કાપાલિક : પાશુપત શૈવોનો એક સંપ્રદાય. એનો શાબ્દિક અર્થ છે કપાલ અર્થાત્ મનુષ્યની ખોપરીને ધારણ કરનાર. એ સંપ્રદાયવાળા પોતાનું ભિક્ષાન્ન ખોપરીમાં ગ્રહણ કરતા. કપાલ મૃત્યુનું પ્રતીક છે. એનો સંબંધ શિવના વિધ્વંસક ઘોર, રૌદ્ર રૂપ સાથે છે. કાપાલિકોનો આચાર-વ્યવહાર વામમાર્ગી શાક્તો સાથે મળતો આવે છે. ભૂતકાળમાં આ સંપ્રદાયના જૂજ અનુયાયીઓ હતા; અત્યારે તો તે લુપ્તપ્રાય છે.
ચાલુક્ય નાગવર્ધન(સાતમી સદી)ના કપાલેશ્વર મંદિરના અભિલેખમાં કાપાલિકોનું વર્ણન મહાવ્રત (એ નામનું શૈવવ્રત) કરનાર રૂપે છે. ભવભૂતિએ (આઠમી સદી) ‘માલતીમાધવ’માં કાપાલિક ‘અઘોરઘંટ’નો ઉલ્લેખ કર્યો છે. એનો સંબંધ આન્ધ્રના શ્રીશૈલ પર્વત સાથે છે. ‘પ્રબોધચંદ્રોદય’(અગિયારમી સદી)માં કાપાલિકોનો સંબંધ નરબલિ, શ્રીચક્ર અને અનેક ઘોર સાધનાઓ સાથે વર્ણવ્યો છે.
‘બાર્હસ્પત્યસૂત્ર’ રાજાઓને અર્થપ્રાપ્તિ માટે લૌકાયતિક સિદ્ધાંતો અનુસાર અને કામપ્રાપ્તિ માટે કાપાલિક સિદ્ધાંતો અનુસાર વર્તવા કહે છે.
ઉ. જ. સાડેસરા