિશ્વવિજેતાપદ તેમણે 1976થી 84 સુધી આશરે દસ વર્ષ જાળવી રાખ્યું; છેવટે રશિયાના એના જેટલા જ શક્તિશાળી યુવાન ખેલાડી કાસ્પારૉવ સામે હારીને તેને સુપરત કર્યું.

વાસુદેવ મહેતા