કાબુકી નાટ્ય : જાપાની નાટ્યપ્રકાર. વાસ્તવિક નિરૂપણ અને શૈલીગત નિરૂપણના સમૃદ્ધ મિશ્રણથી રંજિત સંગીત, નૃત્ય, મૂક અભિનય અને ઝળકાટભર્યા મંચ-સન્નિવેશ અને પરિવેશના અંશોથી સભર છે. અત્યારની જાપાની ભાષામાં આ શબ્દ ત્રણ વર્ણ(alphabets)માં આલેખાય છે, જેમાં ‘કા’ એ ગીત, ‘બુ’ એ નૃત્ય અને ‘કી’ એ ચાતુરી કે ચાતુર્ય (skill) સૂચવે છે.
મુખ્યત્વે ઊર્મિગીતની ઢબનાં આ નાટકોનો ઝોક સાહિત્યિક કરતાં વધુ તો તેમાં ભાગ લેતાં નટ-નટીઓના ર્દશ્યાત્મક અને સ્વરાત્મક અભિનય માટેના વિશાળ કલાકસબને વાહન પૂરું પાડવા તરફ હોય છે. કાબુકી નટો આ પરંપરાને પેઢીઓથી સાચવી વિકસાવતા રહ્યા છે. નટ અને પ્રેક્ષકો વચ્ચે થતું આદાનપ્રદાન, એ રીતનું સંધાન એ આ પરંપરાનું મુખ્ય લક્ષણ રહ્યું છે.
આ સ્વરૂપનો ઇતિહાસ ઈ.સ.ની સોળમી સદીના ઉત્તરાર્ધથી શરૂ થાય છે. તે સમયની બૌદ્ધ ધર્મની પ્રાર્થના-પદ્ધતિથી માંડીને લાકડાંનાં બીબાંની નકશી પરથી છાપવા માટે બનાવેલાં રોજિંદાં ર્દશ્યો અને સામાન્યજનના ચળકાટભર્યા પહેરવેશોને ઝીલતી કલાની છટાઓ – એમ જે કાંઈ સર્વસામાન્ય અને ચમત્કૃતિભર્યું હોય, તે સર્વનો સતત નમનીય (elastic) રહેલી આ નાટ્યપરંપરામાં સમાવેશ થતો આવ્યો છે.
જાપાનની નાટ્યપરંપરાઓ અતિ પ્રાચીન છે. એમાં શાહી દરબારની નૃત્યવિધિ જે બુગાકુ તરીકે ઓળખાય છે, તેનો અને ‘નો’ નાટ્યનો સમાવેશ થાય છે. કાબુકી એ વિવિધ અંશો સંગ્રહતી આવતી ખુલ્લી પરંપરા છે, તેમાં અગાઉના નાટ્યપ્રકારોમાં જે ભદ્ર-સમાજલક્ષિતાને કારણે આવતી સંકુચિતતા હતી, તેમાંથી છૂટીને નાટ્ય હવે સામાન્ય નગરજન અને ખેડૂતવર્ગને માટે રજૂ થતું લાગે છે. એ અનુસાર કાબુકીની રીતિ પણ કંઈક વધુ રુક્ષ અને મુક્ત, ભભકભરી રહી છે. એની નેમ આંખકાનના વિશ્વને સાંધવાની છે, નહિ કે બુદ્ધિગમ્ય અનુભવોને.
કાબુકીનું વિષયવસ્તુ ઐતિહાસિક નાટ્ય (jidaimono) અને ઘરગથ્થુ નાટ્ય (sewamono) એવા એવા વિભાગોમાં વહેંચાયેલું રહે છે. કાબુકી નાટ્યનો એક કાર્યક્રમ હોય તો તેમાં વિષયવસ્તુ આ ક્રમે રજૂ થાય છે અને એ વિભાગોને જુદા પાડતા એક-બે નૃત્યનાટકના પ્રયોગો રજૂ થાય છે. એમાં ભૂતપ્રેત, ગણિકાઓ જેવી ચિત્રવિચિત્ર પાત્રસૃષ્ટિ વિહરતી કરાય છે. અંતે સંવેગશીલ નૃત્યવિશેષ આવે છે, જેમાં મોટો નટસમૂહ જોડાઈ રહે છે.
કાબુકી નાટ્યમાં ઉપદેશાત્મક તત્વ સવિશેષ રહેલું હોય છે, જેમાં વિશ્વની ક્ષણભંગુરતા જેવા બૌદ્ધ પરંપરાના ધાર્મિક અંશો તેમજ ફરજનું મહત્વ આગળ કરતા કન્ફૂશિયસ મતના નૈતિક અંશો દોહરાવવામાં આવે છે. સંરચનાની ષ્ટિએ અહીં એક કે બે વસ્તુઘટકો(themes)ને સંકુલ ઘટનાપરંપરામાં પ્રયોજી લેવામાં આવે છે અને પાશ્ચાત્ય નાટ્યની સુશ્લિષ્ટતાને બદલે ખૂલતી – વહેતી રહેતી પ્રસંગલક્ષી રીતિ અપનાવાય છે. આ મોકળાશ છતાં કાબુકી નાટ્ય એ શૈલીગત શુદ્ધતા પર ભાર મૂકતું સ્વરૂપલક્ષી (formal) નાટ્ય છે. કાબુકી નૃત્ય એ કદાચ તેનું સૌથી વધુ જાણીતું બનેલું અંગ છે. અત્યારે કાબુકી ટોકિયોમાંના કાબુકી થિયેટર અને નૅશનલ થિયેટરમાં તેમજ અન્ય સ્થળોએ ભજવાય છે, તેનો સમય ચારથી પાંચ કલાકનો રહે છે. રજૂઆતમાં પ્રણાલીગત અંશોના સાતત્યની ખેવના મુખ્યત્વે કાર્ય કરે છે.
દિગીશ મહેતા