કારમાન, થિયોડોર (જ. 11 મે 1881, બુડાપેસ્ટ; અ. 6 મે 1963, આચેન, પ. જર્મની) : હંગેરીમાં જન્મી યુ.એસ.ના નાગરિક બનનાર સંશોધક અને ઇજનેર. તેમણે ઉડ્ડયન વિજ્ઞાન અને અંતરીક્ષયાત્રાના ક્ષેત્રે મૂળભૂત વિજ્ઞાનમાં ગણિતશાસ્ત્રના ઉપયોગનું પાયાનું કાર્ય કર્યું છે. તેમનું કાર્યક્ષેત્ર પ્રથમ કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેકનૉલોજી અને પછીથી જેટ વિમાનના સુધારાની પ્રયોગશાળા નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ એડ્મિનિસ્ટ્રેશન (NASA) હતું.
બુડાપેસ્ટમાં અન્ડરગ્રૅજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યા પછી 1903થી 1906ના સમયગાળામાં તેમણે યુનિવર્સિટી પૉલિટેકનિકની વિદ્યાશાખામાં તથા હંગેરિયન એન્જિનના નિર્માતાના સલાહકાર તરીકે સેવા આપી તથા બે વર્ષમાં ડૉક્ટરેટની ઉપાધિ મેળવવા જર્મનીની ગોટિન્જન યુનિવર્સિટીની ફેલોશિપ મેળવી, પણ અધવચથી અભ્યાસ છોડીને પૅરિસની યુનિવર્સિટીમાં ગયા. પછી લુડવિગ પ્રાંગટેના પ્રયત્નથી તે ગોટિન્જન પાછા આવ્યા અને જુદી જુદી દિશામાં વાળીને હંકારી શકાય તેવા હવાઈ જહાજના સંશોધનકાર્યમાં તેમના સહાયક તરીકે કામ કર્યું. 1911માં તેમણે ‘કારમાન્સ વોર્ટેક્ષ સ્ટ્રીટ’નો સિદ્ધાંત પ્રસ્તુત કર્યો, જે પરસ્પર ઊલટસૂલટ ગતિથી ઘૂમતાં યંત્રોની ચક્રાકાર ગતિના વિશ્લેષણરૂપ છે. 1912થી 1930 સુધી તે આચેનમાં ઍરોનૉટિકલ ઇન્સ્ટિટ્યૂટના નિયામકપદે રહ્યા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે જમીન પર સીધું ઊતરી શકે અને ઉડ્ડયન વખતે સ્થિર રહી શકે તેવું હેલિકૉપ્ટર બનાવ્યું. 1922માં તેમણે ઑસ્ટ્રિયામાં વાયુગતિશાસ્ત્ર અને જલગતિશાસ્ત્ર પર સેમિનારનું આયોજન કર્યું. આ આંતરરાષ્ટ્રીય સેમિનાર પછી ઇન્ટરનૅશનલ એપ્લાઇડ મિકૅનિક્સ કૉન્ગ્રેસ કમિટી રચાઈ, જેમાંથી 1946માં ઇન્ટરનૅશનલ યુનિયન ઑવ્ થિયોરેટિકલ ઍન્ડ એપ્લાઇડ મિકૅનિક્સનો જન્મ થયો. કારમાન તેના પ્રમુખ બન્યા. 1936માં તેમણે યુ.એસ.નું નાગરિકત્વ સ્વીકાર્યું. 1963માં પ્રેસિડેન્ટ કૅનેડીએ તેમને વિજ્ઞાનનો રાષ્ટ્રીય ચન્દ્રક એનાયત કર્યો. પ્રવાહી યાંત્રિકી વિક્ષુબ્ધતા સિદ્ધાંત, ધ્વનિમર્યાદાતીત ઉડ્ડયન, ઇજનેરીમાં ગણિતશાસ્ત્ર, વિમાનરચના તથા પવનથી જમીનનો ઘસારો વગેરે વિષયોમાં કારમાનનું સંશોધન મહત્વનું છે. તેમણે તૈયાર કરેલા રૉકેટના નમૂના પરથી જ અદ્યતન રૉકેટ તૈયાર થયાં છે. તેમની પ્રેરણાથી ઉડ્ડયનવિજ્ઞાન અને અંતરીક્ષયાત્રા વિજ્ઞાનને ખૂબ વેગ મળ્યો છે. અમેરિકામાં અનેક પ્રયોગશાળાઓનાં નામ તેમના નામ સાથે જોડાયેલાં છે. તેમની પાસે આ વિદ્યાશાખામાં અનેક ઇજનેરો તૈયાર થયા અને આ દિશામાં કાર્ય કરતી અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ઉદભવી, જેમાં વૈજ્ઞાનિકો અંતરીક્ષયાત્રાની પોતાની માહિતીનું આદાનપ્રદાન કરે છે.
વાસુદેવ યાજ્ઞિક