કાબરા, કિશોર (ડૉ.) (જ. 26 ડિસેમ્બર 1934, મન્દસૌર, મધ્યપ્રદેશ; અ. 25 માર્ચ 2022, અમદાવાદ) : હિંદી લેખક. તેમણે એમ.એ.; પીએચ.ડી. અને સાહિત્યરત્નની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ કેન્દ્રીય વિદ્યાલયમાં અધ્યાપનકાર્ય સંભાળ્યું. ત્યાંથી તેમણે ઉપાચાર્યપદેથી રાજીનામું આપીને સ્વતંત્ર લેખન અને સંપાદનકાર્ય સંભાળ્યું અને ધીમે ધીમે તેઓ સાહિત્યને સંપૂર્ણપણે સમર્પિત થયા.

તેમણે હિંદી સાહિત્યમાં વિપુલ પ્રમાણમાં પ્રદાન કર્યું છે. તેમની કૃતિઓ છે : મહાકાવ્ય : ‘ઉત્તર મહાભારત  અભિવ્યક્તિ’ (1990), ‘ઉત્તર રામાયણ  અવિરામ’ (1994); ખંડકાવ્ય : ‘પરિતાપ કે પાંચ ક્ષણ’ (1979), ‘ધનુષભંગ’ (1982), ‘નરો વા કુંજરો વા’ (1994); સતસઈ : ‘કિશોર સતસઈ’ (1997); કાવ્યસંગ્રહ : ‘જલતે પનઘટ બુઝતે મરઘટ’ (1972), ‘સાલે કી કૃપા’ (1975), ‘ટૂટા હુઆ શહર’ (1983), ‘ઋતુમતી હૈ પ્યાસ’ (1990), ‘હાશિયે કી કવિતાએં’ (1995), ‘મૈં એક દર્પણ હૂં’ (1996), ‘સારથી મેરે રથ કો લૌટા લે’ (1997), ‘ચંદન હો ગયા હૂં’ (1999); શોધપ્રબંધ અને નિબંધ : ‘રીતિકાલીન કાવ્ય મેં શબ્દાલંકાર’ (1975), ‘સાહિત્યનિબંધ’ (1994), ‘અધ્યયન, મનન ઔર અનુશીલન’ (2000); બાલસાહિત્ય : ‘તિતલી કે પંખ’ (1972), ‘ટિમટિમ તારે’ (1975), ‘બાલ રામાયણ’ (1979), ‘આજ યૌવન ને પુકારા દેશ કો’ (1985), ‘બાલકૃષ્ણાયન’ (1989), ‘હમ સબ પંછી’ (1992), ‘સદાચાર કી કહાનિયાઁ’ (1993), ‘ચોર કી ખોજ’ (1993), ‘નીતિ કી કહાનિયાઁ’, ‘ખટ્ટે અંગુર’ (1994), ‘રોચક કહાનિયાઁ’ (1994), ‘ભારત દર્શન’ (1995), ‘ભારત કે દર્શનીય સ્થલ’ (1998); વાર્તાસંગ્રહ : ‘એક ટુકડા જમીન’ (1991), ‘એક ચુટકી આસમાન’ (1993); ‘બૂંદ-બૂંદ કડવા સચ’ (1997). આ ઉપરાંત તેમણે 75 ગ્રંથોનો અનુવાદ, સંપાદન અને સંકલન કર્યું છે.

કાબરા, કિશોર (ડૉ.)

તેમને ઉત્તરપ્રદેશ હિંદી સંસ્થાન પુરસ્કાર; મહાકવિ રાષ્ટ્રીય આત્મા પુરસ્કાર; અર્ચના પુરસ્કાર; જયશંકરપ્રસાદ પુરસ્કાર; મારવાડી સંમેલન પુરસ્કાર; નૅશનલ કાઉન્સિલ ઑવ્ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ બાલ પુરસ્કાર; ઉત્તર પ્રદેશ હિંદી સંસ્થાન સૌહાર્દ પુરસ્કાર; ગુજરાત હિંદી વિદ્યાપીઠ ગરિમા પુરસ્કાર; હિંદી સાહિત્ય અકાદમી હિંદી સેવા પુરસ્કાર; પં. દીનદયાલ ઉપાધ્યાય પુરસ્કાર; લોક તેજ હિંદી સાહિત્ય સેવા સન્માન; ગુજરાત હિંદી સમાજ વિકાસ પરિષદ સન્માન તેમજ 1998ના વર્ષનો ગુજરાત રાજ્ય હિંદી સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યાં છે. તેમને ‘સાહિત્યકલાશ્રી’, ‘સાહિત્યશિરોમણિ’, ‘વિદ્યાવાચસ્પતિ’, ‘રાષ્ટ્રભાષા આચાર્ય’, ‘સાહિત્યશ્રી’, ‘સાહિત્યમણિ’ જેવા ખિતાબોથી સન્માનિત કરવામાં આવ્યા છે.

તેઓ સાહિત્યલોક, હિંદી સાહિત્ય પરિષદ, હિંદી સાહિત્ય અકાદમી, અભિનવ ભારતી, ગીતાંજલિ વગેરે સંસ્થાઓમાં પદાધિકારી, સભ્ય અને સક્રિય કાર્યકર તરીકે સંકળાયેલા હતા. ‘ભાષા-સેતુ’ ત્રિમાસિકનું 6 વર્ષ સુધી તેમણે સંપાદન કર્યું. તેમનું ખંડકાવ્ય ‘ધનુષભંગ’ વિવિધ યુનિવર્સિટીઓમાં પાઠ્યપુસ્તક તરીકે સ્વીકારાયું હતું. તેમની ‘બાલ રામાયણ’ કૃતિનું ધ્વનિમુદ્રણ કરવામાં આવ્યું છે. તેમના ઘણા ગ્રંથો ગુજરાતી, પંજાબી, મલયાળમ, સિંધી, અંગ્રેજી વગેરે ભાષાઓમાં અનૂદિત કરવામાં આવ્યા છે.

બળદેવભાઈ કનીજિયા