કાયાકલ્પ (નદીનો) : નદીને નવજીવન પ્રાપ્ત થવાની અને તેનું ઘસારણકાર્ય અને વહનકાર્ય સક્રિય બનવાની પ્રક્રિયા. કાયાકલ્પનાં મુખ્ય કારણો અને પ્રકારો આ પ્રમાણે છે :
(1) ઝડપી કે મંદ ભૂસંચલનને કારણે નદી નવજીવન પામે તેને ‘ગત્યાત્મક કાયાકલ્પ’ કહે છે. દા.ત., નદી વૃદ્ધાવસ્થામાં પહોંચી હોય પરંતુ ભૂસંચલનને કારણે તે ભૂમિક્ષેત્રનો ઊંચકાવ થાય ત્યારે નદી ફરી યુવાવસ્થામાં આવી જાય છે અને ઊર્ધ્વ ઘસારણ શરૂ કરીને ભૂમિઆકારોમાં પણ કાયાકલ્પ કરે છે. જ્યારે જ્વાળામુખી ફાટવાથી નીકળેલા લાવાનો પ્રવાહ નદીમાર્ગમાં રુકાવટ ઊભી કરે છે ત્યારે પણ નદી તીવ્ર ઘસારણ કરી અવરોધો દૂર કરે છે.
(2) આબોહવાના ફેરફારોને લીધે તેમજ હિમાવરણમાં થતી વધઘટને પરિણામે સમુદ્રની જલસપાટી ઊંચીનીચી થવાથી થતા કાયાકલ્પને ‘સ્થિત કાયાકલ્પ’ કહે છે. દા.ત., હિમયુગોમાં હિમાવરણને કારણે સમુદ્રની જલસપાટી નીચી જતાં નદીની ઘસારણની આધારસપાટી પણ નીચી જતાં નદીમાં કાયાકલ્પ અનુભવાય છે. એનાથી વિરુદ્ધ ગરમ આબોહવામાં હિમ પીગળે છે એટલે સમુદ્રસપાટી ઊંચી આવે છે, જેથી નદીનું ઊર્ધ્વઘસારણ ધીમું પડતાં પણ નદીમાં જળજથ્થો વધી જવાથી નદી ગાંડીતૂર બની ભૂમિઆકારોમાં પરિવર્તન લાવે છે. આમ અનેક કારણોથી નદીનો કાયાકલ્પ થતાં ‘બે સોપાનોવાળી ખીણ’, ‘નદીના સીડીદાર વિભાગો’, ‘નદીના ઊંડા કોતરાયેલા સર્પાકાર વહનમાર્ગો’ વગેરે જેવા પરિવર્તન પામેલા ભૂમિઆકારો રચાય છે.
મહેન્દ્ર રા. શાહ