કામેટ : હિમાચલ પ્રદેશના લાહૂલ-સ્પિટી જિલ્લાની પર્વતમાળાના મુખ્ય શિખરની ઉત્તરે અને ગઢવાલ જિલ્લાના કુમાઉં પ્રદેશમાં આવેલ હિમાલયની ગિરિમાળા. ભૌગોલિક સ્થાન : 300 54’ ઉ. અ. અને 740 37’ પૂ. રે.. તેની ઊંચાઈ 7,756 મી. છે. તે સતલજ નદીની દક્ષિણે અને શિવાલિક ગિરિમાળાથી ઈશાને 48 કિમી. દૂર છે. અલકનંદાની બે શાખાઓ કામેટની ડાબી અને જમણી બાજુથી નીકળે છે. તેનું એક શિખર અબિગામીન 7,008 મી. ઊંચું છે અને બીજું શિખર મિડ્સકોલ 5,160 મી. ઊંચું છે. કામેટ નજીક ખૈરાલ અને પૂર્વ કામેટ નામની બે હિમનદીઓ છે. સી. એફ. મીડે 1910માં કામેટ ઉપર જવાનો માર્ગ શોધી કાઢ્યો હતો. આથી કામેટના એક શિખરને તેમનું નામ આપવામાં આવ્યું છે. બ્રિટિશ પર્વતારોહકોએ 1931માં એફ. એસ. સ્મિથની આગેવાની નીચે કામેટ પર્વત ઉપર સ્થાનિક લોકોની સહાયથી આરોહણ કર્યું હતું.
શિવપ્રસાદ રાજગોર