કામિલ મહંમદ અમીન (જ. 3 ઑગસ્ટ 1924, કાશ્મીર; અ. 30 ઑક્ટોબર 2014, જમ્મુ) : કાશ્મીરી લેખક. ‘અમીન કામિલ’ કે ‘કામિલ કાશ્મીરી’ તરીકે પણ ઓળખાય છે. તેમણે ‘ગારિક’ના નામે ઉર્દૂમાં કવિતા લખી છે. બી.એ., એલએલ.બી. થઈને એસ. પી. કૉલેજ, શ્રીનગરમાં અધ્યાપક થયા. તેમણે ‘શીરાઝ’ તથા ‘સોન-આદાબ’ સામયિકોનું સંપાદન કર્યું હતું. કાશ્મીરી ગઝલ પર તેમનું પ્રભુત્વ હતું. વિવેચક તરીકે તેમણે વ્યાપક ખ્યાતિ મેળવી હતી. તેમણે નાટકો તથા નવલકથાઓ પણ લખ્યાં છે અને કાશ્મીરી ટૂંકી વાર્તાના અગ્રેસર લેખક ગણાતા હતા. શેખ વલીનાં કાવ્યોનું ‘નૂરનામા’ નામે સંપાદન, કાશ્મીરી ભાષાની રહસ્યવાદી કવિતાના ત્રણ વિવેચનાત્મક ગ્રંથો ‘સૂફી શાયરી’, ટાગોરનાં નાટકોના અનુવાદ, કાશ્મીરી કવયિત્રી ‘હબા ખાતૂન’ (1960) વિશેનું પુસ્તક એ તેમની અન્ય સાહિત્યસેવા. 1967માં ‘લવ તે પ્રવેહ’ (1965) નામના કાવ્યગ્રંથ માટે તેમને સાહિત્ય અકાદમીના એવૉર્ડનું બહુમાન મળેલું છે. ‘પદિસ પોડ ત્સે’ કાવ્યસંગ્રહ (1972) માટે રાજ્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર તેમને ‘મેઓલ’ નવલકથાના લેખક ગુલામ નબી ગૌહરના સહભાગી તરીકે 1975માં મળ્યો હતો. આ ઉપરાંત 1967માં સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ અને 2005માં પદ્મશ્રી એનાયત થયો હતો.
મહેશ ચોકસી