કામાકુરા : પ્રશાંત મહાસાગરમાં આવેલા જાપાનના હોન્શુ ટાપુનું એક મુખ્ય શહેર. ભૌગોલિક સ્થાન : 350 19’ ઉ. અ. અને 1390 33’ પૂ. રે.. આ શહેર યોકોહામાથી નૈર્ઋત્યમાં 15 કિમી. અંતરે અને મ્યુરા દ્વીપકલ્પ પાસે આવેલું છે. ત્રણે બાજુએ ટેકરીઓથી ઘેરાયેલું છે. અહીંની આબોહવા નરમ છે. દક્ષિણે સુંદર રેતીપટ (beach) આવેલો છે. 1180 સુધી નાના મત્સ્યગામ તરીકે તે ઓળખાતું હતું. ત્યારબાદ 300 વર્ષ સુધી તે જાપાનના બીજા પાટનગર તરીકે જાણીતું બન્યું હતું. 1603થી 1867 એટલે કે ટોકુગવાના સમય દરમિયાન અહીં અનેક વાર આંતરિક યુદ્ધ, સમુદ્રની પ્રચંડ ભરતી અને આગથી ઘણું નુકસાન થયું હતું. આ જ સમયમાં અહીં અનેક મંદિરો અને ધર્મશાળાઓ ઊભાં થયાં હતાં. આથી આ શહેરનું ઐતિહાસિક મહત્વ છે. 1945 પછી તેનો ઔદ્યોગિક વિકાસ થયો. અહીં કાંસામાંથી બનાવેલ ભગવાન બુદ્ધની વિશાળ મૂર્તિ આવેલી છે. કેનચોજી અને એનગાકુજી મહત્વનાં મંદિરોનું સ્થાપત્ય જોવાલાયક છે.
કામાકુરાનું ચિત્રકળાનું મ્યુઝિયમ પ્રખ્યાત છે. યુઈ-ગા-હામા અને સીચીરી-ગા-હામા એ સુંદર રેતીપટ જાણીતા છે. અહીં અનેક સહેલાણીઓ આવે છે. તેરમી સદીથી તે લાખનાં વાસણો માટે જાણીતું બન્યું છે. આજે આ શહેર નૃત્યકલા માટે પ્રખ્યાત છે. 2021 મુજબ તેની વસ્તી 1,66,016 જેટલી છે.
નીતિન કોઠારી