કામશાસ્ત્ર : મનુષ્યજીવનના ચતુર્વિધ પુરુષાર્થમાંના કામ-પુરુષાર્થનું શાસ્ત્ર. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષને જીવનના પુરુષાર્થચતુષ્ટય – ચાર પ્રકારના પુરુષાર્થ માન્યા છે. તેમાં જીવન દરમિયાન ચાલતી માણસની બધી પ્રવૃત્તિઓનું લક્ષ્ય ધર્મ, અર્થ અને કામ હોય છે. શાસ્ત્રકારોએ તેને ત્રિવર્ગ એવું નામ આપ્યું છે. કામસૂત્રકાર વાત્સ્યાયને ગ્રંથના પ્રારંભે ત્રિવર્ગને નમસ્કાર કરતાં પહેલું જ સૂત્ર મૂક્યું છે : ‘ધર્માર્થકામેભ્યો નમ:’.
શાસ્ત્રાજ્ઞાનું પાલન કરવું અને તે મુજબ વ્યવહાર ગોઠવવો તે ધર્મ છે. ધર્મનું જ્ઞાન શ્રુતિ અને શ્રુતિવિદો પાસેથી મળે છે. સુવર્ણ, જમીન, પશુ, ધન આદિને પ્રાપ્ત કરવાં અને પ્રાપ્ત કરેલાં તે બધાંને સાચવવાં તે અર્થ છે. અર્થનું જ્ઞાન રાજાઓના અધિકારીઓ અને વ્યાપારપ્રવૃત્તિમાં નિષ્ણાત વેપારીઓ પાસેથી મળે છે. કામ એટલે આત્માની સાથે જોડાયેલા મનની સહાયથી વિવિધ ઇન્દ્રિયો દ્વારા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધનો યથાર્થ ઉપભોગ કરવો તે. ઇન્દ્રિય અને તેના વિષયનો સંયોગ એ કામમાં અગત્યની બાબત છે. કામશાસ્ત્રની મદદથી કામનું જ્ઞાન થાય છે.
ધર્મ, અર્થ અને કામનું સુયોગ્ય સેવન કરનારને આ જીવનનું અને પછીના જીવનનું સુખ મળે છે. ધર્મની મર્યાદામાં રહીને અર્થ અને કામનું સેવન કરવું એવી શાસ્ત્રની આજ્ઞા છે.
ભારતીય દાર્શનિકોએ ધર્મ અને અર્થના જેટલી જ ગંભીરતાથી કામનું નિરૂપણ કર્યું છે. ઋગ્વેદના સૃષ્ટિના પ્રારંભવિષયક પ્રસિદ્ધ નાસદીય સૂક્તમાં કામનો ઉલ્લેખ આવે છે. ત્યાં કામને મનનું પ્રથમ બીજ ગણીને તેને અસત્ અને સત્ વચ્ચેનો સેતુ ગણ્યો છે. કામ ઉત્પન્ન થતાં જ સૃષ્ટિ આકાર પામવા લાગી. આમ સર્જનનું પ્રેરકબળ કામ છે. અગસ્ત્ય-લોપામુદ્રાના સંવાદમાં લોપામુદ્રા અગસ્ત્યને કામપ્રવૃત્તિ માટે પ્રેરણા આપે છે. વેદમાં અગ્નિ વગેરે દેવો પાસેથી વીર પ્રજા ઉત્પન્ન કરવાની શક્તિ માગવામાં આવી છે. અથર્વવેદમાં વશીકરણ, ગર્ભાધાન, ગર્ભપાત થતો અટકાવવા, વીર્ય વધારવા વગેરે માટેના મંત્રો છે. શુક્લ યજુર્વેદના સાતમા અધ્યાયના અડતાળીસમા મંત્રમાં એક પ્રશ્ન પૂછ્યો છે : ‘કોણે દાન કર્યું ? કોને દાન કર્યું ?’ પછી ઉત્તર આપતાં કહ્યું છે : ‘કામે દાન કર્યું, કામને દાન કર્યું. કામ દાતા છે, કામ પ્રતિગ્રહીતા છે.’ આમ કામને પ્રવર્તક પરિબળ તરીકે ગણાવેલ છે. તૈત્તિરીય ઉપનિષદમાં પ્રજાતંતુનો વિચ્છેદ ન કરવાનો, અર્થાત્ સંસારને આગળ ચલાવવાનો આદેશ આપ્યો છે. અન્યત્ર પણ સંસાર માંડીને કામપ્રવૃત્તિથી સર્જન કરીને પિતૃઋણ ફેડવાનો આદેશ આપ્યો છે. લગ્ન વખતે કન્યાના પિતા પોતાની પુત્રી વરને ‘ધર્મપ્રજાથી બંનેના વંશની વૃદ્ધિ માટે હું આપું છું’ એવા સ્પષ્ટ સંકલ્પપૂર્વક આપે છે. શ્રીમદભગવદગીતામાં ભગવાને ધર્મ-અવિરુદ્ધ કામને ધર્મની મર્યાદામાં રહીને આચરવામાં આવનાર કામને – પોતાનું જ સ્વરૂપ કહ્યો છે અને તે રીતે કામનું ગૌરવ કર્યું છે. રામાયણ, મહાભારત તથા પુરાણો ધર્મની મર્યાદામાં રહીને કામનું સેવન કરવાનો આદેશ આપે છે.
પોતાના ચિંતન-વિષયને શાસ્ત્રીય સ્વરૂપ આપવું તે ભારતીયોની ખાસિયત છે. આ રીતે આપણે ત્યાં ધર્મશાસ્ત્ર અને અર્થશાસ્ત્રની રચના થઈ છે. તે જ પ્રમાણે કામશાસ્ત્રની પણ રચના થઈ છે. કામશાસ્ત્ર આનંદ મેળવવાનું અને સર્જન કરવાનું લક્ષ્ય ઉત્તમોત્તમ રીતે સિદ્ધ થાય તેવા વિધિ બતાવે છે અને એ લક્ષ્યથી દૂર ન થઈ જવાય તે માટે નિષેધો બતાવે છે. ધર્મનો ભંગ થાય તેવી અને કામસુખ ઉત્પન્ન ન થાય તેવી કામપ્રવૃત્તિનો નિષેધ કામશાસ્ત્ર કરે છે.
વાત્સ્યાયને રચેલ ‘કામસૂત્ર’ નામના સંમાન્ય ગ્રંથમાં કામશાસ્ત્રના કેટલાક પૂર્વપ્રણેતાઓનો ઉલ્લેખ થયો છે. પ્રજાપતિએ સૃષ્ટિની રચના કર્યા પછી પ્રજાને જીવનનાં લક્ષ્યો (પુરુષાર્થો) સિદ્ધ કરવાનું માર્ગદર્શન આપવા એક લક્ષ (1,00,000) અધ્યાયોનો એક મહાગ્રંથ રચ્યો. તેમાંથી મનુએ ધર્મને લગતો ભાગ જુદો તારવ્યો, બૃહસ્પતિએ અર્થને લગતો ભાગ જુદો પાડ્યો અને મહાદેવના ગણ નંદીએ 1,000 અધ્યાયોમાં સમાયેલો કામને લગતો ભાગ જુદો પાડી આપ્યો. આ ભાગને ઔદ્દાલકિએ 500 અધ્યાયોમાં સંક્ષિપ્ત કર્યો. એ સંક્ષેપનો સંક્ષેપ પંચાલ બાભ્રવ્યે 7 અધિકરણો અને 150 અધ્યાયોમાં કર્યો. તેમાંથી પાટલિપુત્રની વેશ્યાઓની માગણીથી દત્તકે છઠ્ઠા વૈશિક અધિકરણનું જુદું નિરૂપણ કર્યું અને તે સિવાયના બીજા સાધારણ, સાંપ્રયોગિક, કન્યાસંપ્રયુક્તક, ભાર્યા, પારદારિક અને ઔપનિષદિક અધિકરણોનું નિરૂપણ અનુક્રમે ચારાયણ, સુવર્ણનાભ, ઘોટકમુખ, ગોનર્દીય, ગોણિકાપુત્ર અને કુચિમારે કર્યું. આમ અનેકોએ અનેક રીતે સંક્ષિપ્ત કરેલો કામશાસ્ત્રનો ગ્રંથ એટલો અર્થગૂઢ બની ગયો કે વાત્સ્યાયનને સામાન્ય માણસો સમજી શકે તેવું સરળ ‘કામસૂત્ર’ રચવાની જરૂર લાગી. વાત્સ્યાયને પોતાના ગ્રંથમાં ઉપર્યુક્ત ગ્રંથકારો ઉપરાંત आचार्याः, एके, अर्थचिन्तकाः, कामकारणिकाः વગેરે શબ્દોથી બીજા કામશાસ્ત્રકારોનું પણ સૂચન કર્યું છે.
વાત્સ્યાયન પછી થઈ ગયેલા કોકે ‘રતિરહસ્ય’, દામોદરે ‘કુટ્ટણીમત’, જ્યોતિરીશે ‘પંચસાયક’, પદ્મશ્રીએ ‘નાગરસર્વસ્વ’, શ્રી પ્રૌઢ દેવરાજ મહારાજે ‘રતિરત્નપ્રદીપિકા’, ક્ષેમેન્દ્રે ‘કન્દર્પચૂડામણિ’ તથા એક હરિહરે ‘શૃંગારમંજરી’ અને સોળમી સદીમાં થયેલા કલ્યાણમલ્લે ‘અનંગરંગ’ નામના ગ્રંથો રચ્યા છે. આમાંથી કેટલાક ગ્રંથકારોએ પોતાના ગ્રંથોમાં કર્ણિસુત, મુનિ, મુનીન્દ્ર, નન્દિકેશ્વર, રાજપુત્ર, મદનોદય, વિસુગ, રંતિદેવ, કશ્યપ, ચંદ્રમૌલિ, મહેશ, ભોજ, કવીન્દ્ર, ઈશ્વર, મહેશ્વર, બુધ, વિજ્ઞ એમ પૂર્વે થયેલા કામશાસ્ત્રીઓના ઉલ્લેખ કર્યા છે. આ ઉપરાંત ‘રતિરહસ્ય’ના ટિપ્પણીકાર દેવદત્ત શર્મા કાત્યાયનમાંથી અવતરણો આપે છે અને પંડિત મથુરાપ્રસાદ પોતાના ‘રતિકેલિકુતૂહલ’માં મલ્લડનો ઉલ્લેખ કરે છે. આ ઉપરાંત દંડીરચિત ‘નર્મકેલિકૌતુકસંવાદ’ અને વ્યાસ જનાર્દનરચિત ‘કામપ્રમોદ’ પણ ઉલ્લેખાયા છે. કેવળ શૃંગાર ઉપર રચાયેલું કાલિદાસનું મનાતું ‘શૃંગારતિલક’, ભર્તૃહરિનું ‘શૃંગારશતક’, જગન્નાથનું ‘શૃંગારવિલાસ’ વગેરે પ્રસિદ્ધ છે. આ ઉપરાંત કાલિદાસ, બાણ, ભવભૂતિ, માઘ આદિ અનેક કવિઓની કૃતિઓમાં કામશાસ્ત્રને અનુસરીને નિરૂપણો થયાં છે.
પ્રાચીન સમયમાં મંદિરો ઘણી બધી કલાઓનું પિયરઘર હતાં. તે રીતે પ્રાચીન મંદિરોની દીવાલો ઉપર સુંદર શિલ્પો કંડારાયેલાં છે. તેમાંથી ઈ. સ. ત્રીજી સદીના નાગાર્જુન કોંડાનાં શિલ્પો, આઠમી સદીના મૈસૂરના હુરછીપ મઠનાં, નવમી સદીના કાશ્મીર અવન્તીપુરના અવંતીશ્વરનાં મંદિરોનાં, દસમી સદીના ઓરિસાનાં મંદિરોનાં, અગિયારમી સદીનાં ખજુરાહોના દેવીજગદમ્બા મંદિરનાં, પાર્શ્વનાથ મંદિરનાં, વિશ્વનાથ મંદિરનાં, કંદરીય મહાદેવ મંદિરનાં, ભુવનેશ્વરનાં લિંગરાજ અને રાજરાણી મંદિરોનાં, બારમી સદીનાં ઇન્ડિયન મ્યુઝિયમ – કોલકાતામાંનાં તથા તેરમી સદીનાં કોણાર્કના મંદિરનાં અને એ ઉપરાંત ગુજરાતમાં પણ શામળાજી, મોઢેરા, ગળતેશ્વરનાં મંદિરોનાં શિલ્પોમાં કામશાસ્ત્ર અનુસાર ભોગાસનો દર્શાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત ઈ. સ. સોળમી, સત્તરમી, અઢારમી અને ઓગણીસમી સદીનાં કેટલાંક બુંદી, મુઘલ, મારવાડ, માળવા, પહાડી, રાજપૂત તથા ડેક્કન શૈલીનાં તથા બીકાનેર અને બુંદી લઘુચિત્રશૈલીનાં ચિત્રોમાં સ્ત્રી-પુરુષના પ્રેમની જુદી જુદી સ્થિતિઓનું રંગસભર નિરૂપણ કરવામાં આવ્યું છે તેમાં પણ કામશાસ્ત્રની વ્યાપક અસર વરતી શકાય છે.
સંસ્કૃત ગ્રંથોમાં ‘રતિ’, ‘કામ’, ‘શૃંગાર’ એવા શબ્દો જોવામાં આવે છે. જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિ પ્રત્યે આકૃષ્ટ થાય ત્યારે તેના મનની જે ઊર્મિમય અવસ્થા બને છે તે રતિ છે. આ આકર્ષણ દેવ, રાજા, ગુરુ, માતાપિતા, મિત્ર, બાળક, સ્ત્રીપુરુષ વગેરે માટે હોઈ શકે. પરંતુ જ્યારે આવું આકર્ષણ જાતીય હોય એટલે કે સ્ત્રીનું પુરુષ માટે કે પુરુષનું સ્ત્રી માટે હોય ત્યારે તેને માટે શૃંગાર, કામ વગેરે શબ્દો પ્રયોજાય છે. કાવ્યશાસ્ત્ર અને નાટ્યશાસ્ત્રના લેખકોએ જુદા જુદા ભાવો, અનુભાવો, સ્મરદશાઓ અને સંભોગાવસ્થાનું વર્ણન કરીને આ વિષયનું સૂક્ષ્મ નિરૂપણ કરેલું છે.
વિષયોનો આનંદ સુયોગ્ય રીતે મેળવવામાં અને જીવનમાંથી જીવન પ્રગટાવવામાં કામશાસ્ત્ર માર્ગદર્શન આપે છે તથા એ રીતે જીવનને હૃદ્ય બનાવવાનો પુરુષાર્થ કરે છે. કામશાસ્ત્રકારો કહે છે : સહુએ, ખાસ કરીને સ્ત્રીઓએ કામશાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ, કેમ કે સંસારને સુરમ્ય બનાવવાનું ભારે ઉપયોગી કાર્ય કરવાની જવાબદારી સ્ત્રીઓ ઉપર રહેલી છે. સ્ત્રીએ પોતાની સાથે ઊછરેલી કોઈ ધાત્રીની પુત્રી પાસેથી, કોઈ વિશ્વસનીય સખી પાસેથી, પોતાની માસી પાસેથી, પોતાની બહેન પાસેથી અથવા પોતાના કુટુંબમાં રહી ગયેલી કોઈ ભિક્ષુકી પાસેથી પણ 64 કળાઓનું જ્ઞાન મેળવવું જોઈએ. આ કળાઓમાં સંગીત, ચિત્ર, મૂર્તિ બનાવવાની, સમસ્યા પૂરવાની, પથારી પાથરવાની, સીવવાની, બાગાયતની વગેરે કળાઓનો સમાવેશ થાય છે. આ કળાઓમાં પારંગત સ્ત્રી ઘરને રમણીય બનાવે છે અને આ કળાઓનો જાણકાર પુરુષ જલદીથી સ્ત્રીઓનાં હૃદયો જીતી શકે છે.
શાસ્ત્રકારોએ ઘર ચલાવનાર ગૃહસ્થને નાગરક કહ્યો છે. નાગરક પાસે બધી સગવડોવાળું, બગીચાવાળું અને બગીચાઓમાં હીંચકાવાળું સુંદર મકાન હોવું જોઈએ. એક આદર્શ મકાનની સુઘડ કલ્પના કામસૂત્રમાં આપેલી છે. આવાં મકાનવાળાં ઘરોમાં નાગરકે વહેલાં ઊઠવું જોઈએ. દંતધાવન, સુગંધી તેલથી શરીરમર્દન, અંજન, સ્નાન કરવાં જોઈએ. પછી ઓઠને અળતાથી રંગી અરીસામાં પોતાનું મુખ જોવું જોઈએ. પછી પાન ખાવું જોઈએ, પુષ્પહાર પહેરવા જોઈએ. અને પછી પોતાના કામમાં લાગી જવું જોઈએ. તેણે દર ચાર દિવસે મુંડન કરાવવું જોઈએ. સવારે, બપોરે અને રાતે ભોજન કરવું જોઈએ તથા પીઠમર્દો, વિદૂષકો અને વીરોની સાથે વાર્તાપ્રમોદ કરવો જોઈએ. આ રોજિંદા કાર્યક્રમ ઉપરાંત તેણે પ્રસંગોપાત દેવોના માનમાં ઉત્સવો, સ્ત્રીપુરુષોનાં સંમેલનો, પાનોત્સવો, પર્યટનો યોજીને પોતાની રોજિંદી પ્રવૃત્તિઓમાં વૈવિધ્ય આણવું જોઈએ.
શાસ્ત્ર કહે છે : પોતાના વર્ણની કન્યા સાથેનો પરિણયસંબંધ સંમાન્ય છે અને તેનાથી જન્મેલી સંતતિ કીર્તિપ્રદ અને ધર્મ્ય છે. પરંતુ પોતાનાથી ઊંચી જ્ઞાતિની સ્ત્રી સાથે કે પરસ્ત્રી સાથે કામસંબંધમાં ઊતરવું જોઈએ નહિ. તે જ પ્રમાણે નીચા વર્ણની જ્ઞાતિમાંથી બહિષ્કૃત થયેલી, બે વાર પરણેલી સ્ત્રીઓ તથા વેશ્યાઓની સાથે સંબંધ બાંધવાનો આદેશ પણ નથી તેમ નિષેધ પણ નથી. રક્તપિત્તવાળી, ગાંડી, ખાનગી વાત જાહેર કરી દેનારી, જાતીય સંબંધની જાહેરમાં ઇચ્છા કરનારી, ખૂબ ગોરી કે ખૂબ કાળી, નજીકના સગપણમાં રહેલી, સખી, સંયમી જીવન જીવતી અને સગાની, મિત્રની, વિદ્વાન બ્રાહ્મણની અને રાજાની પત્ની સાથે કામસંબંધમાં આવવું જોઈએ નહિ.
આ ઉપરાંત કામશાસ્ત્રમાં આદર્શ દૂતીનાં લક્ષણો પણ આપવામાં આવ્યાં છે.
હવે રતિક્રીડા અથવા વાત્સ્યાયનના શબ્દપ્રયોગ પ્રમાણે ‘સંપ્રયોગ’ ઉપર આવીએ તો કામશાસ્ત્રકારોએ તેના બે વિભાગ કર્યા છે : બાહ્યરત અને આભ્યંતર રત. બાહ્યરત દ્વારા રતિક્રીડા માટેની ઇચ્છાનું ઉદ્દીપન કરવામાં આવે છે. આમાં મુખ્ય ઉપયોગી ઇન્દ્રિય છે ત્વચા. ત્વચા જેમ શરીરના અંદરના ભાગોનું રક્ષણ કરે છે તેમ તે બહારની દુનિયા સાથેનો પણ આપણો સંવેદનશીલ પરિચય કરાવે છે. જાતીય ઉદ્દીપન માટે સ્પર્શની પ્રબળ શક્તિ સ્વીકારાઈ છે. આથી કામશાસ્ત્રમાં આલિંગન અથવા ઉપગૂહન, ચુંબન, નખચ્છેદન અથવા નખક્ષત, દંતચ્છેદ્ય અથવા દંતક્ષત, નાડીક્ષોભણ, કરિકરક્રીડા, પ્રહનન, સીત્કૃત ગ્રહણ, કચગ્રહ કેશકર્ષણ, મર્દન, જિહ્વાપ્રવેશ, ચૂષણ, રસપાન, સંતાડિત આદિનું તથા તેના ઉપવિભાગોનું સૂક્ષ્મ નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્ત્રીઓનાં કામસ્થાનો, ચંદ્રકળાઓ, રતિતિથિઓ, રતિકળાઓ અને ચંદ્રકળાપ્રબોધન વિધિઓની વિવેચના કરવામાં આવી છે. પદ્મશ્રી કહે છે કે કેટલાક મંત્રો દ્વારા સ્ત્રીઓની 24 નાડીઓ ઉદ્દીપિત થાય છે.
વાત્સ્યાયન આદિ કામશાસ્ત્રકારોએ રતિક્રીડા માટેના ખંડનું વર્ણન કરતાં કહ્યું છે : ખંડ વિશાળ, પ્રકાશવાળો, ધોળાયેલી દીવાલોવાળો, સુશોભિત, સુગંધી, સંગીતની સ્વરાવલિઓથી નિનાદિત હોવો જોઈએ. સ્ત્રી-પુરુષ પણ સુંદર વેશભૂષાવાળાં, સુગંધિત અને તાંબૂલ ચાવતાં હોવાં જોઈએ.
‘કુટ્ટણીમત’માં આદર્શ પ્રેમીનાં લક્ષણ મળી આવે છે. તે મધુર વાણીવાળો, રોચક કથાનકો અને વાતો કહેવાનો શોખીન, સંપત્તિવાળો અને સુંદર દેખાવવાળો હોવો જોઈએ. તેમાં આદર્શ પ્રણયીનાં શારીરિક લક્ષણો અને માનસિક વલણોનું વર્ણન આવે છે.
કેટલાક કામશાસ્ત્રીઓએ સ્ત્રીની યોનિના ચાર પ્રકારો ગણાવ્યા છે, જ્યારે ફક્ત જયદેવ નામના કામશાસ્ત્રીએ જ લિંગના બે પ્રકાર દર્શાવ્યા છે.
સંભોગમાંથી સુખપ્રાપ્તિની જુદી જુદી માત્રાઓનું વિવેચન કરતાં કામશાસ્ત્રે શરીર અને અવયવોના પ્રમાણને અનુસરીને પુરુષ અને સ્ત્રીના ત્રણ ત્રણ ભાગ પાડ્યા છે. તે મુજબ પુરુષ (1) શશ, (2) વૃષભ અને (3) અશ્ર્વ પ્રકારના હોય છે, જ્યારે સ્ત્રી (1) મૃગી, (2) વડવા (ઘોડી) અને (3) કરિણી પ્રકારની હોય છે. શશ પુરુષ અને મૃગી સ્ત્રી, વૃષભ અને વડવા સ્ત્રી તથા અશ્ર્વ અને હસ્તિની વચ્ચેનો સંબંધ સમાન હોય છે. તેમના અવયવો એકબીજાના મેળમાં હોય છે, જ્યારે બાકીના વચ્ચેના સંબંધો એટલા સુખકારક નીવડતા નથી.
સ્ત્રીપુરુષના કામાવેગ પણ ત્રણ પ્રકારના હોય છે : મંદવેગ, મધ્યમવેગ અને ચંડવેગ. તે રીતે પણ સરખા વેગવાળાં સ્ત્રીપુરુષોના સંબંધો આનંદપ્રદ હોય છે, જ્યારે અણસરખા વેગવાળાં સ્ત્રીપુરુષોના સંબંધો અલ્પસંતોષ કે અસંતોષ આપનારા હોય છે. આમ તેમની ર્દષ્ટિએ પણ નવ પ્રકારના સંભોગ થાય છે.
સંભોગક્રિયામાં લેવાતા સમય અનુસાર શીઘ્રકાલ, મધ્યકાલ અને ચિરકાલ એવા પ્રભેદો અનુસાર પણ સંભોગના બીજા પ્રકારો થાય છે. કામશાસ્ત્રના વિદ્વાનોએ નિરીક્ષણો અને ચર્ચાઓ દ્વારા એવું તારણ કાઢ્યું છે કે સંભોગક્રિયામાં પુરુષ અને સ્ત્રીનું કાર્ય જુદા જુદા પ્રકારનું હોવા છતાં તેમને એકસરખો આનંદ મળે છે. પ્રથમ જાતીય સમાગમ વખતે પુરુષનો રાગાવેગ પ્રબળ હોય છે અને તેનો સમય ટૂંકો હોય છે, પણ તે જ દિવસે પછીના બધા સમાગમોમાં સ્ત્રીનો રાગાવેગ પુરુષના રાગાવેગ કરતાં પ્રબળ બનતો જાય છે અને તેનો સમય ટૂંકાતો જાય છે.
સંભોગ સમયે સ્ત્રીપુરુષનાં સંવેશનો જુદી જુદી રીતનાં હોઈ શકે. આને આસન, કરણ, બંધ, લય, સંવેશન, સંપ્રયુક્ત, નિધિ એવાં નામ આપવામાં આવે છે. લોકપ્રિય રીતે આવાં 84 ભોગાસનો છે પણ વૈજ્ઞાનિક ઢબે લખાયેલા ગ્રંથોમાં બરાબર આટલી સંખ્યાનાં ભોગાસનો આપવામાં આવેલાં નથી.
કેટલાક કામશાસ્ત્રીઓએ સ્ત્રીનાં સ્વભાવગત અને શરીરગત લક્ષણો અનુસાર પદ્મિની, ચિત્રિણી, શંખિની અને હસ્તિની એવા પ્રકારો પણ પાડ્યા છે. આમાં પદ્મની સુગંધવાળી પદ્મિની સ્ત્રીને શ્રેષ્ઠ માનવામાં આવે છે.
આભ્યંતર રતિના બે ભાગ છે : નાયક-પ્રયુક્ત અને નાયિકા-પ્રયુક્ત. આ બંને રીતે નીચેના પેટાપ્રકારો અથવા આસનો બને છે. ઉત્તાન અથવા ઉત્તાનક, પાર્શ્વ અથવા તિર્યક્ અથવા આણિક્ય, ઉપવિષ્ટ અથવા આસીનક અથવા આસીન, સ્થિત અથવા ઊર્ધ્વ, વ્યાનત અથવા પશુબંધ, વિપરીત અથવા પુરુષાયિત અથવા વીરાયિત. આના પણ અનેક પેટાવિભાગો પડે છે.
બધા લેખકોએ કેટલીક પરિસ્થિતિમાં કામસંબંધની કડક મનાઈ ફરમાવી છે. તે મુજબ સ્ત્રી જ્યારે માસિકધર્મમાં હોય, તેને તાજેતરમાં જ પ્રસવ થયો હોય, તે સગર્ભા હોય, કન્યા હોય, બહુ પાતળી હોય, વિકૃત કે વાંકી વળી ગયેલી હોય, તાવથી પીડાયેલી હોય ત્યારે તે કામસંબંધ માટે યોગ્ય નથી.
વિપરીત રતિ શારીરિક રીતે હાનિકર્તા હોઈને શાસ્ત્રકારોએ તેની ખાસ તરફેણ કરી નથી.
આ ઉપરાંત શાસ્ત્રકારોએ ભારતના જુદા જુદા પ્રદેશનાં સ્ત્રી-પુરુષોની જુદી જુદી જાતીય ખાસિયતો નોંધી છે. જ્યારે વિજાતીય સંબંધ શક્ય ન હોય તે પરિસ્થિતિમાં શાસ્ત્રકારોએ કામતપ્ત સ્ત્રીપુરુષોની જાતીય આનંદ લેવાની કેટલીક કૃત્રિમ રીતિઓ પણ નોંધી છે. અલબત્ત આની તરફેણ કરી હોય તેવું જોવા મળતું નથી. આ ઉપરાંત નષ્ટરાગ અથવા ધ્વસ્તરાગ કે મંદરાગ પુરુષો માટે કૃતકધ્વજ, અપદ્રવ્ય અથવા કૃત્રિમ લિંગનો ઉપયોગ પ્રચલિત હતો તેમ જણાવી તેનું વિસ્તારથી નિરૂપણ કર્યું છે અને લિંગવ્યાધાન પદ્ધતિઓ બતાવી છે. આ ઉપરાંત ઉદ્દીપન માટે મંત્ર પદ્ધતિઓ અને ઔષધિઓનું નિરૂપણ પણ કરવામાં આવ્યું છે.
‘કામસૂત્ર’થી ‘અનંગરાગ’ સુધીમાં કામશાસ્ત્ર વિશેના અનેક ગ્રંથો રચાયા હોવા છતાં અને ‘કામસૂત્ર’ પછીના ગ્રંથોમાં ઘણી બધી વિગતો ઉમેરાઈ હોવા છતાં કામશાસ્ત્રવિષયક વિદ્યમાન સુબદ્ધ પ્રાચીન ગ્રંથ તરીકે વાત્સ્યાયનના ‘કામસૂત્ર’ને ઉચિત રીતે જ સન્માન મળેલું છે. અર્થશાસ્ત્રની ઢબે લખાયેલા આ ગ્રંથની શૈલી કંઈક શુષ્ક અને પાંડિત્યસભર છે. છતાં આ વિષયમાં પછીના બધા વિદ્વાનોનો અને કવિઓનો તે પ્રેરણાસ્રોત બન્યો છે. કેટલાકના મત પ્રમાણે વાત્સ્યાયનનું આખું નામ પંચકર્ણ વાત્સ્યાયન હતું, જ્યારે બીજા કેટલાક કહે છે કે વાત્સ્યાયન, મલ્લનાગ, કૌટિલ્ય, દ્રમિલ, પક્ષિલસ્વામી એ બધાં એક જ વ્યક્તિનાં નામ છે. ભોજ વાત્સ્યાયનને કાત્યાયન કહે છે, જ્યારે યશોધર કહે છે કે કામસૂત્રકારનું પ્રથમ નામ મલ્લનાગ હતું અને વાત્સ્યાયન તેનું કુળ નામ છે. વિદ્વાનો તેને ઈ.સ.ની પહેલીથી ચોથી સદીમાં મૂકે છે.
કામના આવા વિગતપ્રચુર નિરૂપણ ઉપરથી જીવનમાં કામ જ મુખ્ય છે તેમ માનવાનું નથી. વાત્સ્યાયને પ્રારંભે જ ધર્મ, અર્થ, કામની વંદના કરીને ત્રણેયનું મહત્વ સ્વીકાર્યું છે. કામસેવન સંસારસુખ આપે છે અને તે પણ ઇષ્ટ છે, છતાં ધર્મપ્રધાન કામ જ શાશ્વત આનંદ આપે છે તેમ રામાયણ-મહાભારત આદિ ગ્રંથો સ્પષ્ટ નિરૂપે છે.
પરમાનંદ દવે