કામ્પાન્યોલા, ડૉમેનિકો

January, 2006

કામ્પાન્યોલા, ડૉમેનિકો (જ. આશરે 1484, પાદુઆ, ઇટાલી; અ. આશરે 1563, પાદુઆ, ઇટાલી) : ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર અને છાયાચિત્રકાર. તે પાદુઆના નામાંકિત છાપચિત્રકાર જુલિયો કામ્પાન્યોલાનો શિષ્ય હતો; પરંતુ છાપચિત્રોમાં ગુરુ જુલિયોની ટપકાંની વિવિધ ગીચતા વડે આછીઘેરી છાયા રચવાની ટેક્નિક ડૉમેનિકોએ છોડી દીધી. ડૉમેનિકો વિખ્યાત રેનેસાંસ-ચિત્રકાર તિશ્યોંના મદદનીશ તરીકે પણ રહેલો. પાદુઆમાં તિશ્યોંએ ચીતરેલાં ઘણાં ભીંતચિત્રોમાં ડૉમેનિકોએ મદદ કરેલી. એ પછી તેણે સ્વતંત્ર રીતે પણ પાદુઆનાં ઘણાં મહેલો અને ચર્ચોમાં ભીંતચિત્રો ચીતર્યાં.

ડોમેનિકો કામ્પાન્યોલાનું એક ચિત્ર : ‘ધ શેફર્ડ મ્યુઝિશિયન્સ’

અમિતાભ મડિયા