કામસૂત્ર (ઈ. ત્રીજી કે ચોથી સદી) : મહર્ષિ વાત્સ્યાયન-પ્રણીત કામશાસ્ત્રનો ઉપલબ્ધ પ્રાચીનતમ ગ્રંથ.

માનવજીવનના લક્ષ્યભૂત ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થો છે. પહેલા ત્રણ ‘ત્રિવર્ગ’ નામથી પ્રસિદ્ધ છે. ત્રિવર્ગના ત્રણેય પુરુષાર્થોનું ગૃહસ્થજીવનમાં સમાન મહત્વ હોઈ પ્રત્યેક પુરુષાર્થનું વિશદ વિવેચન કરતા અનેક ગ્રંથો સંસ્કૃત ભાષામાં ઉપલબ્ધ છે. ‘કામ’ વિશે પણ વિશાળ સાહિત્ય ઉપલબ્ધ છે. ‘કામસૂત્ર’ એમાં પ્રાચીનતમ ગણાય છે. વિષયવિવેચનની ર્દષ્ટિએ પણ તે ઉપલબ્ધ સર્વ ગ્રંથોમાં શ્રેષ્ઠ છે. વાત્સ્યાયન કામશાસ્ત્રના પ્રતિષ્ઠાપક છે, ઉદભાવક નહિ.

પ્રજાપતિથી આરંભી અનેક આચાર્યોએ સમગ્ર શાસ્ત્રનો સંક્ષેપ સમયે સમયે કર્યો. ત્યારપછી તેનાં જુદાં જુદાં અધિકરણોનો સંક્ષેપ સ્વતંત્ર ગ્રંથો રૂપે થયો. કાલક્રમે તે સંક્ષેપોનો પ્રચાર પણ અત્યલ્પ થઈ ગયો. મહર્ષિ વાત્સ્યાયને આ લુપ્ત થતા ગ્રંથોનો સારાંશ એકત્ર કરીને ‘કામસૂત્ર’ ગ્રંથનું નિર્માણ કર્યું. આમ કામશાસ્ત્ર અંગે સાંપ્રત સમયમાં ઉપલબ્ધ સર્વ ગ્રંથોમાં વાત્સ્યાયનનું કામસૂત્ર એ સર્વપ્રાચીન અને મૂર્ધન્ય ગ્રંથ છે.

વાત્સ્યાયન કોણ હતા અને ક્યારે થઈ ગયા તે વિશે નિશ્ચિતપણે કશું કહી શકાય એમ નથી. પ્રાચીન પરંપરા અનુસાર વાત્સ્યાયન એ અર્થશાસ્ત્ર ગ્રંથના કર્તા કૌટિલ્યનું નામાન્તર છે. પણ આ મત નવીન વિદ્વાનોને માન્ય નથી. મહર્ષિ ગૌતમના ‘ન્યાયસૂત્ર’ના ભાષ્યકાર વાત્સ્યાયન અને કામસૂત્રકાર વાત્સ્યાયન લગભગ સમકાલીન હોઈ આ બન્ને એક જ વ્યક્તિ હોવાનું પણ કેટલાક માને છે. કૌટિલ્ય અને વાત્સ્યાયનની એકતાનો મત અર્થશાસ્ત્ર અને કામશાસ્ત્રની રચનાશૈલી સમાન હોવાને આધારે ઉદભવ પામ્યો. ગમે તેમ પણ કામશાસ્ત્રની રચના અર્થશાસ્ત્રની રચનાને અનુસરીને થઈ તે ખરું. બન્નેય ગ્રંથોનો આરંભ વિષયસૂચિ, ત્રિવર્ગપ્રતિપત્તિ અને વિદ્યા-સમુદ્દેશ્ય એ વિષયોથી થયો છે અને અંત ઔપનિષદિક અધિકરણથી થયો છે. બન્નેય રચનાઓમાં અધિકરણ, અધ્યાય-પ્રકરણ અનુસાર નિરૂપણ થયું છે. અધ્યાયોને અંતે ‘भवन्ति चात्र श्लोकाः’ એમ કહી પૂર્વાચાર્યોના શ્લોકો વિષયપુષ્ટિ માટે મુકાયેલા છે.

કામસૂત્રમાં 7 અધિકરણો, 36 અધ્યાયો, 64 પ્રકરણો અને 1,664 સૂત્રો તથા બત્રીસ અક્ષરનો એક એવા 1,250 શ્લોકો છે. જોકે ઉપલબ્ધ ગ્રંથોમાં આ પ્રમાણ જળવાયું લાગતું નથી. કામસૂત્રમાં નિરૂપિત વિચારો ઉપર ગુપ્તયુગનો મોટો પ્રભાવ જણાય છે. શાસ્ત્રની સૂક્ષ્મતાઓ સમજનાર ‘નાગરક’ કહેવાય. નાગરકની રહેણીકરણી, મનોવિનોદનાં ઉપકરણો તથા અન્યાન્ય શાસ્ત્રવિષયક સામગ્રીનું જીવંત ચિત્ર કામસૂત્રમાં નિરૂપાયું છે. રાગની અભિવૃદ્ધિ નહિ પણ લોકયાત્રાનો નિર્વાહ એ આ ગ્રંથનું પ્રયોજન છે.

પ્રથમ ‘સાધારણ’ અધિકરણમાં શાસ્ત્રસંગ્રહ એટલે કે વિષયસૂચિ, ગ્રંથપ્રયોજન, કામસૂત્ર સાથે સંબદ્ધ સંગીત આદિ કલાઓનું અધ્યયન, નાગરક એટલે કે ચતુર, કામશાસ્ત્ર-વ્યવહારોના જ્ઞાતા પુરુષની દિનચર્યા, નાયક-નાયિકા, તેમને સહાય કરનાર દૂત-દૂતી આદિનું વિવેચન થયેલું છે.

દ્વિતીય અધિકરણ ‘સામ્પ્રયોગિક’માં રતિક્રીડા, આલિંગન, ચુંબન આદિ કામક્રીડાઓ, નખક્ષત, દંતક્ષત, વિવિધ પ્રકારનાં સંભોગાસનો, ચિત્રરત, પુરુષાયિત, પ્રણયકલહ આદિનું નિરૂપણ છે.

તૃતીય ‘કન્યાસમ્પ્રયુક્તક’ અધિકરણમાં સંભોગ અર્થે કુમારીના સહવાસને મહત્વ અપાયું છે. નાયક માટે વિવાહયોગ્ય કન્યા કઈ, તેનો પરિચય કઈ રીતે કરવો, પ્રેમસંબંધ કઈ રીતે બાંધવો, કયા ઉપાયો વડે કન્યાને પોતાના તરફ આકર્ષવી, કઈ રીતે તેને વિશ્વાસમાં લેવી, કઈ રીતે તેની સાથે વૈવાહિક સંબંધ સ્થાપિત કરવો આદિ વિષયોનું નિરૂપણ છે.

ચતુર્થ ‘ભાર્યાધિકારિક’માં વિવાહ પછી ભાર્યા થયેલી સ્ત્રીએ પતિને સંતોષ થાય એ રીતે ગૃહવ્યવસ્થા કઈ રીતે કરવી, પતિની સાથે કેમ વર્તવું જેથી વિવાહસંબંધ ર્દઢ થાય, સપત્નીઓ સાથે કેવો વ્યવહાર કરવો, ખાસ કરી રાજાઓએ અનેક સ્ત્રીઓ – પત્નીઓ સાથે કેવું વર્તન કરવું, વગેરે વિષયોની ચર્ચા છે. પતિપત્ની વ્યભિચારમાં પ્રવૃત્ત ન થાય અને પરસ્પર અનુરાગથી જીવન વ્યતીત કરે એ આ અધિકરણની ચર્ચાનો હેતુ છે.

પાંચમા ‘પારદારિક’ અધિકરણમાં પરસ્ત્રી સાથે કયા સંયોગોમાં રાગ ઉદભવે છે, કયા સંયોગોમાં આ રાગ નહિવત્ થાય, પરદારાને વશ કરવામાં ધૂર્ત પુરુષો કેવો વ્યવહાર કરે છે, કઈ સ્ત્રી આવા ધૂર્ત વ્યવહારને વશ થઈ શકે, દૂત-દૂતી કઈ રીતે આ કામમાં સહાયતા કરી શકે આદિ વિષયોનું નિરૂપણ છે.

છઠ્ઠા ‘વૈશિક’ અધિકરણમાં વારવનિતાઓના પ્રકાર, તેમનો પુરુષ સાથેનો વ્યવહાર, વારવનિતાઓને સહાયતા કરનાર વિટ, દૂતી આદિ સ્ત્રીપુરુષો, કોણે કોણે વારવનિતાનો સંબંધ ટાળવો, વારવનિતા સાથે સંબંધ રાખનાર નાયક કેવો હોય, દ્રવ્યપ્રાપ્તિ માટે વારાંગના શા શા ઉપાયો કરે, નિર્ધન થયેલા નાયકને કેમ કરી જાકારો દે છે આદિ વિષયોનું નિરૂપણ છે.

અન્તિમ ‘ઔપનિષદિક’ અધિકરણમાં નષ્ટ થયેલ અનુરાગને કઈ રીતે પુનર્જીવિત કરવો, વશીકરણ, વાજીકરણ વગેરેનો પ્રયોગ કેમ કરવો, સ્ત્રીપુરુષે શરીરશોભા કેમ સાચવવી અને વધારવી, વૃષ્યપ્રયોગોનો ક્યારે આશ્રય લેવાય, નપુંસકત્વનિવારણ માટે શા ઉપાયો કરવા આદિ વિષયોનું નિરૂપણ છે.

ભગવતીપ્રસાદ પંડ્યા