કાર્નેશન : દ્વિદળી વર્ગમાં આવેલા કૅર્યોફાઇલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Dianthus caryophyllus Linn. (ગુ. ગુલનાર, ગુલેઅનાર; અં. કાર્નેશન, ક્લૉવ પિંક) છે. તેના સહસભ્યોમાં વજ્રદંતી, ફૂલછોગારો, વૅકેરિયા વગેરેનો સમાવેશ થાય છે. તે ટટ્ટાર, 45 સેમી.થી 60 સેમી. ઊંચી, સંધિમય પ્રકાંડ ધરાવતી બહુવર્ષાયુ શાકીય વનસ્પતિ છે અને કાશ્મીરમાં 1500 મી.થી 2100 મી.ની ઊંચાઈ સુધી થાય છે. તેને ખાસ કરીને પહાડો પર ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે. પ્રકાંડ શાખિત હોય છે અને તલસ્થ ભાગેથી સખત અને કાષ્ઠીય હોય છે. પર્ણો સાદાં, જાડાં, રેખીય અને સંમુખ ગોઠવાયેલાં હોય છે. પુષ્પો રંગબેરંગી (ગુલાબી, જાંબલી કે સફેદ) સુગંધીદાર, લાંબા પુષ્પદંડવાળાં અને અગ્રસ્થ હોય છે. પ્રત્યેક પુષ્પ ચાર દલપત્રો ધરાવે છે. દરેક દલપત્રને એક દંડ અને દંતુરિત કિનારવાળી પત્રિકા હોય છે. તેની સુગંધી લવિંગની યાદ અપાવે તેવી હોય છે.
કાર્નેશનનાં પુષ્પોની આહલાદક મસાલા જેવી સુવાસ તેના સંવર્ધનને પરિણામે ઉદભવી છે. પ્રાકૃતિક સ્વરૂપો સુવાસરહિત હોય છે. ચમકદાર પુષ્પોનાં ઉદ્યાનકૃષિવિદ્યાકીય (horticultural) સ્વરૂપો પણ લગભગ સુવાસરહિત હોય છે. પુષ્પોનાં કદ, રંગ અને તેમના પર આવેલાં ચિહનોને આધારે પુષ્પજ્ઞ (florist) તેને લગભગ 2000 જાતોમાં વર્ગીકૃત કરે છે. કેટલીક વામન જાતો શૈલોદ્યાન (rock garden) માટે યોગ્ય ગણાય છે. આ વનસ્પતિ રેતીમાં વાવવા માટે સારી રીતે અનુકૂલન પામેલી હોય છે.
ઑક્ટોબર દરમિયાન સારી રીતે નિતાર પામતા ક્યારાઓમાં બીજ છૂટાં વાવવામાં આવે છે. ક્યારામાં મૃદા માત્ર ભીની બને તેટલું પાણી સિંચવામાં આવે છે; જ્યારે રોપાઓ 5 સેમી. જેટલા ઊંચા બને ત્યારે તૈયાર કરેલા ક્યારામાં 15 સેમી.થી 25 સેમી.ના અંતરે રોપવામાં આવે છે. જરૂર પડ્યે તેમને કૂંડામાં વાવવામાં આવે છે. કૂંડામાં સરખા ભાગે ગોરાડુ મૃદા, વનસ્પતિનો સડતો કચરો અને થોડીક રેતી સાથે કોહવાયેલું ગાયનું છાણ લેવામાં આવે છે. જ્યારે છોડ 15 સેમી. ઊંચા થાય ત્યારે તેની ટોચો કાપી નાખવામાં આવે છે, જેથી શાખાઓની વૃદ્ધિ ઉત્તેજાય છે. વનસ્પતિની કૅલ્શિયમની જરૂરિયાત વધારે હોય છે, તેથી વસંતઋતુની શરૂઆતમાં ભૂમિને ચૂનો આપવામાં આવે છે.
જોકે કાર્નેશનની પ્રસર્જનની સૌથી સામાન્ય પદ્ધતિ કટકારોપણની છે. તેનું પ્રસર્જન દાબકલમ (layering) દ્વારા પણ કરવામાં આવે છે.
કાર્નેશનને કેટલીક ફૂગ દ્વારા રોગો થાય છે. બોર્ડો મિશ્રણનો છંટકાવ અને મૃદાનું સંપૂર્ણ રોગાણુનાશન (sterilization) ચેપની ક્રિયા અટકાવે છે. કાર્નેશન પર થતી જીવાતમાં એફિડ, રાતા કરોળિયા, ઇતડી, થ્રિપ્સ અને ટોરિક્સ ફૂદાં હોય છે. HETP, એઝોબેન્ઝિન, નિકોટિન સલ્ફેટ અને DDT જેવાં કીટનાશકો(insecticides)નો ઉપયોગ રોગનિયંત્રણ માટે કરવામાં આવે છે.
કાર્નેશનને ફ્રાન્સ, હોલૅન્ડ, ઇટાલી અને જર્મનીમાં તેનાં પુષ્પો માટે મોટા પાયા પર ઉગાડવામાં આવે છે. ફ્રાન્સ અને હોલૅન્ડના કેટલાક ભાગોમાં અત્તરના નિષ્કર્ષણ માટે પુષ્પોનો ઉપયોગ કરવામાં આવે છે. આ હેતુ માટે આછા રંગનાં પુષ્પો જ ઉપયોગી છે. ખુલ્લા, પ્રકાશવાળા મહિનાઓમાં થોડાક કલાક સૂર્યપ્રકાશમાં રહેવા દીધા પછી પુષ્પોની લણણી કરવામાં આવે છે; કારણ કે તે સમયે વનસ્પતિમાં બાષ્પશીલ તેલ મહત્તમ હોય છે.
દ્રાવક નિષ્કર્ષણ દ્વારા અત્તર મેળવવામાં આવે છે. પેટ્રોલિયમ ઈથર દ્વારા નિષ્કર્ષણ કરતાં 0.23 %થી 0.29 % જેટલો ઘન નિષ્કર્ષ પ્રાપ્ત થાય છે; જે મીણ-દ્રવ્ય વધારે પ્રમાણમાં ધરાવે છે. તેને આલ્કોહૉલની ચિકિત્સા આપતાં સુવાસરહિત દ્રવ્ય દૂર થાય છે. આમ, ઘન નિષ્કર્ષના 9 %થી 12 % જેટલો શુદ્ધ નિષ્કર્ષ મેળવવામાં આવે છે. આ શુદ્ધ નિષ્કર્ષનું બાષ્પનિસ્યંદન કરતાં બાષ્પશીલ તેલ પ્રાપ્ત થાય છે. તેલમાં યુજેનૉલ 30 %, ફિનિલઇથાઇલ આલ્કોહૉલ 7 %, બેન્ઝાઇલ બેન્ઝોએટ 40 %, બેન્ઝાઇલ સેલિસિલેટ 5 % અને મિથાઇલ સેલિસિલેટ 1 % હોય છે.
શુદ્ધ નિષ્કર્ષનો ઉપયોગ પરિષ્કૃત અત્તરો બનાવવામાં થાય છે. કુદરતી અત્તરમાં સુધારા કરી પ્રાપ્ત કરેલ સાંશ્લેષિક તેલમાંથી મેળવાતાં કાર્નેશન તેલ બજારમાં સુલભ હોય છે.
પુષ્પો હૃદ્-બલ્ય (cardiotonic), સ્વેદકારી (diaphoretic) અને વિષરોધી (alexiteric) હોય છે. સમગ્ર વનસ્પતિનો કૃમિહર (vermifuge) તરીકે ઉપયોગ થાય છે.
Dianthus chinensis Linn. (રેઇનબો પિંક) દ્વિવર્ષાયુ કે બહુવર્ષાયુ, 15 સેમી.થી 75 સેમી. ઊંચી જાતિ છે. તે જાપાનમાંથી ભારતમાં લાવવામાં આવી છે. તેનાં પુષ્પો સુંદર, આકર્ષક, ભાગ્યે જ સુગંધિત અને રંગબેરંગી હોય છે. તેની ઉદ્યાનમાં ઉગાડવામાં આવતી ઘણી જાતો છે, જેમનાં પુષ્પો અનોખાં ચિહનો ધરાવે છે.
D. barbatus Linn. (સ્વીટ વિલિયમ) સુંદર પુષ્પોનો ગુચ્છ ધરાવે છે અને ઉદ્યાનોમાં શોભન-વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે. D. anatolicus Boiss. પશ્ચિમ હિમાલય અને કાશ્મીરમાં જોવા મળે છે. તેનો કાલિક જ્વરરોધી (antiperiodic) તરીકે ઉપયોગ થાય છે.
મ. ઝ. શાહ
બળદેવભાઈ પટેલ