કારેનો દ મિરાન્ડા, જુવાન

January, 2006

કારેનો દ મિરાન્ડા, જુવાન (Carreño de Miranda, Juan) (જ. 25 માર્ચ 1614, આવિલેસ, અસ્તુરિયાસ, સ્પેન; અ. સપ્ટેમ્બર 1685, મૅડ્રિડ, સ્પેન) : સ્પૅનિશ બરોક-ચિત્રકાર. બરોક-જમાનાના

કારેનોનું એક ચિત્ર : ‘ધ ડ્યુક ઑવ્ પાસ્ત્રામા’

સ્પેનનો તે વાલાસ્ક્વેથ (Velazquez) પછીનો સૌથી વધુ અગત્યનો ચિત્રકાર ગણાય છે. ચિત્રકારો પેદ્રો દ લાસ કાવાસ (Pedro de Las Cavas) અને બાર્તોલોમે રૉમાન (Bartolome Romān) હેઠળ કારેનોએ ચિત્રકલાનો અભ્યાસ કર્યો. થોડા વખત સુધી વાલાસ્ક્વેથના મદદનીશ તરીકે કામ કર્યા પછી કારેનોની નિમણૂક 1669માં ચાર્લ્સ બીજાના ચિત્રકાર તરીકે અને પછી 1671માં એ જ રાજાના ‘દરબારી’ ચિત્રકાર તરીકે થઈ.

તૈલચિત્રણા ઉપરાંત ભીંતચિત્રણામાં પણ કારેનો નિપુણ હતો. આ બંને માધ્યમોમાં તેણે વ્યક્તિચિત્રો તથા ધાર્મિક ચિત્રો ચીતર્યાં. સ્પૅનિશ રાજદરબાર અને રાજકુટુંબના સભ્યોના તેણે ચીતરેલાં ચિત્રો પર વાલાસ્ક્વેથનો પ્રભાવ સ્પષ્ટ છે. તેની શ્રેષ્ઠ ચિત્રકૃતિ ધાર્મિક છે : ‘ફાઉન્ડિન્ગ ઑવ્ ધ ટ્રિનિટેરિયન ઑર્ડર’ (1666) છે. તેમાં ઋજુ પ્રકાશ અને પડછાયા વડે તેણે આહલાદક ધાર્મિક વાતાવરણ ખડું કર્યું છે.

અમિતાભ મડિયા