કારાજન, હર્બર્ટ ફૉન (Karajan, Herbert Von) (જ. 5 એપ્રિલ 1908, સાલ્ઝબર્ગ, ઑસ્ટ્રિયા; અ. 1998, ન્યૂયૉર્ક, અમેરિકા) : વીસમી સદીના શ્રેષ્ઠ સંગીતકારોમાંના એક, ઑર્કેસ્ટ્રા અને ઑપેરા-કન્ડક્ટર.
તરુણાવસ્થામાં જ સંગીતની રુચિ તેમણે દાખવેલી. પિતાએ તેમને સાલ્ઝબર્ગની વિખ્યાત સંગીતશાળા મૉત્સાર્ટિયમ(Mozarteum)માં સંગીતના અભ્યાસાર્થે દાખલ કર્યા. ઑર્કેસ્ટ્રા અને ઑપેરાના સંચાલનના વિષય સાથે સંગીતના સ્નાતક થઈ 1927માં કારાજન જર્મનીના ઉલ્મ નગરમાં સ્થાયી થયા. 1927થી 1938 સુધી ‘ઉલ્મ ઑર્કેસ્ટ્રા ઍન્ડ ઑપેરા’નું સંચાલન કર્યું અને પછી બર્લિનમાં સ્થાયી બની 1938થી 1945 સુધી બર્લિન સ્ટેટ ઑપેરાનું સંચાલન કર્યું. 1955માં તેઓ બર્લિન ફિલામૉર્નિક સોસાયટીના ડિરેક્ટર બન્યા.
1933થી 1942 સુધી કારાજન જર્મનીની નાત્ઝી પાર્ટીના સભ્ય હતા. બીજા વિશ્વયુદ્ધના અંતે વિજયી દેશોની એલીડ ટ્રિબ્યૂનલે કારાજનને નિષ્પાપ/ગુનામુક્ત (exonerated) ઠરાવ્યા. તેમણે હવે અમેરિકામાં જાહેર જલસાઓમાં ઑર્કેસ્ટ્રાનું સંચાલન કરવાનું શરૂ કર્યું; પરંતુ તે અગાઉ નાત્ઝી ચળવળમાં જોડાયેલા તે હકીકતને ધ્યાનમાં લઈ અમેરિકાની પ્રજાએ તેમનો બહિષ્કાર કર્યો.
1950થી જ કારાજન વિયેના સ્ટેટ ઑપેરા સાથે સંકળાયેલા. 1956થી 1964 સુધી અને ફરી વાર 1976થી 1984 સુધી તેઓ વિયેના સ્ટેટ ઑપેરાના ડિરેક્ટરપદે રહેલા. તેઓ સાલ્ઝબર્ગ ફેસ્ટિવલ તથા લંડન ફિલાર્મોનિક સોસાયટી સાથે પણ સંકળાયેલા હતા. મિલાનના ઑર્કેસ્ટ્રા ‘લા સ્કાલા’ના પણ તેઓ થોડાં વર્ષો સુધી સંચાલક હતા. 1967માં તેમણે ‘સાલ્ઝબર્ગ ઈસ્ટર ફેસ્ટિવલ’ નામના વાર્ષિક સંગીતોત્સવની સ્થાપના કરી. આ ઉપરાંત પૅરિસ ઑર્કેસ્ટ્રા અને ન્યૂયૉર્ક ફિલામૉર્નિક સોસાયટીના પણ તે અતિથિ સંગીતસંચાલક હતા. બર્લિન ફિલામૉર્નિક સોસાયટીના ઑર્કેસ્ટ્રાનાં વાદકો સાથે તકરાર ઊભી થતાં 1983માં તેમણે તેમાંથી રાજીનામું આપી દીધું.
અમિતાભ મડિયા