કાબર (Indian-Myna) : વર્ગ : વિહગ; ઉપવર્ગ : નિઑર્નિથિસ (Neornithes); શ્રેણી : પૅસેરિફૉર્મિસ(Passeriformes)ના સ્ટર્નિડે (sturnedae) કુળનું Acridotherus tristis નામે ઓળખાતું પક્ષી. માનવવસવાટ સાથે ઓતપ્રોત થઈ ગયેલું આ પક્ષી કદમાં મધ્યમ બરનું હોય છે. તેની ચાંચ પીળા રંગની અને તે જ રંગનો પટ્ટો આંખ સુધી લંબાયેલો હોય છે. આંખો રતાશ પડતા કથ્થાઈ રંગની, માથું અને ગરદન કાળા રંગનાં, પીઠ ઘેરા, મટોડિયા કથ્થાઈ રંગની, જ્યારે છાતી આછા કથ્થાઈ રંગની હોય છે. પેટ અને પૂંછડી નીચે સફેદ રંગનાં પીંછાં હોય છે, જે ઉડ્ડયન સમયે સ્પષ્ટ દેખાય છે. તેના પગ પીળા રંગના, લાંબા અને કંઈક અંશે મજબૂત હોય છે. આ પક્ષીમાં નર અને માદાને ઓળખવાં ઘણાં મુશ્કેલ હોય છે. તેમ છતાં માદાને તેના નાના કદ અને રંગમાં રહેલા બારીક ફેરફારને કારણે અલગ તારવી શકાય છે. કાબરની જોડી મહદ્અંશે જીવનપર્યંત સાથે જ રહે છે.

કાબર

સ્વભાવે આ પક્ષી જમીન પર રહેનારું હોવાથી, તેનો આહાર મુખ્યત્વે કીટકોનો હોય છે. આ પક્ષીનો અવાજ કર્કશ હોવા છતાં તે મનુષ્યની ભાષાનું અનુકરણ કરી શકે છે. આ માટે તેનાં બચ્ચાંને નાનપણથી કેળવણી આપવી પડે છે. તેની ઉડાન સીધી દિશામાં રહે છે અને ઊડતી વખતે હમેશાં ‘ટીઈક’ અવાજ કરે છે. સાપ, નોળિયા, ઘો કે બિલાડી જેવાં પ્રાણીઓને જોતાં તે તરત જ ભયસૂચક અવાજ કરે છે અને અન્ય પક્ષીઓને પણ તે સમયસર ચેતવણી આપે છે.

શિયાળાની ઋતુમાં સાથે રહેલી નર-માદાની જોડીઓ જુદી પડી જાય છે. માળા બનાવવાની બાબતમાં તેનું વલણ લાપરવાહી દર્શાવે છે. ગમે તે સ્થળે, ગમે તેવા અસ્થિર આધાર પર માળો બાંધવાની નિરર્થક પ્રવૃત્તિ કરતું આ પક્ષી મૂર્ખ લાગે છે. માળા માટેની તેમની એકબીજા સાથેની લડાઈ ખરેખર જોવા જેવી હોય છે ! મેથી ઑગસ્ટ સુધીનો સમય તેમનો પ્રજનનકાળ ગણાય છે. માદા ચારથી પાંચ એકસરખાં, વાદળી રંગનાં ઈંડાં મૂકે છે. આ પક્ષી અવાજની બાબતમાં આશ્ર્ચર્યજનક અનુકરણશક્તિ ધરાવે છે.

દિલીપ શુક્લ