કારા, કાર્લો (જ. 11 ફેબ્રુઆરી 1881, કાર્ગાનેન્તો, ઇટાલી; અ. 13 એપ્રિલ 1966, મિલાન, ઇટાલી) : ફ્યૂચુરિસ્ટિક ચિત્રશૈલીમાં સર્જન કરવા માટે જાણીતા આધુનિક ઇટાલિયન ચિત્રકાર. કલાનો પ્રારંભિક અભ્યાસ બ્રેરા નગરમાં કર્યો. 1915 સુધી તેમણે ઘનવાદી શૈલીમાં ચિત્રો ચીતર્યાં. 1912થી 1915 સુધી તેમનાં ઘનવાદી ચિત્રોનો મુખ્ય વિષય નગ્ન મહિલાઓ હતો. પછીથી તેઓ ગતિમાન ભાસતા ભૌમિતિક આકૃતિઓના નિરૂપણ તરફ વળ્યા. ઇટાલિયન ફ્યૂચુરિસ્ટિક કવિ મારિનેતીનો પ્રભાવ તેમણે ઝીલ્યો અને પરિણામે તેમણે દેશદાઝ, તથા ટેકનૉલોજી, અતિઝડપી ગતિ અને આંજી નાખતા તેજને અર્ઘ્ય આપતી ચિત્રકૃતિઓ ચીતરવી શરૂ કરી. તેમની શ્રેષ્ઠ ગણાતી ચિત્રકૃતિ ‘ધ ફ્યુનરલ ઑવ્ એનાર્કિસ્ટ ગાલ્લી’ 1911માં ચીતરાઈ; જેમાં ગતિ, તેજ અને સાથે સાથે હિંસાની સ્તુતિ પણ નજરે પડે છે.
પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થતાં ફ્યૂચુરિસ્ટિક કલાસર્જનનો અંત આવ્યો. હવે તેમણે સ્થિર દેખાય તેવા પદાર્થોનું ચિત્રણ શરૂ કર્યું. પરાવાસ્તવવાદી ઇટાલિયન ચિત્રકાર જ્યૉર્જિયો દિ કિરિકોના પ્રભાવ હેઠળ આવ્યા અને કિરિકોની જેમ વરવી એકલતા અને ભેંકાર ભૂતાવળનાં આલેખનો તેમણે કરવા શરૂ કર્યાં. કિરિકો અને કારાએ તેમનાં આ પ્રકારનાં ચિત્રોને ‘પિચ્યુરા મેતાફિઝિકા’ (મેટાફિઝિકલ પેઇન્ટિંગ્ઝ) તરીકે ઓળખાવ્યાં.
1918માં કારા અને કિરિકો છૂટા પડ્યા. બંનેનાં મેટાફિઝિકલ ચિત્રોનો પણ અંત આવ્યો. પંદરમી સદીના ઇટાલિયન રેનેસાંસ ચિત્રકાર મસાચિયોના પ્રભાવ નીચે હવે કારા આવ્યા. તેથી સ્પષ્ટ અને ચોકસાઈભર્યાં પરિપ્રેક્ષ્ય ધરાવતાં ચિત્રો કારાની પીંછીમાંથી સર્જાયાં. આ તબક્કાનું તેમનું ચિત્ર ‘મૉર્નિન્ગ બાય ધ સી’ તેમનો માસ્ટરપીસ ગણાયું છે. 1930 પછી મિલાન અકાદમીમાં તેમની ચિત્રકલાના પ્રાધ્યાપક તરીકે નિમણૂક થઈ હતી.
અમિતાભ મડિયા