કારક : પ્રાતિપદિક (નામ આદિ શબ્દો) અને આખ્યાત (ક્રિયાપદ) વચ્ચેનો સંબંધ. વ્યુત્પત્તિ અનુસાર ‘કારક’ એટલે ક્રિયાવ્યાપારનો કર્તા. (कृ + ण्वुल्). વ્યાકરણશાસ્ત્રમાં ‘કારક’ શબ્દ ક્રિયાનું નિમિત્ત, ક્રિયાનો હેતુ, ક્રિયાનો નિર્વર્તક એવા પારિભાષિક અર્થમાં વપરાયો છે. અર્થાત્ પ્રાતિપદિક શબ્દનો (નામ, સર્વનામ, વિશેષણનો) ક્રિયાનિર્વૃતિ અર્થે એટલે કે ક્રિયા પૂર્ણ કરવા માટેના અનેક અવાન્તર વ્યાપારો કરવા અર્થે જુદા જુદા અર્થોમાં ક્રિયા શબ્દ સાથે જે સંબંધ થાય તે કારક. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ એમ છ કારકો છે. પ્રાતિપદિક શબ્દ જ્યારે ક્રિયા સાથે તે ક્રિયાના નિર્વર્તક હોવાના સંબંધે જોડાય તે ‘કર્તૃ’ કારક. આ શબ્દ જ્યારે ક્રિયા કરનાર કર્તાને ઇષ્ટ એવા ક્રિયાના ફલ તરીકે હોય ત્યારે તે ‘કર્મ’ કારક કહેવાય. અનીપ્સિત ક્રિયાફલ પણ કર્મ કહેવાય. ક્રિયાનિર્વૃતિના સાધન તરીકે ક્રિયા સાથે સંબદ્ધ શબ્દ ‘કરણ’ કારકના અર્થમાં પ્રયોજાય. દાનક્રિયાના કર્મનો ક્રિયા સાથેનો સંબંધ તે ‘સંપ્રદાન’ કારક. બે વસ્તુઓનો વિચ્છેદ થાય ત્યારે વિચ્છેદક્રિયામાં જે ધ્રુવ પદ હોય તે ક્રિયા સાથે અપાદાન સંબંધે જોડાય. ઉપશ્લેષ (સંયોગ), વિષયસામીપ્ય અને વ્યાપ્તિ એ આધારોમાં ક્રિયા થાય છે. તે આધારને ‘અધિકરણ’ કારક કહેવાય. કર્તા અને કરણ કારક નામની તૃતીયા વિભક્તિ દ્વારા કહેવાય કે બતાવાય. કર્મ કારક માટે દ્વિતીયા વિભક્તિનો પ્રયોગ થાય. સંપ્રદાન કારક માટે ચતુર્થી વિભક્તિ પ્રયોજાય. અપાદાન માટે પંચમી અને અધિકરણ માટે સપ્તમી વિભક્તિ વપરાય. પ્રથમા વિભક્તિ ઉક્ત અને અભિહિત કારક સંબંધ માટે વપરાય છે. સંબોધન સ્વતંત્ર વિભક્તિ નથી. તે પ્રથમા વિભક્તિ જ છે. કારક સંબંધમાં ક્રિયાવાચક પદ મુખ્ય છે અને અન્ય પ્રાતિપદિક શબ્દો જુદા જુદા કારક સંબંધોમાં ક્રિયાપદ સાથે જોડાય છે. આ વ્યાકરણશાસ્ત્રનો મત છે. ન્યાયશાસ્ત્રના મતે કર્તા મુખ્ય ગણાય છે. કર્તૃપ્રધાન અર્થનિર્દેશ થાય છે. એક પ્રાતિપદિકનો અન્ય પ્રાતિપદિક શબ્દ સાથેનો સંબંધ ‘શેષ’ સંબંધ કહેવાય છે. શેષ સંબંધ કારક સંબંધ નથી. શેષ સંબંધો અનેક છે; જેમ કે, સ્વસ્વામિભાવ સંબંધ, જન્યજનક સંબંધ, પતિપત્ની સંબંધ આદિ. શેષ સંબંધ ષષ્ઠી વિભક્તિથી નિર્દેશાય છે.

‘एकशतं षष्ठयर्थाः’ ‘અર્થાત્ ષષ્ઠી વિભક્તિથી સૂચવાતા શેષ સંબંધો સેંકડો-અનેક છે.’ એમ વ્યાકરણશાસ્ત્રમાં કહેવાયું છે. કારક અને શેષ સંબંધ ઉપરાન્ત શેષ સંબંધ જેવો જ એક ‘ઉપપદ’ સંબંધ છે. ઉપપદ સંબંધમાં સમીપના અમુક પ્રાતિપદિક શબ્દને કારણે તેની સાથે જોડાયેલા અન્ય પ્રાતિપદિક શબ્દની અમુક વિભક્તિ થાય તે ‘ઉપપદ વિભક્તિ’ અને તે સૂચવતો સંબંધ તે ઉપપદ સંબંધ. ઉદા. ‘रामं विना’, ‘रामेण विना’, ‘रामात् विना’ એ પ્રયોગોમાં ‘विना’ અવ્યયના સંબંધને લીધે રામ એ શબ્દ દ્વિતીયા, તૃતીયા કે પંચમી વિભક્તિમાં પ્રયોજાયો. આ વિભક્તિઓ સમીપવર્તી પદને આધારે પ્રયોજાઈ હોવાથી તે ઉપપદ વિભક્તિ કહેવાય. કારક સંબંધથી અમુક વિભક્તિ વાપરવી અને ઉપપદ સંબંધથી કોઈ અન્ય વિભક્તિ વાપરવી એવો વિરોધપ્રસંગ ઉપસ્થિત થાય ત્યારે કારક વિભક્તિ જ બલવત્તર ગણાય. ‘ઉપપદ વિભક્તિ કરતાં કારક વિભક્તિ વધારે બલવાન છે’ એવો વ્યાકરણશાસ્ત્રનો ગૃહીત નિયમ છે કેમકે કારક એ ક્રિયા સાથેનો સીધો સંબંધ છે. વ્યાકરણશાસ્ત્રમાં આખ્યાત એટલે કે ક્રિયાપદ વાક્યમાં પ્રધાન ગણાય છે, તેથી તે ઉપપદ કરતાં બલવત્તર ગણાય છે. શેષ એ એક પ્રાતિપદિકનો અન્ય પ્રાતિપદિક સાથેનો સંબંધ હોઈ એનો કારક સંબંધ સાથે વિરોધ થવાનો પ્રસંગ જ ઊભો થતો નથી. ‘ગાયો અને બ્રાહ્મણોની રક્ષાના હેતુથી રામે યુદ્ધભૂમિમાં રથમાંથી હેઠા ઊતરીને બાણથી રાવણને હણ્યો.’ (गोब्राह्मणरक्षाहेतोः रामः युद्धभूमौ रथात् अवतीर्य बाणेनरावणं हतवान् – जघान ।) એ વાક્યમાં ‘ગાયોની રક્ષા, બ્રાહ્મણોની રક્ષા એ શેષ સંબંધ છે તે ષષ્ઠી વિભક્તિથી સૂચવાયો.’ ‘રક્ષાના હેતુથી’, એ રક્ષણક્રિયાના હેતુરૂપ કારક સંબંધમાં પંચમી વિભક્તિ થઈ છે. ‘રામે’ એ હનનક્રિયાના નિર્વર્તક – કર્તાના અર્થમાં હોવા છતાં हतवान् કે जघान એ કૃદન્ત કે તિઙ્પ્રત્યય દ્વારા ઉક્ત થવાથી પ્રાતિપદિકાર્થે પ્રથમામાં ‘रामः’ એમ પ્રયોજાયો છે. ‘રથમાંથી’ એ ઊતરવારૂપ વિચ્છેદક્રિયામાં સ્થિર પદ હોવાથી રથ એ પદ અપાદાન અર્થમાં પંચમી વિભક્તિમાં પ્રયોજાયું. ‘બાણથી’ એ પદમાં બાણ એ શબ્દ ‘હનન’-ક્રિયાનું સાધન છે તેથી ‘કરણ’ અર્થમાં તેની તૃતીયા વિભક્તિ થઈ. ‘યુદ્ધભૂમિમાં’ એ પદમાં યુદ્ધભૂમિ એ હનનક્રિયાનો આધાર છે તેથી અધિકરણાર્થે તે સપ્તમી વિભક્તિમાં મુકાયો. ‘રાવણને’ એ પદમાં રાવણનો ઘાત એ કર્તા રામનું ઇષ્ટફલ છે તેથી તે કર્મના અર્થમાં દ્વિતીયા વિભક્તિમાં મુકાયું. આ વાક્યમાં બધાય નામશબ્દો – પ્રાતિપદિકો હનનક્રિયા એ આખ્યાત સાથે જુદા જુદા કારક સંબંધોથી જોડાયેલા છે.

કારક સંબંધ પ્રાતિપદિક અને આખ્યાત (ક્રિયાપદ) વચ્ચેનો પ્રત્યક્ષ સંબંધ છે. પરંપરિત કે ઉક્ત સંબંધ કારક સંબંધ ન કહેવાય. કાલવાચી તિઙ્પ્રત્યયો, કૃત્ પ્રત્યયો, તદ્ધિત પ્રત્યયો અને સમાસ વડે જ્યારે કારક સંબંધ સૂચવાઈ જાય અર્થાત્ ઉક્ત કે અભિહિત થઈ જાય ત્યારે નામપદને કારક સંબંધ સૂચક વિભક્તિ લાગતી નથી. આવો ઉક્ત કે અભિહિત અર્થ માત્ર પ્રાતિપદિકાર્થ જ છે અને તે પ્રથમા વિભક્તિ દ્વારા બતાવાય છે. ‘रामः वालिनं जघान ।’ એ વાક્યમાં हन् ધાતુને લાગેલા પરોક્ષ ભૂતકાળ, અન્યપુરુષ (તૃતીય પુરુષ) એકવચનના પ્રત્યય વડે કર્તાનો અર્થ અભિહિત થઈ ગયો, તેથી ‘રામ’ શબ્દ કર્તાના અર્થની તૃતીય વિભક્તિમાં ન મુકાતાં પ્રાતિપદિકાર્થે પ્રથમા વિભક્તિમાં મુકાયો. આ જ રીતે ‘रामेण बाणेन हतः वाली’ એ વાક્યમાં हन् ધાતુને લાગેલા क्त કૃત્ પ્રત્યયથી કર્મનો અર્થ ઉક્ત થઈ ગયો તેથી ‘वालिन्’ શબ્દ દ્વિતીયામાં ન પ્રયોજાયો પણ પ્રાતિપદિકાર્થે પ્રથમા વિભક્તિમાં પ્રયોજાયો.

ગુજરાતી ભાષામાં ભિન્નભિન્ન વિભક્તિ પ્રત્યયોથી કારક સંબંધ દર્શાવાય છે. તેનો આધાર સંસ્કૃત વ્યાકરણ હોવા છતાં તે અનેક રીતે વિશિષ્ટ છે. ક્યારેક જુદી જુદી વિભક્તિના પ્રત્યયો સંયુક્ત રીતે વપરાઈને એક જ અર્થ પ્રગટ કરે છે. ઉ.ત. ‘ઘરમાંથી બહાર આવ્યો’ – એ ઉક્તિમાં ઘર શબ્દને સપ્તમી અને પંચમીના પ્રત્યયો લાગેલા છે. ‘તે ગામ ગયો’ – એ ઉક્તિમાં અને ‘તે ઑફિસે ગયો’ તેમાં કર્મ પ્રત્યયરહિત છે અને સપ્રત્યય પણ છે. બીજી નોંધપાત્ર વિશેષતા એ છે કે પ્રત્યયોની સંખ્યા ઘટી, કારણ કે એક જ પ્રત્યય સંદર્ભભેદે અર્થભેદ પ્રગટ કરી શકે છે.

થી – ‘ચપ્પુથી’, ‘ઘેરથી’ : કરણ અને અપાદાન માટે વપરાય છે.

એ – ‘રામે’ (તૃતીયા), ‘ઘોડે ચડ્યો’ (સપ્તમી)

જયદેવ જાની

શાંતિકુમાર પંડ્યા