કામાગ્વે : પૂર્વ મધ્ય ક્યૂબાનું રાજ્ય તથા તેની રાજધાની. આ શહેર હાલ ન્યુએવીટાસ તરીકે ઓળખાય છે. જેનો વિસ્તાર 75 ચોકિમી. છે. તે 1514માં સાન્ટા-મારિયા-દ-ટ્યુરેટો તરીકે ઓળખાતું હતું. 1528માં આ શહેરનું નામ કામાગ્વે કરવામાં આવ્યું હતું. અહીં પશુપાલન, શેરડી અને ખેતીની પ્રવૃત્તિ વધુ વિકાસ પામી છે. ક્યૂબાના આંતરિક પ્રદેશનું સૌથી મોટું શહેર છે. પ્રાચીન સ્થાપત્યના અવશેષો અહીં જોવા મળે છે. જૂનું શહેર સાંકડું અને ગલીકૂંચીઓવાળું છે. અહીં સંદેશાવ્યવહાર, વ્યાપાર અને ઉદ્યોગોનો વધુ વિકાસ થયો છે. તે ક્યૂબાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલું હોવાથી પણ તેનું મહત્વ છે. ઉત્તર-પશ્ચિમે આવેલ હવાના સાથે તે રેલમાર્ગે સંકળાયેલું છે. કામાગ્વે અને હવાના વચ્ચે 1,570 કિમી. અંતર રહેલું છે. અગ્નિ દિશામાં આશરે 120 કિમી. દૂર આવેલું સાન્ટીયાગો-દ-ક્યૂબા અહીંનું મહત્વનું બંદર છે, અહીં હવાના યુનિવર્સિટીની એક શાખા આવેલી છે. આ શહેર આંતરરાષ્ટ્રીય હવાઈમથક ધરાવે છે. યુનો દ્વારા દર્શાવાયેલી વસ્તી 3.06 લાખ (2017) છે.

નીતિન કોઠારી