કાડર્સ નેવિલ (જ. 3 એપ્રિલ 1888, લૅન્કેશાયર; અ. 27 ફેબ્રુઆરી 1975) : ક્રિકેટના સમીક્ષક-લેખક. તેમનાં રોમાંચક, કાવ્યરૂપ લાગતાં, આકર્ષક, પરિપૂર્ણ ગદ્ય લખાણમાંથી અનેક લેખકો અને મહાનુભાવો અવતરણો ટાંકે છે. 10 વર્ષે પગવાટ ચિત્રકાર, 13 વર્ષે શાળામાં છાપાં વેચી તથા હાથગાડી હાંકી ગુજરાન ચલાવતા. શ્રુઝબરી શાળામાં મધ્યમ ઝડપી બોલર તરીકે નિમણૂક. 1917માં ‘મૅન્ચેસ્ટર ગાર્ડિયન’ પત્રમાં નાટ્યવિવેચક તરીકે શરૂઆત; બાદ સંગીતવિવેચક અને 1919માં માંદગીની પથારીએથી ‘ધી ક્રિકેટર’ નામ હેઠળ ક્રિકેટના લેખોની શરૂઆત. પ્રથમ પુસ્તક 1922માં ‘એ ક્રિકેટર્સ બુક’. કુલ 26 પુસ્તકો; જેમાંથી 5 સંગીતવિષયક. 1964માં ‘કમાન્ડર (ઑવ્ ધ ઑર્ડર) ઑવ્ ધ બ્રિટિશ એમ્પાયર’ (CBE) અને 1967માં ‘સર’નો ઇલકાબ. બે વખત ‘વિસ્ડન’માં તેમની સિદ્ધિઓ વિશે અગ્રલેખ. 1970થી 1972 સુધી લકેશાયર કાઉન્ટીના પ્રમુખ. તેમનું મૃત્યુ ઊંઘમાં થયું હતું.

આણંદજી ડોસા