કાર્પેન્ટરિયાનો અખાત : ઑસ્ટ્રેલિયાની ઉત્તરે પૅસિફિક મહાસાગરનો ભાગ ગણાતી અરાફુરા સમુદ્રની છીછરી ચતુષ્કોણીય ખાડી. ભૌ. સ્થાન : 140 00’ દ. અ. અને 1390 00’ પૂ. રે.. તેનો કુલ વિસ્તાર 3,10,000 ચોકિમી. તથા તેની મહત્તમ ઊંડાઈ 70 મીટર છે. પૂર્વથી પશ્ચિમ તરફ તે આશરે 600 કિમી. લાંબી તથા ઉત્તરથી દક્ષિણ તરફ આશરે 500 કિમી. પહોળી છે. લગભગ વીસ નદીઓનાં જળ તેમાં ભળે છે. તેના વિસ્તારમાં વિશાળ ત્રિકોણાકાર ભૂમિભાગ આવેલા છે. સદીઓ સુધી તેની ઉપેક્ષા થયેલી હોવાથી તેના વિસ્તારમાં આદિમજાતિની લગભગ નહિવત્ ગણાય તેવી અલ્પ વસ્તી હતી. 1605-1628ના ગાળામાં તેના પૂર્વ તરફના વિસ્તારનું ડચ અન્વેષકોએ સર્વપ્રથમ વાર અન્વેષણ કર્યું હતું તથા 1644માં આબેલ તાસમન નામના અન્વેષકે તેના દક્ષિણ તથા પશ્ચિમ કિનારાની શોધ કરી હતી. 1628માં નેધરલૅન્ડ હસ્તકના ઈસ્ટ ઇન્ડીઝના તે વખતના ગવર્નર પીટર કાર્પેન્ટિયરે આ અખાતની મુલાકાત લીધી હતી અને ત્યારથી તેના નામ પરથી આ અખાત કાર્પેન્ટરિયાના અખાત તરીકે ઓળખાય છે. આ અખાતના કિનારાના વિસ્તારમાં નાના અખાતો, ખાડીઓ તથા ભૂશિરો આવેલી છે. અહીંના મુખ્ય ટાપુઓમાં ગ્રોટ, મૉર્નિંગટન, વેલેસ્લી, સર એડવર્ડ પેલીગ્રુપનો સમાવેશ થાય છે.
વીસમી સદીના સાતમા દાયકામાં તેનું આર્થિક અન્વેષણ થતાં ત્યાં બૉક્સાઇટ, મૅન્ગેનીઝ અને અન્ય ખનિજ પદાર્થોના મોટા ભંડાર મળી આવ્યા હતા. ત્યારથી તેનો વિકાસ શરૂ થયો છે. તેને લીધે કિનારાના પ્રદેશમાં તથા તેના વિસ્તારમાં આવેલા ટાપુઓ પર માનવ-વસવાટ ઝડપથી વધ્યો છે અને સાથોસાથ ઑસ્ટ્રેલિયાના અન્ય ભાગો સાથે તથા વિશ્વના પ્રદેશો સાથે તેના સંબંધો વિકસાવવા માટે વાહનવ્યવહાર તથા સંદેશાવ્યવહારનો ઝડપી વિકાસ થાય તેવા પ્રયત્નો શરૂ થયા છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે