કામા, ખુરશેદજી રુસ્તમજી (જ. 11 નવેમ્બર 1831; અ. 20 ઑગસ્ટ 1909) : મુંબઈના પારસી સમાજ અને જરથોસ્તી ધર્મના આગેવાન. તે સામાજિક અને ધાર્મિક સુધારાના આગ્રહી હતા. જુનવાણી વિચારના લોકોએ તેમનો વિરોધ કર્યો હતો. પારસીઓ માટે ધર્મનું જ્ઞાન સુલભ બને એ માટે એમણે 1865માં ‘જરથોસ્ત દીનની ખોળ કરનારી મંડળી’ સ્થાપી હતી. વેપાર અર્થે ઇંગ્લૅન્ડ અને જર્મની ગયા હતા. પરદેશથી પાછા ફર્યા પછી એમણે મુંબઈથી ‘રાસ્ત ગોફતાર’ નામના સુધારાવાદી સાપ્તાહિક પત્રનું અગિયાર વર્ષ સુધી તંત્રીપદ સંભાળ્યું હતું. એમણે ઘણું લખ્યું હતું અને ઘણાં પ્રવચનો આપ્યાં હતાં. મુંબઈમાં એમની સ્મૃતિમાં કે. આર. કામા ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ સ્થપાયું હતું જે આજે પણ વિવિધ વિદ્યાકીય પ્રવૃત્તિઓ કરે છે.
મુગટલાલ પોપટલાલ બાવીસી