કાર્ટર, જિમી (જ. 1 ઑક્ટોબર 1924, પ્લેઇન્સ, જ્યૉર્જિયા; અ. 29 ડિસેમ્બર 2024, જ્યોર્જિયા, ઍટલાન્ટા) : અમેરિકાના ઓગણચાલીસમા પ્રમુખ (1977-1980). અમેરિકામાં સૌથી લાંબો સમય જીવિત રહેનાર રાષ્ટ્રપ્રમુખ. અમેરિકામાં હૉસ્પિટલમાં જન્મ લેનાર પણ પ્રથમ રાષ્ટ્રપ્રમુખ. તેમની અગાઉ કોઈ રાષ્ટ્રપ્રમુખનો જન્મ હૉસ્પિટલમાં થયો નહતો. 100 વર્ષની વયે અવસાન.

શરૂઆતમાં નૌકાશાળામાં અભ્યાસ કરી નૌકાદળની ડૂબકનૌકામાં કામ કર્યું હતું. પિતાના અવસાન પછી મગફળીના વાવેતરના કામમાં પરોવાયા. રાજકીય મહત્ત્વાકાંક્ષાથી પ્રેરાઈને તે જ્યૉર્જિયા રાજ્યની સેનેટમાં ચાર વર્ષ (1962-66) માટે ચૂંટાયા હતા. રાજ્યના ગવર્નરપદની ચૂંટણીમાં પણ ઝંપલાવ્યું હતું. 1966માં સફળ ન થતાં તેમણે ફરીને પ્રયત્ન કર્યો હતો અને 1970થી 1975 દરમિયાન જ્યૉર્જિયાના ગવર્નર બન્યા હતા.

જિમી કાર્ટર

અમેરિકાના પ્રમુખ થવા માટેના તેમના પ્રયત્નો તેમણે 1972થી શરૂ કરી દીધા હતા અને તેને માટે દક્ષિણનાં રાજ્યોમાં તેમણે તે માટેની જરૂરી રાજકીય ભૂમિકાની માંડણી કરી હતી. ખાસ કરીને અશ્વેત લોકો(જેઓ દક્ષિણમાં મોટા પ્રમાણમાં હતા)ના પ્રશ્નો વિશે જાગૃતિ બતાવીને તેમના ટેકા અને સહકારનું વાતાવરણ તેમણે ઊભું કર્યું હતું. 1976ના ચૂંટણીજંગમાં તેમણે ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર તરીકેનું સ્થાન મેળવી લીધું અને ઉત્તરમાંથી વૉલ્ટર મોન્ડાલને ઉપપ્રમુખ તરીકેની ઉમેદવારી માટે પસંદ કર્યા હતા.

આ ચૂંટણીનો ઐતિહાસિક સંદર્ભ એ હતો કે અમેરિકા 1776ની તેની પ્રથમ સ્વાતંત્ર્યઘોષણાની બસોમી જયન્તી ઊજવી રહ્યું હતું. બીજી તરફ નિકસનના સમયમાં બનેલા વૉટરગેટ કૌભાંડ તથા વિયેટનામના યુદ્ધના ઓળા ચારે બાજુ પથરાયેલા હતા. અમેરિકાની પ્રજા પરિવર્તન ઇચ્છી રહી હતી, જેમાં જિરાલ્ડ ફૉર્ડની સામે કાર્ટર ચૂંટણીમાં વધુ આકર્ષક નીવડ્યા હતા. જાન્યુઆરી, 1977માં કાર્ટરે સત્તાનાં સૂત્રો સંભાળ્યાં હતા. આબોહવામાં પરિવર્તનની સમસ્યાને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લેનાર અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ હતા. આ કારણસર કાર્ટર ‘અમેરિકાના ગ્રીનેસ્ટ પ્રેસિડન્ટ’ તરીકે પણ ઓળખાતા હતા.

સત્તા ઉપર આવ્યા પછી કાર્ટરે વિયેટનામના યુદ્ધમાંથી દૂર રહેલાઓને માફી બક્ષી, ઊર્જા અને શિક્ષણના નવા વિભાગો શરૂ કર્યા હતા તથા કૅબિનેટમાં બે મહિલાઓનો સમાવેશ કર્યો હતો. આર્થિક ક્ષેત્રે રૂઢિચુસ્ત નીતિ અખત્યાર કરવા છતાં ફુગાવાનું પ્રમાણ ઘણું વધ્યું હતું તેમજ કૉન્ગ્રેસ સાથેના તેમના સંબંધો બગડતા રહ્યા.

વિદેશનીતિના ક્ષેત્રે માનવહકના પ્રશ્નને કાર્ટરે અગ્રિમતા આપી હતી; પરંતુ તે અંગે તે બહુ સફળ થઈ શક્યા નહોતા. અન્ય સિદ્ધિઓમાં ઇઝરાયલ અને ઇજિપ્ત વચ્ચેની શાન્તિ સમજૂતીને (26 માર્ચ, 1979) ગણાવી શકાય. સામ્યવાદી ચીનને તેમણે વિધિપુર:સર માન્યતા આપી હતી તથા પનામા નહેરનો વહીવટ 2000ની સાલમાં પનામાને સુપરત કરવાની સમજૂતી કરી હતી. રશિયા સાથે SALT (Strategic Arms Limitation Talks) IIની સંધિ કરવામાં તેઓ સફળ થયા હતા; પણ ડિસેમ્બર, 1979માં રશિયાના અફઘાનિસ્તાનમાંના લશ્કરી હસ્તક્ષેપ પછી કૉન્ગ્રેસે તે કરારને માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો. રશિયાના આ પગલાને કારણે ઠંડા યુદ્ધમાં આવી રહેલી ઓટ અને નરમાશ એકાએક દૂર થઈ હતી અને તેનું નવું પ્રકરણ શરૂ થયું. કાર્ટરે રશિયાને અનાજ નિકાસ કરવાનું બંધ કર્યું હતું તથા મૉસ્કોમાં રમાતી ઑલિમ્પિક રમતોનો બહિષ્કાર કર્યો હતો.

ઈરાનના શાહની વિદાય પછી ઈરાન અને અમેરિકા વચ્ચેના સંબંધો કથળ્યા હતા અને બાનમાં રાખેલા અમેરિકાના નાગરિકોને છોડવાનો ઈરાને ઇન્કાર કર્યો હતો. આ નાગરિકોને છોડાવવા માટે કાર્ટર તરફથી અચાનક છત્રીદળ ઉતારીને લેવાયેલું સાહસિક પગલું તદ્દન નિષ્ફળ નીવડ્યું હતું અને કાર્ટરની મોટી માનહાનિ થઈ હતી. 1980ની રોનાલ્ડ રેગન સાથેની ચૂંટણીમાં તેમની હાર થઈ હતી. જે દિવસે રેગને સત્તા ગ્રહણ કરી (જાન્યુ 20, 1980) તે જ દિવસે ઈરાને અમેરિકાના નાગરિકોને છૂટા કર્યા હતા.

રાષ્ટ્રપ્રમુખ તરીકે વિદાય લીધા પછી કાર્ટરે પત્ની રોસલીન સાથે દુનિયાભરમાં લોકશાહી અને માનવાધિકારોની હિમાયત કરવા એટલાન્ટા, જ્યોર્જિયામાં કાર્ટર સેન્ટરની સ્થાપના કરી હતી. વિશ્વમાં શાંતિ, આબોહવામાં પરિવર્તન અને માનવાધિકાર ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપવા બદલ વર્ષ 2002નો નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો. નોબેલ પુરસ્કાર સ્વીકારીને તેમણે ભાષણમાં કહ્યું હતું કે, ‘‘દુનિયામાં સૌથી ગંભીર સમસ્યા ધનિકો અને ગરીબો વચ્ચે સતત વધતી અસમાનતા છે.’’

રાષ્ટ્રપ્રમુખ તરીકે વિદાય લીધા પછી કાર્ટરે 20થી વધારે પુસ્તકોનું લેખન કર્યું હતું. જેમાંથી કેટલાંક બેસ્ટ સેલર છે. ઇતિહાસકારો તેમનું મૂલ્યાંકન સારાં રાષ્ટ્રપ્રમુખને બદલે એક ‘ઉમદા મનુષ્ય’ તરીકે કરે છે.

ભારતમાં ગુરુગ્રામ નજીક એક ગામનું નામ કાર્ટરપુરી છે. તેની સાથે કાર્ટરનો જૂનો સંબંધ છે. તેમની માતા લિલિયન કાર્ટર ભારતમાં નર્સ તરીકે કામ કરતાં હતાં. તેઓ આ ગામમાં અનેકવાર તબીબી કેમ્પમાં લોકોને સારવાર આવતા માટે આવતાં હતાં. એ સમયે આ ગામનું નામ દૌલતપુર નસીરાબાદ હતું. રાષ્ટ્રપ્રમુખ બન્યાં પછી કાર્ટરે પત્ની રોઝલિન સાથે 3 જાન્યુઆરી 1978ના રોજ આ ગામની મુલાકાત લીધા પછી તેનું નામ કાર્ટરપુરી પડી ગયું છે. ગામના એક મોચીએ કાર્ટર દંપતિને એક જોડી ચંપલની ભેટ ધરી હતી.

કાર્ટરની કેટલીક રસપ્રદ ખાસિયતો હતી-તેઓ એક મિનિટમાં 2000 શબ્દો વાંચી શકતા હતા. તેમણે પોતાના હુલામણા નામ જિમી તરીકે રાષ્ટ્રપ્રમુખ તરીકે શપથ લીધા હતા. તેમના મનપસંદ રાષ્ટ્રપ્રમુખ હેરી ટ્રુમેન હતાં.

તેઓને મળેલાં સન્માનોમાં પ્રેસિડેન્શિયલ મેડલ ઑવ્ ફ્રિડમ (1999), ફ્રિડમ ઑવ્ ધ સિટી (1977), ફિલાડેલ્ફિયા લિબર્ટી મેડલ, હૂવર મેડલ (1998) અને ક્રિસ્ટોફર ઍવૉર્ડ (2002)  વગેરે. 94માં વર્ષે તેમને 2019માં ગ્રેમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો આ અગાઉ તેમને 2007 અને 2016માં ગ્રેમી ઍવૉર્ડ મળ્યાં હતાં.

1998માં તેઓ નેવીમાં સબમરીન ઑફિસર તરીકે જોડાયા હતા. એ જ વર્ષે તેમને યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ પ્રાઇઝ મળ્યું હતું. ધ સધર્ન ફિલ્ડ એરપોર્ટ જે જ્યોર્જિયામાં આવેલું છે તેને જિમી કાર્ટર રિજીયોનલ એરપોર્ટ એવું નામ આપવામાં અવ્યું છે.

દેવવ્રત પાઠક

કેયૂર કોટક