કાર્નેલિયન : સૂક્ષ્મ સ્ફટિકમય ક્વાર્ટ્ઝનો પ્રકાર. આ ખનિજ રાતા કે પીળાશ પડતા રાતા રંગનો પારભાસકથી અર્ધપારદર્શક કેલ્સિડોની સિલિકાનો પ્રકાર છે. તે લાલથી કેસરી લાલ રંગમાં મળે છે. અર્ધકીમતી ખનિજ તરીકે ઝવેરાતમાં તેનો ઉપયોગ થાય છે. આ ખનિજ જ્વાળામુખી ખડકોનાં કોટરોમાં તેમજ કૉંગ્લોમરેટ ખડકમાં ગોળાશ્મ સ્વરૂપે જોવા મળે છે. દક્ષિણ ગુજરાતના તૃતીય જીવયુગના કૉંગ્લોમરેટ ખડકોમાં તેમજ કચ્છમાં તે મળી આવે છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે