કામોત્તેજના-અભાવ (frigidity) : સંભોગ વખતે સ્ત્રીને કામોત્તેજના (orgasm) કે જાતીય પ્રતિભાવરૂપ લાગણી ન થવી તે. તેને સામાન્ય ભાષામાં સ્ત્રીનું જાતીય ‘ઠંડાપણું’ કહે છે. તેને કારણે પુરુષને સંભોગજન્ય કામોત્તેજનાની પરાકાષ્ઠા અનુભવાતી નથી. આ વિકારથી પીડાતી સ્ત્રી જાતીય સુખ અનુભવતી હોવા છતાં તે કામોત્તેજના અનુભવતી નથી. યોનિ(vagina)ના નીચલા ત્રીજા ભાગમાં અતિસંવેદિતા(hyperaesthesia)ને કારણે અનિચ્છાએ ઉદભવેલી સતત આકુંચનતા (spasm) થઈ આવે તો યોનિનો નીચલો ભાગ સતત સંકોચાયેલો રહે છે. તેને યોનિ-આકુંચનતા (vaginismus) કહે છે. તેવી જ રીતે કોઈ રોગને કારણે સંભોગને સમયે દુખાવો થાય તો તેને દુ:સંભોગ (dyspareunia) કહે છે. યોનિ-આકુંચનતા અને દુ:સંભોગને કારણે ઉદભવતી સંભોગસમયની તકલીફ કરતાં સ્ત્રીના કામોત્તેજના-અભાવથી થતી તકલીફ જુદી છે. ઘણી વખત ખોટી માન્યતાને કારણે બંને તકલીફને એક જ માનવામાં આવે છે. સામાન્ય રીતે કામોત્તેજના-અભાવ હોય ત્યારે યોનિ-આકુંચનતા કે દુ:સંભોગ હોતાં નથી.
યોનિમાર્ગી સંભોગથી કામોત્તેજના ન થતી હોય પરંતુ અન્ય ક્રિયાઓ દ્વારા કામોત્તેજના અનુભવી શકાતી હોય તો તેને શુદ્ધ કામોત્તેજના-અભાવ કહે છે. કામોત્તેજના-અભાવના બે પ્રકાર છે : (ક) પ્રાથમિક, (ખ) દ્વૈતીયીક (secondary). જો હસ્તમૈથુન (masturbation), રતિક્રીડા (loveplay) કે સંભોગ દ્વારા કદી પણ જાતીય ઉશ્કેરાટ ન થયો હોય તો તેને પ્રાથમિક કામોત્તેજના-અભાવ કહે છે. શરૂઆતના જીવનમાં કામોત્તેજના હોય પરંતુ પાછળથી તે ઘટી જાય તો તેને દ્વૈતીયીક કામોત્તેજના-અભાવ કહે છે. તેના 3 ઉપપ્રકારો છે – (i) હસ્તમૈથુનીય, (ii) સંભોગીય, (iii) યાચ્છીય (random).
હસ્તમૈથુનીય કામોત્તેજના-અભાવવાળી સ્ત્રી સંભોગસમયે કામોત્તેજના અનુભવે છે પરંતુ પોતાના દ્વારા કે અન્ય દ્વારા કરાવેલા હસ્તમૈથુન સમયે કામોત્તેજના અનુભવતી નથી. જો હસ્તમૈથુનથી ઉત્તેજના અનુભવતી સ્ત્રી સંભોગસમયે ઉત્તેજના ન અનુભવી શકે તો તેને સંભોગીય કામોત્તેજના-અભાવ કહે છે. યાર્દચ્છીય કામુકતા-અભાવવાળી સ્ત્રી સંભોગ કે હસ્તમૈથુનથી ક્યારેક જ ઉત્તેજના અનુભવે છે. ઘણા લોકો સ્ત્રીઓમાં કામોત્તેજના હોય, તેમ માનતા નથી, તે બરાબર નથી. 1950 અને 1960ના દાયકામાં ફક્ત 40 % સ્ત્રીઓ સંભોગ સમયે ઉત્તેજના અનુભવતી હતી એવું સર્વેક્ષણોમાં નોંધાયેલ છે, પરંતુ હવે જાતીય શિક્ષણ અને સભાનતાને કારણે ઉત્તેજનાના અનુભવનું પ્રમાણ વધ્યું છે.
કામોત્તેજના-અભાવનું મુખ્ય કારણ મનોવિકાર હોય છે. ક્યારેક માંદગી કે બગડેલું આરોગ્ય, અતિશય થાક, ખિન્નતા (depression) ઉપજાવતી દવાઓ, દારૂનો અતિશય ઉપયોગ કે શરીરને ક્ષીણ કરતી લાંબી બીમારી પણ કામોત્તેજના-અભાવનું કારણ બને છે.
જાતીય દમન, અજ્ઞાનતા, માનસિક આઘાત કરતા જાતીય બનાવો, દા.ત., બળાત્કાર, નાની ઉંમરે જાતીય આક્રમણનો ભોગ બનવું તે, બાલ્યકાળમાં અચાનક જોવાઈ ગયેલું સંભોગનું ર્દશ્ય, પોતાની જાત પરનો કાબૂ ગુમાવ્યાની લાગણી, પિતા તરફ વધુ પડતી લાગણી, સગર્ભાવસ્થાનો ભય અથવા પ્રસવનો ભય, પુરુષો તરફ ઘૃણા કે વિરોધ (hostility), સ્ત્રી હોવા વિશેનું માનસિક ઘર્ષણ વગેરેને કારણે કામોત્તેજના-અભાવ થાય છે. પતિ કે સહસંભોગક (sexual partner) દ્વારા ઉત્તેજનાની પરાકાષ્ઠા આવ્યા પહેલાં જ જો બહિર્ક્ષેપ (ejaculation) થઈ જાય તો તેને શીઘ્રપતન (premature ejaculation) કહે છે. પતિ કે સહસંભોગકના શીઘ્રપતનને કારણે, અવિશ્ર્વસનીયતા (infidelity) અથવા તેમની સાથેના તંગ સામાજિક સંબંધને કારણે પણ સ્ત્રીમાં કામોત્તેજના-અભાવ થાય છે. પતિ દ્વારા ઉપેક્ષા થતી હોય એવી માન્યતા, પ્રેમનો અભાવ, પતિના શરીરમાં સ્વચ્છતાનો અભાવ, સાંસારિક ઝઘડા, પતિ દ્વારા નશો કરવો વગેરે અનેક સંજોગો પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં વિક્ષેપ ઊભો કરે છે અને તેથી કામોત્તેજના-અભાવ પેદા થાય છે. અંત:સ્રાવો વડે કોઈ રોગની સારવાર અપાતી હોય અથવા અંડગ્રંથિ અને ગર્ભાશયને શસ્ત્રક્રિયા વડે દૂર કર્યાં હોય તો પણ તે સ્ત્રીની કામોત્તેજનાને અસર થતી નથી તે નોંધપાત્ર છે.
સારવાર : આ સદીના બહુશ્રુત કામશાસ્ત્રજ્ઞો માસ્ટર્સ અને જ્હૉન્સન દ્વારા વિકસાવાયેલી દ્વિ-જાતીય ચિકિત્સા (dual sex therapy) ઉપયોગી છે. તેઓ કામોત્તેજના-અભાવને ઉત્તેજનાત્મક અપક્રિયાશીલતા (orgasmic dysfunction) કહે છે. એકલી સ્ત્રીને સારવાર આપવામાં આવતી નથી પરંતુ યુગલને એકમ ગણીને સારવાર અપાય છે. દ્વિજાતીય ચિકિત્સામાં દર્દીસ્ત્રી સ્ત્રી-ચિકિત્સક સાથે અને પુરુષ-દર્દી પુરુષ-ચિકિત્સક સાથે વાત કરે છે. થોડીક મુલાકાતો બાદ ચારે જણાં વચ્ચે ગોળમેજી ચર્ચા યોજાય છે. ક્યારેક એક જ ચિકિત્સક બંનેની સાથે વાત કરે છે. જો પુરુષ કામોત્તેજના પરત્વે ઊણપ ધરાવતો હોય તો તેની સારવાર મહત્વની બની જાય છે.
પરેશ શાહ
અનુ. શિલીન નં. શુક્લ